અત્યારે સાડી કરતાં વધુ મહત્ત્વ બ્લાઉઝની પૅટર્ન્સ અને સ્ટાઇલિંગને અપાઈ રહ્યું હોવાથી તહેવારોની સીઝનમાં કેવાં બ્લાઉઝ તમને વધુ ફૅશનેબલ દેખાડશે એ જાણી લો
તૃપ્તિ ડિમરી
પહેલાં ટ્રેડિશનલ, ફ્યુઝન કે વેસ્ટર્ન સાડીની ફૅશનમાં હંમેશાં સાડીના સ્ટાઇલિંગ વિશે વાતો થતી હતી પણ હવે બ્લાઉઝની ફૅશનમાં જબરો ફેરફાર આવ્યો છે. એ ફક્ત સાડી સાથે જ મૅચ કરવાની ચીજ નથી રહી, ફૅશન-સ્ટેટમેન્ટ અને પર્સનલ સ્ટાઇલિંગનું મહત્ત્વપૂર્ણ માધ્યમ પણ બની ગયું છે. વિદ્યા બાલન, તૃપ્તિ ડિમરી, આલિયા ભટ્ટ અને અનન્યા પાંડે જેવી બૉલીવુડની અભિનેત્રીઓ છાશવારે ફૅશનેબલ સાડી સાથે બ્લાઉઝના પણ ફૅશન-ગોલ્સ આપતી રહે છે ત્યારે યુવતીઓથી લઈને કલાસિક સ્ટાઇલ પસંદ કરનારી મહિલાઓ બ્લાઉઝની અવનવી પૅટર્ન્સ, કટ અને ફ્યુઝન એક્સપરિમેન્ટ્સ અપનાવી રહી છે. મલાડમાં બુટિક ધરાવતાં ફૅશન-ડિઝાઇનર પરિણી ગાલા પાસેથી બ્લાઉઝના લેટેસ્ટ ટ્રેન્ડ વિશે જાણીએ.
બૉટમ કટ્સમાં વરાઇટી
ADVERTISEMENT
હવે પહેલાંની જેમ રાઉન્ડ કે ચોરસ નેકલાઇન સાથે સિમ્પલ સ્ટ્રેટ બૉટમ કટવાળા બ્લાઉઝ કોઈ પહેરવાનું પસંદ કરતું નથી. એમાં ઓવલ શેપ, ડીપ વી કટ, કટઆઉટ ડિઝાઇન્સ કરાવે છે જે બ્લાઉઝને યુનિક બનાવવાની સાથે પર્સનલાઇઝ્ડ ફીલ કરાવે છે. સેલિબ્રિટીઝ પણ આ ટ્રેન્ડને અપનાવી રહ્યા છે. ગણેશોત્સવ, નવરાત્રિ કે દિવાળીના તહેવારોમાં આ બૉટમ કટ ડિઝાઇનના બ્લાઉઝની ફૅશન વધુ પૉપ્યુલર થશે, કારણ કે એ તમારા લુકમાં યુનિકનેસ લાવશે. નવરાત્રિમાં ગરબા રમવા જાઓ તો કટોરી કટ સ્ટાઇલના ટ્રેન્ડી બ્લાઉઝને બાંધણી કે પટોળાના દુપટ્ટા સાથે પૅર કરી શકો છો. આમાં ડબલ કલરનું બ્લાઉઝ તમારા લુકને વધુ એન્હૅન્સ કરશે.
મિસમૅચ અને કન્ટેમ્પરરી પૅરિંગ
અત્યારની યુવતીઓમાં મિસમૅચ પૅરિંગનો કન્સેપ્ટ પૉપ્યુલર બની ગયો છે. એમાં જરૂરી નથી કે સાડી અને બ્લાઉઝ એક જ કાપડનાં હોય. અત્યારે બનારસી સાડી સાથે પ્રિન્ટેડ બ્લાઉઝ પણ પહેરાય છે. બાંધણી સાથે બનારસી બ્રૉકેડ બ્લાઉઝ પૅર કરે છે. પૈઠણી સાથે ડીપ નેક બ્લાઉઝ પહેરાય છે જેથી ઍક્સેસરીઝ હાઇલાઇટ થાય અને ટ્રેડિશનલ વેઅર પર સારી રીતે ફ્લૉન્ટ થાય. યંગસ્ટર્સ તો સાડી સાથે સૂટ થતાં ટી-શર્ટ્સ અથવા ક્રૉપ ટૉપ્સને પણ પૅર કરે છે, જે કમ્ફર્ટ અને ક્રીએટિવિટીનું ફ્યુઝન છે. વિદ્યા બાલન પણ કાળી સાડી સાથે ગોલ્ડ કલરનું બ્લાઉઝ અથવા લાલ સાડી સાથે લીલું સ્લીવ્સવાળું બ્લાઉઝ પહેરે છે. તૃપ્તિ ડિમરી મિનિમલ અન મૉડર્ન ડિઝાઇનનાં બ્લાઉઝ પસંદ કરે છે. સ્ટ્રૅપલેસ અને હૉલ્ટર નેક પૅટર્નના પેસ્ટલ કલર્સ અને લાઇટ પ્રિન્ટ્સવાળાં બ્લાઉઝ ફ્યુઝન ફૅશનને પ્રમોટ કરે છે. અનન્યા પાંડેની ફૅશન જેન્ઝી વાઇબ આપે છે. તે સાડીને વેસ્ટર્ન ક્રૉપ ટૉપ્સ સાથે પૅર કરીને નવી સ્ટાઇલ ક્રીએટ કરે છે.
ડીપ નેકલાઇનનો ટ્રેન્ડ
ફેસ્ટિવ સીઝનમાં બધાથી અલગ દેખાવાની ઇચ્છા બધી જ યુવતીની હોય છે. આ માટે તેઓ અખતરા કરતી હોય છે. કન્ટેમ્પરરી ફૅશનની વાત કરું તો અત્યારે બ્લાઉઝની નેકલાઇન અને સ્લીવ્સની ડિઝાઇનમાં બહુ પ્રયોગ થઈ રહ્યા છે. હૉલ્ટર નેક, હાઈ નેક, કાઉલ નેક અને ડીપ નેક અત્યારે ટ્રેન્ડમાં છે પણ યંગસ્ટર્સ ફેસ્ટિવ સીઝનમાં ડીપ નેક બ્લાઉઝ પહેરવાનું વધુ પસંદ કરી રહી છે. મેગિયા સ્લીવ્સ ફેસ્ટિવ સીઝનમાં બહુ ટ્રેન્ડિંગ છે. પફ અને ફ્લોઈ સ્ટાઇલનું ફ્યુઝન આ સ્લીવ્સને વધુ ગ્રેસફુલ બનાવે છે.
સ્ટાઇલિંગ ટિપ્સ
બૅક ડિઝાઇનવાળાં બ્લાઉઝ પહેરો તો લૂઝ અથવા મેસી બન જેવી હેરસ્ટાઇલ રાખશો તો બ્લાઉઝની ડિઝાઇન ફ્લૉન્ટ થશે અને તમારો લુક પણ સારો દેખાશે.
ભારે વર્કવાળાં બ્લાઉઝ હોય તો સાડી સિમ્પલ રાખવી જેથી ફોકસ સાડી પર રહે. કૉટન સાડી સાથે શિમર અથવા એમ્બ્રૉઇડરી વર્કવાળાં બ્લાઉઝ, બનારસી સાડી સાથે પ્રિન્ટેડ બ્લાઉઝ અજમાવી શકાય.
બોલ્ડ નેકલાઇનવાળાં બ્લાઉઝ સાથે સ્ટેટમેન્ટ જ્વેલરી લુકને એલિવેટ કરે છે. બલૂન પૅટર્નની ફુલ સ્લીવ્સ અથવા કટવર્કવાળી સ્લીવ્સનાં બ્લાઉઝ મેટલિક ઇઅર-રિંગ્સ સાથે પેર કરશો તો એલિગન્સ વધશે.

