કિચનમાં ઉપયોગી સિંધવ મીઠાને ડાયરેક્ટ સ્કિન પર અપ્લાય કરવાથી ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે. ૭૭ વર્ષનાં પીઢ અભિનેત્રી અને રાજકારણી જયા બચ્ચને તેમનું સ્કિનકૅર સીક્રેટ રિવીલ કર્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા તેની મમ્મી શ્વેતા બચ્ચન અને નાની જયા બચ્ચન સાથે પૉડકાસ્ટમાં લાઇફસ્ટાઇલ અને પેરન્ટિંગ સંબંધિત વાતચીત કરતી રહે છે ત્યારે થોડા સમય પહેલાં પ્રસારિત થયેલા એક એપિસોડમાં ૭૭ વર્ષનાં પીઢ અભિનેત્રી અને રાજકારણી જયા બચ્ચને તેમનું સ્કિનકૅર સીક્રેટ રિવીલ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હું અઠવાડિયામાં એક વાર સ્નાન કર્યા બાદ બૉડી પર રૉક સૉલ્ટ ઘસું છું અને આ કર્યા બાદ મને બહુ જ સારું ફીલ થાય છે. જયા બચ્ચનના આ નિવેદન પર તેમની દીકરી શ્વેતાએ પણ કહ્યું હતું કે હું પણ આ રૂટીનને ફૉલો કરું છું, એ ઑરા ક્લેન્ઝિંગમાં મદદરૂપ છે. મા-દીકરીના આ સ્ટેટમેન્ટ બાદ એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું ખરેખર કિચનમાં યુઝ થતા રૉક સૉલ્ટ એટલે કે સિંધવ મીઠાનો સમાવેશ સ્કિનકૅર રૂટીનમાં કરવો જોઈએ? જો હા, તો એનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ એ વિશે ડર્મેટોલૉજી ક્ષેત્રે ૨૮ વર્ષનો અનુભવ ધરાવતાં મુલુંડનાં ડૉ. ફાલ્ગુની ઠક્કર પાસેથી જાણીએ.
સ્કિન-ફ્રેન્ડ્લી છે રૉક સૉલ્ટ?
મિનરલ્સથી ભરપૂર સિંધવ મીઠાનો ઉપયોગ કિચનની સાથે આયુર્વેદ અને ઘરગથ્થુ નુસખામાં થાય છે, પણ વાત સ્કિનકૅર રૂટીનની થાય તો થોડી હદે એ સારું છે. મૉડર્ન સાયન્સના હિસાબે એને સ્કિન પર ઘસવાથી ત્વચાના મૃત કોષો એટલે કે ડેડ સ્કિન સેલ્સ દૂર થાય છે. એને એક્સફોલિએશન પ્રોસેસ પણ કહેવાય. સ્કિન ફક્ત મીઠાથી એક્સફોલિએટ નથી થતી, કૉફી અને અન્ય સામગ્રીથી પણ થાય છે. જોકે ઘણી વાર એને ડાયરેક્ટ સ્કિન પર ઘસવાથી રૅશિસ અથવા રેડનેસ અને ડ્રાયનેસ પણ આવી જાય છે, રૉક સૉલ્ટના ગાંગડા સ્કિન પર લાગે છે અને જો સ્કિન સેન્સિટિવ હોય તો એ ઈજા પણ પહોંચાડે છે. રૉક સૉલ્ટ દરરોજ ઉપયોગમાં લેવાની ચીજ નથી. અઠવાડિયા કે પખવાડિયામાં એકાદ વાર યુઝ કરી શકાય, પણ આખા શરીરમાં નહીં; હાથ અને પગમાં જ. બાકી પેટ અને ચહેરાની ત્વચા બહુ કોમળ હોય છે, ત્યાં મીઠાને ઘસી શકાય નહીં. ડર્મેટોલૉજી સ્કિન પર મીઠાને લગાવવાની સલાહ આપતી નથી, કારણ કે આવા પ્રકારની કોઈ ટ્રીટમેન્ટ છે જ નહીં જે ત્વચાને ફાયદો આપે. શરીરમાં જો ક્યાંય ઈજા પહોંચી હોય અને મીઠું ત્યાં ટચ થાય તો બળતરા થશે અને રૂઝ આવવામાં પણ સમય લાગશે. હું અંગત રીતે રૉક સૉલ્ટને સ્કિનકૅર રૂટીનમાં યુઝ કરવાની સલાહ આપતી નથી.
ઉપયોગ કરવાની સાચી રીત
જયા બચ્ચનની સ્કિનકૅર રેમેડી બધાએ ટ્રાય કરવા જેવી નથી, પણ હા, જો એને પાણીમાં ઓગાળીને એ પાણીથી નહાવામાં આવે તો એ મસલ્સના ક્રૅમ્પ્સમાં ઉપયોગી સાબિત થાય છે, કારણ કે આવા સમયે શરીરને મૅગ્નેશિયમ અને સોડિયમની જરૂર હોય છે અને મીઠામાંથી એ મળતું હોવાથી શરીરને ઇન્સ્ટન્ટ રિલીફ મળે છે. આ ઉપરાંત ક્યારેક ઑફિસમાં ઓવરલોડ હોવાથી વધુ શ્રમ કર્યો હોય ત્યારે રાત્રે સિંધવ મીઠું નાખેલા પાણીથી સ્નાન કરવાથી થાક દૂર થાય છે અને ઊંઘ સારી આવે છે. ઘણી વાર પગમાં દુખાવો થવાથી નવશેકા
પાણીમાં સિંધવ મીઠું નાખીને થોડી વાર શેક લેવાથી પગના મસલ્સને આરામ મળે છે.

