ફૂલકારી દુપટ્ટો પોતે એટલો કલરફુલ અને હેવી હોય છે કે એને થોડી સ્માર્ટ રીતે સ્ટાઇલ કરવામાં આવે તો તમે આખી ભીડમાં અલગ તરી આવશો
પ્રતીકાત્મક તસવીર
મકરસંક્રાન્તિમાં આકાશ તો પતંગોથી રંગીન હોય જ છે, પણ જો તમારે તમારા લુકથી છવાઈ જવું હોય તો ફૂલકારી એક ઉત્તમ વિકલ્પ છે. ફૂલકારી શબ્દ બે શબ્દોનો બનેલો છે. ફૂલ અને કારી (કામ) એટલે કે ફૂલોની કળા. પંજાબમાં આ કળા પ્રચલિત છે. પહેલાંના સમયમાં પંજાબી સ્ત્રીઓ દીકરીના લગ્નપ્રસંગે તેને આપવા માટે પોતાના હાથેથી આ દુપટ્ટા તૈયાર કરતી. ફૂલકારીની સૌથી મોટી વિશેષતા એમાં વપરાતો પાટ એટલે કે રેશમનો દોરો છે. આ કામ ખાદી અથવા કૉટનના કપડા પર રેશમી દોરાથી કરવામાં આવે છે. આ હેવી એમ્બ્રૉઇડરીવાળા દુપટ્ટા સાદા આઉટફિટને પણ રૉયલ બનાવી દે છે.
કઈ રીતે સ્ટાઇલ કરશો?
ADVERTISEMENT
ફૂલકારીને સ્ટાઇલ કરવાની આ સૌથી ક્લાસિક રીત છે. આખો ડ્રેસ પ્લેન પહેરો (સફેદ, કાળો, નેવી બ્લુ) અને એની સાથે મલ્ટિકલરનો ફૂલકારી દુપટ્ટો ઓઢો. જ્યારે આઉટફિટ સાદો હોય ત્યારે દુપટ્ટાની એમ્બ્રૉઇડરી અને રંગો એકદમ ઊભરીને આવે છે.
જો તમે પતંગ ચગાવવાના હો અને તમે ઇચ્છતા હો કે દુપટ્ટો ન નડે તો તમે એને જૅકેટ સ્ટાઇલમાં પહેરી લો. ઉપર એક સ્ટાઇલિશ સ્ટેટમેન્ટ બેલ્ટ બાંધો. આનાથી તમને ઇન્ડો-વેસ્ટર્ન લુક મળશે અને દુપટ્ટો પણ એની જગ્યાએ સેટ રહેશે.
તમે ટ્રેડિશનલ દેખાવ માટે આ લુક પણ ટ્રાય કરી શકો. ટૂંકી કુરતી અને ઘેરવાળી પટિયાલા સલવાર સાથે દુપટ્ટાને બન્ને ખભા પર ઓઢો. સાથે કાનમાં મોટી બાલી અને લાંબી ચોટલીમાં પરાંદી નાખો.
જો તમે સાડી પહેરવાના શોખીન હો તો ફૂલકારીને દુપટ્ટા તરીકે વાપરી શકાય. સાદી સિલ્ક કે કૉટનની સાડી પહેરો અને ફૂલકારી દુપટ્ટાને બીજા ખભા પર પલ્લુની જેમ પિન કરો. આ લુક ખૂબ જ રૉયલ અને હેવી લાગે છે.
ફૂલકારી સાથે હંમેશાં ઑક્સિડાઇઝ્ડ સિલ્વર જ્વેલરી સૌથી વધુ સૂટ થાય. લુક પૂરો કરવા માટે કચ્છી વર્કવાળી મોજડી કે કોલ્હાપુરી ચંપલ પહેરો. દુપટ્ટો રંગીન હોવાથી મેકઅપ ન્યુડ કે નૅચરલ રાખવો અને માત્ર ડાર્ક લિપસ્ટિક લગાવવી.


