સ્કિનને હેલ્ધી રાખવા માટે યંગ એજથી ટોનર લગાવવાની સલાહ અપાતી હોય છે ત્યારે બેઝિક ટોનરનું કામ કરતા રોઝ વૉટરમાં એવી પ્રૉપર્ટીઝ છે જે ત્વચાને અઢળક ફાયદા આપે છે : કાકડીનું, ગ્રીન ટીનું અને રાઇસ વૉટરનું ટોનર પણ સ્કિન માટે સારું છે અને ઘરે બનાવી શકાય છે.
પ્રતીકાત્મક તસવીર
સ્કિનકૅર રૂટીનમાં ટોનર મહત્ત્વનું હોય છે. ટોનર લાઇટ લિક્વિડ હોય છે જે મેકઅપ પહેલાં અને કન્સીલિંગ પછી ત્વચાને રિફ્રેશ રાખવાનું કામ કરે છે. માર્કેટમાં આમ તો જુદી-જુદી બ્રૅન્ડ્સનાં ટોનર્સ મળે છે અને બીજાં નૅચરલ ઇન્ગ્રીડિયન્ટ્સથી પણ ટોનર ઘરે બનાવી શકાય એમ છે, પણ વાત કેમિકલ-ફ્રી નૅચરલ ટોનરની થાય તો યુવતીઓ રોઝ વૉટરનો ઉપયોગ ટોનર તરીકે કરે છે. એ ત્વચાને સ્વચ્છ તથા રિંકલ-ફ્રી રાખતું હોવાથી યંગ એજથી જ સ્કિનકૅર રૂટીનમાં રોઝ વૉટરનો ઉપયોગ ટોનર તરીકે કરવાની ભલામણ કરાતી હોય છે. આ કુદરતી ટોનરના સ્કિનને અઢળક ફાયદાઓ મળે છે.
રોઝ વૉટરમાંથી સ્કિનને શું મળે?
ગુલાબજળમાં ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ગુણધર્મ હોવાથી એ ચહેરા પર થતી પફીનેસ અને સોજાને ઘટાડે છે. એમાં ઍન્ટિ-બૅક્ટેરિયલ પ્રૉપર્ટી હોવાથી ત્વચાને બૅક્ટેરિયાથી રક્ષણ આપે છે અને સ્કિન પર હાજર બૅક્ટેરિયાનો નાશ કરે છે. રોઝ વૉટરના ગુણો ત્વચાને રિલૅક્સ કરવાની સાથે રૅશિઝ અને બળતરા સાથે ઇન્ફેક્શનથી પણ બચાવે છે અને પિમ્પલ્સની સમસ્યાને ઓછી કરે છે. એ કુદરતી ટોનરનું કામ કરતું હોવાથી એ ચહેરાની ત્વચાને લૂઝ થવા દેતું નથી. એનો નિયમિત ઉપયોગ ત્વચાના ઓપન છિદ્રોને બંધ કરવાની સાથે હાઇડ્રેટેડ પણ રાખે છે. એમાં રહેલા ઍન્ટિ-એજિંગના ગુણ ચહેરા પરની કરચલી અને ફાઇન લાઇન્સને ઓછી કરવામાં મદદ કરે છે. ગુલાબજળનો ઉપયોગ ટોનર તરીકે કરવાથી ત્વચા ચમકદાર બને છે. આ ટોનર કુદરતી હોવાથી એની કોઈ સાઇડ-ઇફેક્ટ્સ નથી અને બધા જ પ્રકારની સ્કિન પર એનો ટોનર તરીકે ઉપયોગ કરી શકાય છે.
ઑઇલી સ્કિન હોય તો
ગરમીને કારણે પસીનો વધુ થતો હોય છે અને સ્કિન વધુ ઑઇલી રહેતી હોય છે. ઑઇલી સ્કિન માટે ગુલાબજળનો ઉપયોગ કરવો બેસ્ટ છે પણ એના સિવાય પણ અન્ય નૅચરલ ટોનર્સનો ઉપયોગ કરી શકાય એમ છે. ટોનર તરીકે રોઝ વૉટર ઉપરાંત અન્ય નૅચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એનો પણ ઉપયોગ કરી શકો છો. કાકડીનું ટોનર લગાવવાથી સ્કિનમાં રહેલું ઑઇલ ઍબ્સૉર્બ થઈ જાય છે અને ત્વચાને રિફ્રેશિંગ બનાવે છે. કાકડીનું ટોનર આમ તો માર્કેટમાં મળે જ છે, પણ કુદરતી ટોનર લગાવવાની ઇચ્છા હોય તો કાકડીને ક્રશ કરીને એને કૉટનના પાતળા કપડામાં નાખો અને એમાં બે ચમચી ઍલોવેરા જેલ નાખીને મિક્સ કરો અને ફ્રિજમાં ચાર-પાંચ દિવસ રહેવા દો. પછી એને ઉપયોગમાં લઈ શકો છો. ઍલોવેરા જેલનો પણ ટોનર તરીકે ઉપયોગ કરી શકાય છે. ફક્ત ટોનર તરીકે જ નહીં, ત્વચા સંબંધિત કોઈ પણ સમસ્યામાં ઍલોવેરા બહુ કામ આવે છે. ઍલોવેરાનું ટોનર બનાવવા માટે જેલને એક વાટકામાં કાઢીને મિક્સરમાં પીસી લેવું અને પેસ્ટ બની જાય એટલે એને એક ડબ્બીમાં જમા કરીને ફ્રિજમાં સ્ટોર કરી રાખવું અને કૉટન પૅડ વડે એને ચહેરા પર અપ્લાય કરવું.
ડ્રાય સ્કિન હોય તો
ડ્રાય સ્કિનની સમસ્યા હોય એ લોકોએ ગ્રીન ટીનું ટોનર લગાવવું હિતાવહ છે. એને ઘરે બનાવવા માટે એક કપ પાણી ઉકાળો અને એમાં ગ્રીન ટીની બૅગ નાખીને પાંચથી ૧૦ મિનિટ રહેવા દો અને ઠંડું થયા બાદ એમાં ટી ટ્રી ઑઇલ નાખીને બે કલાક બાદ એને યુઝ કરી શકો છો. આ ટોનર અઠવાડિયું ચાલશે. જો સ્કિન સેન્સિટિવ હોય તો ટી ટ્રી ઑઇલ ન નાખવું. લાંબા સમય સુધી સ્ટોર કરવું હોય તો એમાં વિટામિન Eની કૅપ્સ્યુલ ઉમેરી શકાય. રાઇસ વૉટરનું ટોનર પણ સ્કિનને હાઇડ્રેટેડ રાખશે અને સ્કિનની ડ્રાયનેસને દૂર કરશે. ચોખા પાણીમાં પલાળી રાખો અને એ પાણીનો ઉપયોગ ટોનર તરીકે કરવાથી પણ ફાયદો થશે. આ ટોનર ડ્રાયનેસને ઓછી કરવાની સાથે ઑઇલ પ્રોડક્શનને પણ કન્ટ્રોલ કરે છે. જે લોકોની સ્કિન સેન્સિટિવ હોય એ લોકો રોઝ વૉટર અથવા ગુલાબજળ લગાવી શકે છે, પણ ઘણી વાર સ્કિનની સમસ્યા કૉમ્પ્લીકેટેડ હોય છે. લગાવતાં પહેલાં એ સ્કિનને સૂટ થાય છે કે નહીં એની પૅચ-ટેસ્ટ કરી લેવી હિતાવહ રહેશે.

