‘પ્રાઉડ ઑફ યુ...મૈં ઈશ્વર સે પ્રાર્થના કરતી હૂં કિ તુમ્હારી આત્મા કો શાંતિ મિલે. તુમને અપને જીવન કે સબસે ખૂબસૂરત પલ જિયે, ઔર હમ હર તરહ સે તુમ્હેં ગર્વ મહસૂસ કરાએંગે...’
લેફ્ટનન્ટ વિનય નરવાલના કૉફિનને વળગીને રડતી પત્ની હિમાંશીએ પતિને વિદાય આપી
૬ દિવસ પહેલાં જ લગ્નગ્રંથિથી જોડાયેલાં નેવી ઑફિસર વિનય નરવાલ અને હિમાંશી હનીમૂન માટે યુરોપ જવાનાં હતાં, પણ વીઝા ન મળતાં છેલ્લી ઘડીએ કાશ્મીર ગયાં હતાં
પહલગામના આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા ૨૬ વર્ષના નેવી ઑફિસર લેફ્ટનન્ટ વિનય નરવાલને ગઈ કાલે આખરી વિદાય આપતી વખતે ત્યાં હાજર સૌનાં હૃદય દ્રવી ઊઠે એવું દૃશ્ય સર્જાયું હતું. ૬ દિવસ પહેલાં જ વિનય નરવાલનાં હિમાંશી સાથે લગ્ન થયાં હતાં. હજી તો લગ્નની કેટલીક વિધિઓ પણ બાકી હતી અને હનીમૂન પર કાશ્મીર ફરવા ગયેલા યુગલનું જીવન રોળાઈ ગયું.
ADVERTISEMENT
જ્યાં ગોળીબાર થયો એ જ સ્થળે કપલે રોમૅન્ટિક રીલ બનાવી હતી એનો સ્ક્રીન-શૉટ.
આતંકવાદીઓએ તેની નજર સામે પતિને ગોળી મારી એ પહેલાં હિમાંશીએ આતંકવાદીઓને આજીજી કરી હતી કે મારા પતિને બક્ષી દો. થોડી ક્ષણ પહેલાં સુધી તો બન્ને આ જ બૈસરન વૅલી પર એક રોમૅન્ટિક રીલ બનાવી રહ્યાં હતાં અને અચાનક બનેલી આતંકવાદી ઘટના પછી હિમાંશી ક્યાંય સુધી પતિના પાર્થિવ દેહ પાસે સૂનમૂન થઈને બેઠેલી જોવા મળી હતી. ૬ દિવસ પહેલાં જેની સાથે ૭ જનમનો સાથ નિભાવવાનાં વચન લીધાં હતાં તેનો સાથ ૭ દિવસ પણ ન રહ્યો. ગઈ કાલે પતિના પાર્થિવ દેહને વિદાય આપતાં પહેલાં તેનું કલ્પાંત જોઈને હાજર સૌનું કાળજુ કંપી ઊઠ્યું હતું. ઇન્ડિયન નેવીની એક ટીમ પણ વિનયના કરનાલના ઘરે પહોંચી હતી. વિનયનું પાર્થિવ શરીર શ્રીનગર ઍરપોર્ટથી ન્યુ દિલ્હી આવ્યું હતું અને એ લેવા તેના પિતા અને બહેન પહોંચ્યાં હતાં.
ક્યાંય સુધી હિમાંશી પતિના કૉફિનને વળગીને રડતી રહી હતી. જ્યારે કૉફિનથી અલગ થવાનું આવ્યું ત્યારે તેણે કહ્યું હતું, ‘પ્રાઉડ ઑફ યુ. મૈં ઈશ્વર સે પ્રાર્થના કરતી હૂં કિ તુમ્હારી આત્મા કો શાંતિ મિલે. તુમને અપને જીવન કે સબસે ખૂબસૂરત પલ જિયે, ઔર હમ હર તરહ સે તુમ્હેં ગર્વ મહસૂસ કરાએંગે.’
૧૬ એપ્રિલે તેમનાં મસૂરીમાં લગ્ન થયાં હતાં.
ડેસ્ટિનેશન વેડિંગ
ઇન્ડિયન નેવીમાં લેફ્ટનન્ટ વિનય નરવાલ અને હિમાંશીનાં ડેસ્ટિનેશન વેડિંગ ૧૬ એપ્રિલે મસૂરીમાં થયાં હતાં. એ પછી ૧૯ એપ્રિલે કરનાલમાં રિસેપ્શન યોજાયું હતું. રિસેપ્શનના એક દિવસ પછી બન્ને હનીમૂન માટે કાશ્મીર જવા રવાના થઈ ગયાં હતાં. એક દિવસ પહેલાં જ તેઓ કાશ્મીર ગયાં હતાં.
નેવી ઑફિસર લેફ્ટનન્ટ વિનય નરવાલ.
યુરોપ જવાનાં હતાં, પણ...
વિનય-હિમાંશી હનીમૂન પર તો યુરોપ જવા માગતાં હતાં અને એ માટે તેમણે પ્લાનિંગ પણ કર્યું હતું, પણ વીઝા ન મળતાં યુરોપ જવાના સપનાની સાથે એકબીજાનો સાથ પણ છૂટી ગયો. કાશ્મીર જવાનો પ્લાન તેમણે છેલ્લી ઘડીએ બનાવ્યો હતો. પૌત્રના મૃત્યુના સમાચાર સાંભળીને વિનયના દાદા હવા સિંહ પણ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. હરિયાણાના ચીફ મિનિસ્ટર નાયબ સિંહ સૈનીએ જ્યારે દાદા હવા સિંહ સાથે વિડિયો-કૉલ પર વાત કરી ત્યારે દાદાએ કહ્યું હતું કે ‘અમે સરકારને વિનંતી કરીએ છીએ કે હુમલાખોરોને સખતમાં સખત સજા આપવામાં આવે. આતંકવાદનો ખાતમો થવો જ જોઈએ.’
લેફ્ટનન્ટ વિનયને છેલ્લી સલામી આપી રહેલાં દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા.
૧ મેએ જન્મદિવસ મનાવવાનો હતો
વિનયના મોત બાદ બન્ને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હિમાંશી તેના પરિવાર સાથે ગુરુગ્રામના સેક્ટર-૪૭માં રહેતી હતી અને તેના પિતા હરિયાણાના ફરીદાબાદમાં ઇન્કમ ટૅક્સ ઑફિસર છે. વિનયના દાદા હવા સિંહ પહેલાં BSFમાં હતા અને એ પછી હરિયાણા પોલીસમાં નોકરી કરતા હતા. વિનય નરવાલ ત્રણ વર્ષ પહેલાં જ નેવીમાં ભરતી થયા હતા.
પહેલી મેએ વિનયનો જન્મદિવસ હતો. લગ્ન પછીના પહેલા જન્મદિવસ નિમિત્તે પરિવારે ગ્રૅન્ડ પાર્ટીનું આયોજન રાખ્યું હતું. એ પછી ત્રીજી મેએ વિનય પત્નીને સાથે લઈને કોચીમાં ડ્યુટી પર જોડાઈ જવાનો હતો.
કૉલ દરમ્યાન ભાવુક થઈ ગયેલા દાદાને સાંત્વન આપવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘કાશ પૌત્રને યુરોપના વીઝા મળી ગયા હોત. તેમને વીઝા ન મળતાં છેલ્લી ઘડીએ વિનય-હિમાંશીએ જમ્મુ-કાશ્મીર જવું પડ્યું. કાશ,
વિનય યુરોપ ગયો હોત તો આજે તે અમારી સાથે હોત.’

