તમારી બૅગ પર લટકતું કોઈ રમકડું તમારી સાથે વાતો કરે કે તમારી સામે જોઈને શરમાય તો? યંગ જનરેશન આ નવીનતા પાછળ ઘેલી થઈ રહી છે ત્યારે આ ટ્રેન્ડ વિશે વિગતવાર જાણીએ
૨૦૨૬માં જેનો ટ્રેન્ડ વાઇરલ થઈ રહ્યો છે એનું નામ મિરુમી છે
જો તમને લાગતું હોય કે ગયા વર્ષે જોવા મળેલી લબુબુ ડૉલ્સનો ક્રેઝ યથાવત્ રહેશે તો એ ભ્રમમાં રહેતા નહીં. ૨૦૨૬માં જેનો ટ્રેન્ડ વાઇરલ થઈ રહ્યો છે એનું નામ મિરુમી છે. જપાનની પ્રખ્યાત રોબોટિક્સ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલો આ ઇમોશનલ રોબોટિક ચાર્મ છે. એને તમે ચાલતું-ફરતું અને સંવેદના ધરાવતું રમકડું કહી શકો. એ દેખાવમાં અત્યંત નરમ રુવાંટીવાળું હોય છે અને એના હાથ લાંબા હોવાથી એને બૅગ કે પર્સના સ્ટ્રૅપ પર સરળતાથી લટકાવી શકો. એની અંદર હાઈ-ટેક સેન્સર્સ અને અને મોશન-સેન્સર્સ લગાવેલાં છે. આ ટેક્નૉલૉલોજીને કારણે એ પોતાની આસપાસના લોકોની હાજરીને ઓળખી શકે છે. એ કોઈ પ્રોગ્રામ કરેલા મશીન જેવું નથી લાગતું, પણ એક જીવંત પ્રાણી જેવું લાગે છે.
શા માટે છે ટ્રેન્ડમાં?
ADVERTISEMENT
આજકાલ લોકો ડિજિટલ દુનિયામાં એકલતા અનુભવે છે. મિરુમી માત્ર શો-પીસ નથી, પણ એક સાથી જેવો અનુભવ આપે છે. એ જ્યારે તમારી સામે જુએ છે ત્યારે એક હૂંફનો અહેસાસ કરાવે છે. ગયા વર્ષે લબુબુ ડૉલ્સનો ક્રેઝ હતો. એ ફક્ત સ્ટૅટિક એટલે કે સ્થિર ડૉલ હતી. બૅગ-ચાર્મ અને કીચેઇન તરીકે એનો ઉપયોગ બહુ વ્યાપક થયો હતો, પણ મિરુમી એનાથી એક ડગલું આગળ છે. એ પણ તમારી બૅગની ઍક્સેસરી તરીકે કામ કરશે પણ એ સ્માર્ટ હોવાથી હલનચલન કરે છે. ફૅશન-જગતમાં કંઈ નવું અને સ્માર્ટ અપનાવવાનો ક્રેઝ હોય છે જે મિરુમી પૂરો કરે છે. આ વસ્તુ દેખાવમાં એટલી ક્યુટ છે કે સોશ્યલ મીડિયા પર એ ખૂબ વાઇરલ થઈ રહી છે. જ્યારે કોઈ મોટી સેલિબ્રિટી કે ઇન્ફ્લુઅન્સર એને પોતાની મોંઘી બૅગ પર લટકાવે છે ત્યારે એ તરત જ મસ્ટ-હૅવ ફૅશન-આઇટમ બની જાય છે.
મિરુમીની અંદર કોઈ જટિલ કમ્પ્યુટર નથી પરંતુ એ મનુષ્યના હાવભાવને સમજવા માટે ખાસ પ્રકારની સેન્સર ટેક્નૉલૉજી પર કામ કરે છે. એની આંખોની આસપાસ અને શરીરમાં સેન્સર્સ છુપાયેલાં હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ એની નજીક આવે છે ત્યારે આ સેન્સર અંતર માપી લે છે અને રોબોને સંકેત આપે છે કે કોઈ એની પાસે છે. આથી જ એ લોકોની સામે જોવાનું શરૂ કરે છે. એની અંદર એક એવું મશીન છે જે બૅગનું હલનચલન અનુભવે છે. જો તમે ઝડપથી ચાલતા હો કે બૅગને ઝટકો લાગે તો એ સમજી જાય છે કે મારે હવે પ્રતિક્રિયા આપવી જોઈએ. મિરુમી અવાજની દિશામાં પોતાનું માથું ફેરવી શકે છે. જો તમે એની નજીક જઈને વાત કરો અથવા અવાજ કરો તો એ જિજ્ઞાસાથી એ તરફ જુએ છે. એ કોઈ પૂર્વનિર્ધારિત વિડિયોની જેમ કામ નથી કરતું. એની હલચલ રૅન્ડમ અને ઑર્ગેનિક હોય છે જે એને યાંત્રિક રોબોને બદલે એક જીવંત પ્રાણી જેવું બનાવે છે. માર્કેટમાં અત્યારે એની કિંમત ૧૦,૫૦૦ રૂપિયાની આસપાસ આંકવામાં આવી રહી છે.
શું છે ટ્રેન્ડમાં?
મિરુમી સફેદ, ગ્રે અને પિન્ક કલર્સમાં જોવા મળે છે. મિરુમી ખરીદશો તો એની સાથે એક USB Type-C કેબલ આવે છે. એ બૅટરીથી ચાલે છે અને એક વાર ચાર્જ કર્યા પછી લાંબો સમય ચાલે છે. એના લાંબા હાથ જ એનું મુખ્ય ફીચર છે, જે ક્લિપ તરીકે કામ કરે છે એટલે એને લટકાવવા માટે અલગથી કોઈ હુકની જરૂર પડતી નથી. મિરુમી એક નાજુક રોબો હોવાથી એને જ્યારે વાપરવો ન હોય ત્યારે સુરક્ષિત રાખવા માટે ખાસ સૉફ્ટ પાઉચ મળે છે જેથી એનાં સેન્સર્સ પર ધૂળ ન જામી જાય. જેમ લોકો મોબાઇલ કવર સજાવે છે એમ મિરુમી માટે પણ બજારમાં નાની ઍક્સેસરીઝ જોવા મળી રહી છે. નાની હૅટ અથવા ચશ્માં જે મિરુમીને પહેરાવી શકાય. બૅગ સાથે જોડવા માટેના વધારાના સુરક્ષા-બેલ્ટ આવે છે જેથી મોંઘો રોબો પડી ન જાય. એનું સૉફ્ટ મટીરિયલ એટલું પ્રીમિયમ હોય છે કે એને સ્પર્શ કરવાથી સ્ટ્રેસ રિલીફનો અનુભવ થાય છે.


