નવરાત્રિમાં ગરબા ગ્રાઉન્ડ પર તમારે હટકે દેખાવું હોય અને હજારોની ભીડ વચ્ચે નોખા તરી આવવું હોય તો તમારે આ વખતે નવરાત્રિ સ્પેશ્યલ ગૉગલ્સ જરૂર ટ્રાય કરવાં જોઈએ
નવરાત્રિ સ્પેશ્યલ ગૉગલ્સ
આ વખતે તમારા લુકને વધુ ખાસ બનાવવો હોય તો નવરાત્રિ સ્પેશ્યલ કલરફુલ ગૉગલ્સની ખરીદી કરી લેજો. નવરાત્રિમાં જો તમે ગરબા અને દાંડિયા નાઇટ્સ, ડાન્સ કૉમ્પિટિશન, સાંસ્કૃતિક શો અથવા સ્ટેજ પર્ફોર્મન્સમાં ભાગ લઈ રહ્યા હો તો તમારા માટે આ ગૉગલ્સ એકદમ પર્ફેક્ટ છે.
તમારા ગરબાના દરેક સ્ટેપ સાથે આ ગૉગલ્સ તમારા વ્યક્તિત્વને નિખારશે અને તમને ભીડથી અલગ કરશે. આ ખાસ પ્રકારના હૅન્ડક્રાફ્ટેડ કલરફુલ ગૉગલ્સ ટ્રેડિશનલ અને મૉડર્ન વર્કના ફ્યુઝનવાળી ડિઝાઇનમાં આવે છે. આ ગૉગલ્સ ગામઠી લેસ, આભલાં, કોડીઓ, ઘૂઘરી, શેલ્સ, મોતી, ડિઝાઇનર પૅચ વગેરે જેવી વસ્તુઓથી સજેલા હોય છે.
ADVERTISEMENT
આ વર્ષે માર્કેટમાં નવરાત્રિ સ્પેશ્યલ ગૉગલ્સ કેવી-કેવી ક્રીએટિવ ડિઝાઇનમાં ઉપલબ્ધ છે એની વાત કરીએ તો ચશ્માંના કાચ પર સાઇડમાં માતાજીની આંખોની ડિઝાઇનવાળા પૅચ હોય, મોતીઓનો મોર બનેલો હોય અથવા તો ગૉગલ્સની જે સાઇડ ફ્રેમ છે એના પર ગામઠી લેસ હોય, મા લખેલું હોય કે ત્રિશૂલના પૅચિસ લાગેલા હોય તેમ જ ગૉગલ્સને વધુ ડ્રામેટિક બનાવવા માટે એમાં ઘૂંઘરૂ, કોડિયાં લટકાવેલાં હોય એવા પ્રકારની ડિઝાઇન ખૂબ ટ્રેન્ડમાં છે. આ પ્રકારનાં કલરફુલ ગૉગલ્સ એટલાં વર્સેટાઇલ હોય છે કે એ મહિલા અને પુરુષો બન્નેને શોભે. એને તમે ચણિયાચોળી કે ધોતી-કેડિયું ગમે તેના પર પહેરો તો એ સારાં લાગે.
તમે ઘરે પણ તમારા નવરાત્રિના આઉટફિટ સાથે મેળ ખાય એ રીતે ડિઝાઇન કરી શકો. બસ, તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે ગૉગલ્સની સજાવટ વધુપડતી હેવી ન હોય જેથી ગૉગલ્સ પહેરવામાં આરામદાયક લાગે. ઘણી વાર સિમ્પલ ડિઝાઇન પણ ઍટ્રૅક્ટિવ લાગતી હોય છે. ઘરમાં વધારે શણગારનો સામાન ન પડ્યો હોય તો તમે કોઈ બે વસ્તુનો ઉપયોગ કરીને પણ ગૉગલ્સને સરસ લુક આપી શકો છો. જેમ કે તમે ગૉગલ્સની ફ્રેમ ફરતે રંગબેરંગી રંગનાં કોડિયાં કે મોતી ચીપકાવી દો અને આગળની બાજુએ સાઇડમાં બે લટકણ લગાવી તો પણ સરસ લાગે.

