ટ્રેડિશનલ લુકથી એક જેવી જ ફૅશન અપનાવીને કંટાળેલા લોકોએ એવરગ્રીન ડેનિમ પર ક્લાસિક એમ્બ્રૉઇડરીના ફ્યુઝનવાળી ડેનિમ સાડીનો નવો કન્સેપ્ટ અપનાવવા જેવો છે
માધુરી દીક્ષિત
આપણે જ્યારે પણ કોઈ લગ્ન, તહેવાર કે ખાસ પ્રસંગે તૈયાર થવાનું વિચારીએ ત્યારે પહેલો ખ્યાલ સાડીનો જ આવે. દર વખતે એ જ સિલ્ક, નેટ કે શિફૉન સાડી પહેરીને કંટાળી ગયા હો તો ફૅશનવર્લ્ડમાં કંઈક નવું ટ્રાય કરવાનો આ બેસ્ટ સમય છે. માધુરી દીક્ષિતે તાજેતરમાં ડેનિમ સાડી પહેરી હતી. ટ્રેન્ડી ડેનિમ ફૅબ્રિક પર પરંપરાગત વર્ક સાથેની આ સાડી ક્લાસિક અને મૉડર્ન લુકનું પર્ફેક્ટ કૉમ્બિનેશન છે. જો તમે સ્ટાઇલિશ દેખાવા માગો છો તો આ ડેનિમ સાડી તમારા માટે સુપરકૂલ ઑપ્શન બની શકે છે.
સ્ટાઇલ ડીકોડ
ADVERTISEMENT
માધુરીએ કસ્ટમાઇઝ્ડ કરેલી ગ્રે-બ્લુ ટોનની સાડીમાં ટિશ્યુ એપ્લિક સ્ટાઇલનું એમ્બ્રૉઇડરી વર્ક છે જે ડેનિમને ડેલિકેટ બનાવે છે. સાડીને કૉમ્પ્લિમેન્ટ કરવા માટે તેણે ગ્રે કલરનું સ્લીવલેસ મૅચિંગ બ્લાઉઝ પહેર્યું છે અને એમાં પણ આ જ પ્રકારનું એમ્બ્રૉઇડરી વર્ક છે. મૉડર્ન ફૅબ્રિક સાથે ટ્રેડિશનલ ટચ આપવા માટે મૅક્સિમલિસ્ટ અપ્રોચ અપનાવ્યો છે જેમાં હેવી સ્ટેટમેન્ટ ઝૂમખાં, રિંગ અને હાથમાં સોનાની બંગડીઓ પહેરી છે. લુકને બૅલૅન્સ રાખવા માટે મેકઅપ સૉફ્ટ રાખ્યો છે.
તમે કેવી રીતે સ્ટાઇલ કરી શકો?
વીસથી ૩૦ વર્ષની વયજૂથની યુવતીઓ ડેનિમ સાડીને ક્રોપ ટૉપ, ડેનિમ જૅકેટ અથવા ટર્ટલ ટી-શર્ટ બ્લાઉઝ સાથે પહેરી શકે છે. આ લુકને સ્નીકર્સ અથવા બૂટ સાથે પેર કરી શકાય. એના પર ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી બહુ ટ્રેન્ડી લાગશે.
આ જ સાડી જો ત્રીસથી ૪૫ વર્ષની મિડ-એજ મહિલાઓએ પહેરવી હોય તો માધુરીની જેમ એમ્બ્રૉઇડરી વર્કવાળી સાડી પસંદ કરવી. એની સાથે સ્લિવલેસ અથવા કૉલરવાળું એલિગન્ટ બ્લાઉઝ પહેરી શકાય. હાઇટ નાની હોય તો હાઈ હીલ્સ સાથે સ્ટાઇલ કરી શકાય.
૪૫ કરતાં વધુ વયની સ્ત્રીએ પણ જો ડેનિમ સાડી પહેરવી હોય તો તે પહેરી શકે છે. સૉફ્ટ, લાઇટ વેઇટ ડેનિમ અથવા શેમ્બ્રે ફૅબ્રિક પસંદ કરો. એને ક્લાસિક એલ્બો લેન્ગ્થ સુધીના બ્લાઉઝ અને સિલ્વર કે પર્લ જ્વેલેરી સાથે પહેરવાથી ગ્રેસફુલ લુક મળશે.
ડેનિમનું સ્ટ્રક્ચર ફિટિંગ સરસ આપે છે. બૉડી સ્લિમ હોય તો તમે કમરના ભાગથી પ્રૉપર ફિટિંગ રાખીને ડેનિમ બેલ્ટનો ઉપયોગ કરીને વેસ્ટલાઇનને હાઇલાઇટ કરી શકો છો.
પ્લસ સાઇઝ હોય એવી સ્ત્રીઓએ કડક કે જાડા ડેનિમને બદલે સૉફ્ટ, ફ્લોઇંગ કે ડેનિમ બ્લેન્ડ મટીરિયલ પસંદ કરવું જેથી બૉડી બલ્કી ન લાગે. સાડીની પાટલી પાતળી લો અને સિંગલ પલ્લુ રાખવાને બદલે પ્લિટેડ પિન-અપ પલ્લુ રાખો જે સ્લિમ લુક આપશે.
કેવા પ્રસંગે પહેરવી?
કૅઝ્યુઅલ આઉટિંગ અને બ્રન્ચ માટે જવાનું હોય તો પ્લેન કે લાઇટ ડેનિમ સાડીને વાઇટ શર્ટ કે બ્લાઉઝ સાથે પેર કરો. ન્યુડ મેકઅપ અને પોનીટેલ હેરસ્ટાઇલ સાથે આ લુક ડે-ટાઇમ માટે બેસ્ટ છે.
ડાર્ક ઇન્ડિગો બ્લુ કે બ્લૅક ડેનિમ સાડી સાથે ફૉર્મલ કૉલરવાળું બ્લાઉઝ અથવા શૉર્ટ બ્લેઝર પેર કરીને તમે ઑફિસની ફૉર્મલ ઇવેન્ટ્સમાં જઈ શકો છો. મિનિમલ જ્વેલરી સાથે આ પાવર-લુક આપશે.
ફેસ્ટિવલ અથવા કૉકટેલ પાર્ટીમાં જવાનું હોય તો માધુરી દીક્ષિતની જેમ એમ્બ્રૉઇડરી અથવા સીક્વન્સ વર્કવાળી ડેનિમ સાડી સાથે હેવી ઝૂમખાં, ગ્લોઇંગ મેકઅપ અને સરસ હેર-બન બનાવી શકાય.
