Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > મંદિરમાં ચડેલાં ફૂલોના વેસ્ટમાંથી ડાઇ કરેલાં કપડાંની ફૅશનનો ટ્રેન્ડ સસ્ટેનેબલ પણ અને સુપરહિટ પણ

મંદિરમાં ચડેલાં ફૂલોના વેસ્ટમાંથી ડાઇ કરેલાં કપડાંની ફૅશનનો ટ્રેન્ડ સસ્ટેનેબલ પણ અને સુપરહિટ પણ

Published : 15 June, 2026 01:44 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

માધુરી દીક્ષિતે પહેરેલી આ ખાસ ફ્લાવર-ડાઇડ સાડી ફૅશનજગતમાં ગેમચેન્જર બની રહી છે. નકામાં ફૂલોમાંથી નૅચરલી ડાઇ કરેલી સાડી જોઈને જાણીએ કે આ ઇકો-ફ્રેન્ડ્લી ક્રેઝ માર્કેટમાં કેટલો ઇફેક્ટિવ છે અને અત્યારે શું ટ્રેન્ડિંગ છે?

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત


ગ્લૅમર અને અવનવા પ્રયોગો માટે જાણીતી ફૅશન-ઇન્ડસ્ટ્રી હવે માત્ર સુંદર દેખાવા પૂરતી સીમિત રહેવાને બદલે પર્યાવરણ પ્રત્યે જાગરૂક થઈ રહી છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર બૉલીવુડની અભિનેત્રી માધુરી દીક્ષિતે એક કાર્યક્રમમાં પહેરેલી પીળા અને કેસરી રંગની સાડીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને હવે આ જ સાડી ચર્ચાનું કેન્દ્ર બની છે. મંદિરમાં ચડાવવામાં આવેલાં અને ત્યાર બાદ ફેંકી દેવાયેલાં ગલગોટાનાં ફૂલોમાંથી તૈયાર કરેલા કુદરતી રંગનો ઉપયોગ માધુરીની સાડીને ડાઇ કરવા માટે થયો હતો. આ સાડીએ સાબિત કરી દીધું છે કે પર્યાવરણને અનુકૂળ એવી સસ્ટેનેબલ ફૅશન પણ ગ્લૅમરસ હોઈ શકે છે. આ ટેક્નિક અને ટ્રેન્ડ વિશે મુલુંડમાં રહેતાં ફૅશન-ડિઝાઇનર અને સ્ટાઇલિસ્ટ નિયતિ શાહ પાસેથી વિગતવાર જાણીએ.

અત્યારે શું છે ટ્રેન્ડમાં?



આજે નૅચરલ ડાઇ માત્ર સાડી પૂરતી સીમિત નથી. માર્કેટમાં નૅચરલ ડાઇ કરેલા કો-ઑર્ડ સેટ્સ, પ્રીમિયમ લિનન અને ઑર્ગેનિક કૉટનના સ્ટ્રેટ-કટ કુરતા અને પલાઝો ખૂબ ડિમાન્ડમાં છે. આ સિવાય કાપડ પર સીધાં જ પાંદડાં કે ફૂલોને મૂકીને કરાતી ઇકો પ્રિન્ટિંગવાળી સાડી, મૅક્સી અને ટાયર્ડ ડ્રેસ બહુ ચાલી રહ્યાં છે. ચંદેરી અને મોડલ સિલ્ક પર કુદરતી રંગોથી થતું અજરખ બ્લૉક પ્રિન્ટિંગ અને હાથથી દોરાતી કલમકારી સાડીઓ અત્યારે પણ ફેસ્ટિવ કલેક્શનમાં ટૉપ પર છે.


નૅચરલ ડાઇનો આ ક્રેઝ પુરુષોમાં પણ એટલો જ પૉપ્યુલર છે. પુરુષો માટે કેસૂડાનાં ફૂલોથી ડાઇ કરેલાં કેસરી-પીળાં શર્ટ્‍સ તેમ જ લીમડા અને સૅપનવુડમાંથી ડાઇ કરેલાં કૅઝ્યુઅલ પિન્ક અને ઑલિવ ગ્રીન રિસૉર્ટ શર્ટ્સ અત્યારે ખૂબ જ કૂલ અને ક્લાસી લુક આપે છે. ઍક્સેસરીઝની વાત કરીએ તો મલબેરી સિલ્કના સ્ટોલ અને કૉટનના દુપટ્ટા (જે લાખ નામના કીડામાંથી મળતા કુદરતી લાલ રંગથી ડાઇ થાય છે) અને ખાદીની બૅગ્સ પર ફ્લાવર ડાઇ અને બ્લૉક પ્રિન્ટ્સ અત્યારે હૉટ ફેવરિટ છે.

શા માટે છે લોકપ્રિય?


નૅચરલ ડાય કરેલી ચીજો સ્કિન-ફ્રેન્ડ્લી હોય છે. એમાં કોઈ કેમિકલ ન હોવાથી ઍલર્જી થતી નથી. આ ડાઇ હાથથી થતી હોવાથી દરેક પીસ એકબીજાથી અલગ અને યુનિક હોય છે. વળી આજના ફૅશન-ટ્રેન્ડમાં ભડક રંગોને બદલે આંખોને ગમે એવા અર્થિંગ, પેસ્ટલ અને સટલ શેડ્સ વધુ પસંદ કરવામાં આવે છે જે માત્ર નૅચરલ ડાઇથી જ બેસ્ટ મળે છે.

શું છે આનું ટેક્સટાઇલ સાયન્સ?

આ કન્સેપ્ટ સામાન્ય રીતે ફેંકી દીધેલાં ફૂલોમાંથી નૅચરલ પિગમેન્ટ મેળવવા અને એનો કાપડના રંગ તરીકે ઉપયોગ કરવા પર આધારિત છે. આ આપણી પરંપરાગત રંગકામની પ્રક્રિયાઓનું આધુનિક પુનરુત્થાન છે જે નકામી વસ્તુને એક મૂલ્યવાન ફૅશન-પ્રોડક્ટમાં ફેરવે છે. જો ફૂલોમાંથી પિગમેન્ટ્સનું યોગ્ય એક્સટ્રેક્શન થાય અને કાપડ પર જરૂરી પ્રક્રિયાઓ ફૉલો કરવામાં આવે તો જ આ શક્ય બને છે. જોકે કુદરતી રંગો હોવાને કારણે તેઓ સિન્થેટિક રંગો કરતાં થોડા વધુ ઝડપથી ઝાંખા પડી જાય છે. આ પ્રક્રિયામાં ફૂલો એકઠાં કરી, એમનો રંગ બહાર કાઢીને કાપડ પર ચડાવવાનો મૂળભૂત આઇડિયા સરળ છે; પણ જટિલ ભાગ એ છે કે રંગ એકસરખો રહે, ધોતી વખતે ઝડપથી નીકળી ન જાય અને અલગ-અલગ કપડાં પર એકસમાન દેખાય. આ જગ્યાએ ટેક્સટાઇલ સાયન્સ કામમાં આવે છે. જોકે કુદરતી રંગો ઝાંખા પણ સુંદર રીતે પડે છે, જે કાપડને એક અદ્ભુત વિન્ટેજ લુક આપે છે. પ્રીમિયમ ક્વૉલિટીની નૅચરલ ડાઇડ સિલ્ક સાડીઓ ઘણાં વર્ષો સુધી ચાલી શકે છે.

આપણા દેશમાં મંદિરો અને ધાર્મિક ઉત્સવોમાંથી ટનબંધ ફૂલોનો કચરો નીકળે છે જે કાં તો નદીઓમાં પધરાવાય છે અથવા લૅન્ડફિલ્સમાં જાય છે. આ કચરાના એક નાના ભાગને પણ ઉપયોગી ઉત્પાદનોમાં બદલવાથી પ્રદૂષણ ઘટાડી શકાય છે. એની સાથે જ સ્થાનિક કારીગરો તેમ જ નાના વ્યવસાયો માટે આવકની વધારાની તકો ઊભી થાય છે અને કાપડની સુંદરતા પણ વધે છે.

આજકાલ લોકો સેલિબ્રિટીઝના ટ્રેન્ડ્સ ઝડપથી ફૉલો કરે છે. માધુરી દીક્ષિત જ્યારે આવી સાડી પહેરે ત્યારે સસ્ટેનેબલ ફૅશન કોઈ નાની કે બોરિંગ વસ્તુ લાગવાને બદલે અચાનક ગ્લૅમરસ અને લક્ઝુરિયસ લાગવા માંડે છે. કોઈ એક સેલિબ્રિટીના દેખાવથી આખી ઇન્ડસ્ટ્રી રાતોરાત નહીં બદલાય, પણ એનાથી લોકોમાં જાગૃતિ ચોક્કસ વધે છે.

જેન-ઝીનો સપોર્ટ

કેમિકલ ડાઇ કરતાં નૅચરલ ડાઇ કરેલાં કપડાં થોડાં ખર્ચાળ હોય છે, કારણ કે આ પ્રક્રિયામાં મહેનત વધુ લાગે છે અને એ મોટા ભાગે નાના પાયે થાય છે. જોકે કેટલીક પ્રોડક્ટ્સ પ્રીમિયમ હોય છે, જ્યારે અન્ય પ્રોડક્ટ્સ ડિમાન્ડ વધવાથી આમ આદમીના બજેટમાં આવી રહી છે. જેન-ઝી સસ્ટેનેબિલિટી, અપસાઇક્લિંગ અને એથિકલ ફૅશનમાં વધુ રસ ધરાવે છે. ફૅશનમાં કુદરતી રંગો સંપૂર્ણપણે સિન્થેટિક રંગોની જગ્યા લે એવી શક્યતા ઓછી છે, કારણ કે સિન્થેટિક રંગો હજી પણ સસ્તા છે અને મોટા પાયે બનાવી શકાય છે. જોકે ભવિષ્યમાં એક સંતુલિત અભિગમ જોવા મળશે, જ્યાં નૅચરલ ડાઇ પ્રોડક્શન વધવાની સાથે વધુ લોકપ્રિય બનશે.

ઘરે કરો ડાઇ

ઘરમાં રહેલા જૂનાં સુતરાઉ, લિનન કે રેશમી કપડાંને નવો લુક આપવા માટે ગલગોટો, જાસૂદ કે ગુલાબની પાંખડીઓનો ઉપયોગ કરીને કુદરતી રંગ બનાવી શકો છો. જોકે એ પ્રોફેશનલ જેવો પાકો રંગ ન આપે, પરંતુ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અને પર્યાવરણને બચાવવાનો આ એક સુંદર ઘરગથ્થુ પ્રયાસ બની શકે છે.

આટલી કાળજી રાખવી જરૂરી છે

જો તમે કુદરતી રંગોથી બનેલી સાડી કે ડ્રેસ ખરીદો છો તો એને લાંબો સમય સાચવવા માટે શરૂઆતમાં અન્ય કપડાંથી અલગ ઠંડા પાણીમાં અને ખૂબ જ હળવા ડિટર્જન્ટથી ધુઓ. આ કપડાંને ક્યારેય સીધાં અને કડક તડકામાં ન સૂકવો. વધુપડતો તડકો કુદરતી રંગને ઝડપથી ઝાંખો પાડી શકે છે એટલે એને હંમેશાં છાંયડામાં જ સૂકવો.

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2026 01:44 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK