Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપડાની મમ્મી મધુ ચોપડાએ શૅર કર્યું હેર-કૅર સીક્રેટ

પ્રિયંકા ચોપડાની મમ્મી મધુ ચોપડાએ શૅર કર્યું હેર-કૅર સીક્રેટ

Published : 25 June, 2026 11:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વધતી ઉંમરે પણ વાળનું વૉલ્યુમ જાળવી રાખવા માટે દેશી નુસખો અપનાવીને બનાવેલો DIY હેર-માસ્ક કેટલો કારગત છે એ જાણીએ

મધુ ચોપડા

મધુ ચોપડા


હેર-ફૉલ અને ડૅમેજ હેર બહુ કૉમન સમસ્યા બની ગઈ છે. મોંઘી ટ્રીટમેન્ટ્સ અને પ્રોડક્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચ્યા પછી પણ ધાર્યું પરિણામ મળતું નથી. આવી સ્થિતિમાં ૭૩ વર્ષની ઉંમરે પણ કોઈના વાળ કાળા, ઘટ્ટ અને હેલ્ધી દેખાય તો સ્વાભાવિક છે કે લોકો તેમનું હેર-કૅર રૂટીન જાણવા આતુર થાય. હાલમાં જ બૉલીવુડની ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપડાનાં માતા અને જાણીતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મધુ ચોપડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના વાળની સુંદરતાનું સીક્રેટ શૅર કર્યું છે જે તેઓ દર અઠવાડિયે ફૉલો કરે છે.

હેર-માસ્કની સ્પેશ્યલ રેસિપી



મધુ ચોપડાએ કહ્યું હતું કે ‘નારિયેળ તેલ, મેથીના દાણા, રોઝમૅરીની નાની ડાળી, રાંધેલા ભાતનું પાણી, પલાળેલાં ચિયા સીડ્સ - આ બધી જ સામગ્રી એક-એક ચમચી જેટલી સરખી રીતે મિક્સ કરી લેવી. આ હેર-પૅકને વાળમાં લગાવીને એક કલાક સુધી રહેવા દેવું. પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લેવા.’ આ ઘરગથ્થુ નુસખો તેમને મદદરૂપ સાબિત થયો છે.


આ નુસખો કેટલો કારગત?

હેર-માસ્કની આ રેસિપીને નિષ્ણાતોએ પણ ફાયદાકારક ગણાવી છે, કારણ કે માસ્ક બનાવવામાં વપરાયેલા તમામ ઘટકો વાળને ફાયદો આપે છે. નારિયેળ તેલ વાળમાં થતા પ્રોટીન-લૉસને અટકાવે છે જેને લીધે વાળ સ્મૂધ ઍન્ડ સૉફ્ટ બને છે. મેથીના દાણા વાળને કુદરતી રીતે કન્ડિશન કરવાનું કામ કરે છે. રાંધેલા ભાતનું પાણી વાળને સિલ્કી બનાવે છે અને ચિયા સીડ્સ વાળને ઇન્સ્ટન્ટ ભેજ પૂરો પાડે છે જેનાથી ફ્રિઝીનેસ ઓછી થાય છે. આ માસ્ક વાળની ગુણવત્તા સુધારવા, ચમક વધારવા અને વાળ તૂટતા અટકાવવા માટે અકસીર હોઈ શકે છે; પરંતુ એનાથી રાતોરાત નવા વાળ ઊગવા માંડશે એવો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. ઘણી વાર વાળ સુંવાળા થવાને કારણે અને ઑઇલિંગને લીધે ઓછા તૂટે છે. એનાથી વાળ ઘટ્ટ હોવાનો આભાસ થાય છે જે સારી બાબત છે; પરંતુ જો કોઈને મેડિકલ કન્ડિશન, હૉર્મોનલ અસંતુલન, પોષણની ખામી કે આનુવાંશિક કારણોસર ભારે હેર-ફૉલ થતો હોય તો માત્ર હોમમેડ માસ્ક એને અટકાવી શકતો નથી. એના માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.


નૅચરલ એટલે સેફ જ હોય એવું નથી

કોઈ પણ કુદરતી વસ્તુ દરેક વ્યક્તિની સ્કૅલ્પને સૂટ થાય એ જરૂરી નથી. જો આ મિશ્રણ લાંબા સમય સુધી માથામાં રાખી મૂકવામાં આવે તો સ્કૅલ્પ પર ઇન્ફેક્શન કે ખંજવાળ આવી શકે છે. ખાસ કરીને રાઇસ વૉટર જો યોગ્ય રીતે સ્ટોર ન કરાયું હોય તો એમાં બૅક્ટેરિયા થઈ શકે છે. જે લોકોને પહેલેથી જ ડૅન્ડ્રફ, એક્ઝિમા કે સૉરાયસિસ જેવી સમસ્યા હોય તેમણે આવા પ્રયોગો કરતાં પહેલાં પૅચ-ટેસ્ટ કરવી અથવા સાવચેતી રાખવી જોઈએ.

બેસ્ટ અપ્રોચ શું?

સુંદર વાળનો પાયો આંતરિક પોષણ છે. તમારી ડાયટમાં પ્રોટીન, આયર્ન, વિટામિન્સ અને હેલ્ધી ફૅટ્સ હોવાં ખૂબ જ જરૂરી છે. આ સિવાય વાળમાં કેમિકલ અને હીટ પ્રોડક્ટ્સનો ઓછો ઉપયોગ તથા તનાવમુક્ત લાઇફસ્ટાઇલ જ વાળને લાંબા ગાળે હેલ્ધી રાખી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

25 June, 2026 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK