પટોળાં હવે ટ્રેડિશનલ વેઅર પૂરતાં જ નહીં પણ વેસ્ટર્ન અને ફ્યુઝન વેઅરમાં ગ્લોબલ ટ્રેન્ડ બની ગયાં છે
પટોળાનું પૅચવર્ક, ક્રૉપ ડ્રેસક્રૉપ ડ્રેસ, પટોળાના સ્કાર્ફ
એક સમય એવો હતો કે ભારતીય હૅન્ડલૂમ હેરિટેજમાં ચમકતાં પટોળાં માત્ર શાહી અને રાજવી સ્ત્રીઓની અલમારીમાં જોવા મળતાં હતાં અને એ પણ લગ્નપ્રસંગ કે તહેવારોમાં જ પહેરાતાં, પણ હવે એણે માત્ર સાડી સુધી સીમિત ન રહીને એથ્નિકથી વેસ્ટર્ન અને ફ્યુઝન સુધી દરેક સ્ટાઇલમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ભારતમાં જ નહીં પણ ગ્લોબલી પાટણનાં પટોળાંનો ઉપયોગ વિદેશી ફૅશન-ડિઝાઇનરો પણ કરવા લાગ્યા હોવાથી એને વૈશ્વિક ઓળખ મળી છે. હવે પટોળાંને લોકો કઈ રીતે ફ્યુઝન કરીને પહેરી રહ્યા છે અને જેન-ઝીમાં એ કઈ રીતે પૉપ્યુલર થયાં છે એ વિશે ઘાટકોપરનાં ફૅશન-ડિઝાઇનર રિદ્ધિ સંઘરાજકા પાસેથી જાણીએ તેમના પોતાના જ શબ્દોમાં...
ટ્રેન્ડિંગ ફ્યુઝન
ADVERTISEMENT
પટોળાંને હવે ફૅશન-ડિઝાઇનર્સ બહુ જ ક્રીએટિવ રીતે ઉપયોગમાં લઈ રહ્યા છે. પરંપરાગત પટોળાંનો કન્ટેમ્પરરી કટ અને કમ્ફર્ટનું ફ્યુઝન કરીને જમ્પસૂટ, પ્લેસૂટ, કૉર્સેટ બ્લાઉઝ, લેહંગા, થ્રી-પીસમાં ઉપયોગ થઈ રહ્યો છે. ખાસ કરીને બ્રાઇડલ વેઅરમાં આનો વધુ ટ્રેન્ડ છે. સંગીતમાં કૉર્સેટ બ્લાઉઝ સાથે પ્લેન સિલ્ક લેહંગાનો કન્સેપ્ટ બહુ જ પૉપ્યુલર બની રહ્યો છે. પ્લેન સિલ્કના લેહંગા પર પટોળાનું કૉર્સેટ બ્લાઉઝ ક્લાસિક અને રૉયલ લુક આપે છે. આ પ્રકારના બ્લાઉઝને પ્લેન સાડી સાથે પણ પેર કરી શકાય. એના મલ્ટિયુઝ હોવાથી જેન-ઝી શું, મિલેનિયલ યુવતીઓમાં પણ પટોળાના કૉર્સેટ બ્લાઉઝની ડિમાન્ડ વધી રહી છે. આ ઉપરાંત રિસૉર્ટ વેઅર માટે હૉલ્ટર નેક અથવા ઑફ-શોલ્ડર કટ્સમાં બનાવેલા જમ્પસૂટમાં પટોળાનું પૅચવર્ક પણ બહુ લોકપ્રિય બની રહ્યું છે. પ્લેસૂટ્સમાં પણ હવે પટોળાનો દબદબો વધી રહ્યો છે. સિમ્પલ ડ્રેસમાં પટોળાનું ડીટેલિંગ હોય તો એ ગમે ત્યાં પહેરી શકાય એવી સ્માર્ટ સ્ટાઇલ આપે છે.
કૉર્સેટ બ્લાઉઝ
વેસ્ટર્નમાં પટોળાનો ટચ
વેસ્ટર્ન આઉટફિટમાં પટોળાનો પ્રયોગ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની ગયો છે એમ કહેવું ખોટું નહીં કહેવાય. પ્લેન ટ્રાઉઝર્સ અથવા સ્કર્ટ સાથે પટોળાનાં બ્લેઝર ફૅશનમાં ઇનથિંગ છે. સંગીતનાં ફંક્શન્સમાં બ્રાઇડ્સ પ્લેન ટ્યુબ અને લેહંગા સાથે પટોળાનાં બ્લેઝર પહેરી રહી છે. આવી ફૅશન ઇન્ટરનૅશનલ ડિઝાઇનર્સના કલેક્શન જેવી ફીલિંગ આપે છે. નૉર્મલ જૅકેટ્સ ઉપરાંત ઝીણા પટોળા વર્કવાળા હાઈ-લો જૅકેટ્સ, શૉર્ટ કેપ્સ અને લૉન્ગ કેપ્સ જેવા આઉટફિટ્સ પાર્ટી અને સેલિબ્રેશનમાં ગ્લૅમ લુક આપે છે. હેવી વેસ્ટર્ન ફ્યુઝન ફૅશનમાં બનારસી અને પટોળાનું ફ્યુઝન પણ થાય છે. એટલે બ્લાઉઝ પટોળાનું અને લેહંગો બનારસી અથવા બન્નેને બ્લેન્ડ કરીને પૅચવર્કની ડિઝાઇનવાળા આઉટફિટ્સ પણ બની રહ્યાં છે. મેન્સ ફૅશનમાં પણ પટોળાનું મહત્ત્વ વધ્યું છે. આખું શર્ટ પ્લેન હોય પણ પૉકેટ પટોળાનું હોય અથવા કૉલર કે સ્લીવ્સમાં પટોળાની પટ્ટી હોય તો એ લુકને યુનિક બનાવે છે. આ ઉપરાંત સિમ્પલ પ્લેન કુરતા પર પટોળાનાં મોદી જૅકેટ્સ પુરુષોમાં ટ્રેન્ડી બની રહ્યાં છે. પાટણની સાથે રાજકોટનાં ડબલ ઇક્કત પટોળાં, હૈદરાબાદના પોચમપલ્લી પટોળાની ડિમાન્ડ પણ માર્કેટમાં એટલી જ છે. એની પૉપ્યુલારિટી વધી રહી છે.
બૅગ્સ
સ્માર્ટ ઍક્સેસરીઝ
પટોળાની ફૅશન માત્ર કપડાં પૂરતી જ નથી, હવે ઍક્સેસરીઝમાં પણ એનો દબદબો વધી રહ્યો છે. બૅગ્સ, ક્લચ, હેર-ક્લિપ્સ, હેડબૅન્ડ્સ અને સ્કાર્ફનો સમાવેશ થાય છે. પટોળાના વર્કવાળી ક્રૉસબૉડી બૅગ્સ અને સ્માર્ટ ક્લચિસ વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે બહુ એલિગન્ટ લુક આપે છે. પટોળાના સ્કાર્ફ પણ ફૉર્મલ અને સેમી-ફૉર્મલ લુક માટે અનોખા સ્ટેટમેન્ટ-પીસ બની ચૂક્યાં છે એટલું જ નહીં, આજકાલની યુવતીઓ નાની-નાની ઍક્સેસરીઝમાં પણ પટોળાનો ટચ પસંદ કરી રહી છે. હેરક્લિપ્સમાં ડિઝાઇન અથવા ફૅબ્રિક પટોળાનું હોય તો એ કૂલ વાઇબ આપે છે ત્યારે હેડબૅન્ડમાં પણ પટોળાનું કાપડ લગાવીને ગુજરાતી ટચ આપવામાં આવી રહ્યો છે. જો તમે ઑલરેડી પટોળાનું કોઈ આઉટફિટ પહેર્યું હોય તો ઍક્સેસરીઝ પણ એવી રાખશો તો એ તમારા લુકને ડલ કરી દેશે. જો તમે પ્લેન કૅઝ્યુઅલ, સેમી-ફૉર્મલ કે ફૉર્મલ આઉટફિટ્સ પહેર્યાં હોય તો પટોળાની ઍક્સેસરીઝ તમારા લુકને વધુ ફૅશનેબલ અને યુનિક બનાવશે.
આટલું ધ્યાનમાં રાખજો
લેહંગા સાથે કૉર્સેટ બ્લાઉઝ કે પ્લેન સ્કર્ટ સાથે ક્રૉપ હોય તો સિમ્પલ કટ્સમાં પટોળાને હાઇલાઇટ કરો. એમ્બ્રોઇડરીવાળા કટ્સમાં પટોળાની ડિઝાઇનનો ઉઠાવ નહીં આવે.
જો પટોળું હેવી હોય તો ઍક્સેસરીઝને લાઇટ રાખજો. ડાયમન્ડ, સિંગલ સ્ટેટમેન્ટ રિંગ અથવા સિમ્પલ ચોકર જેવી મિનિમલ જ્વેલેરી પહેરશો તો પટોળાનો શો આવશે.
રેડ, ગ્રીન, બ્લુ અને પર્પલ જેવા બોલ્ડ કલર્સમાં મળતાં પટોળાંને બેજ, આઇવરી, બ્લૅક, ગોલ્ડ અને સિલ્વર જેવા ન્યુટ્રલ કલર સાથે પેર કરીને પહેરવાથી કન્ટેમ્પરરી લુક મળશે.
હેડ-ટુ-ટો પટોળાં પહેરવાથી એ ઓવર લાગી શકે છે એટલે સ્ટેટમેન્ટ-પીસ તરીકે જ એનો ઉપયોગ તમને
યુનિક બનાવશે.
વેસ્ટર્ન આઉટફિટ સાથે પટોળાનો બ્લેઝર, ક્રૉસબૉડી બૅગ કે સ્કાર્ફ તરીકે ઉપયોગ કરવો.

