આતંકવાદીઓએ પત્નીઓની સામે જ તેમના પતિઓની બહુ જ બેરહમીથી ગોળી મારીને હત્યા કરી હતી એ ઘટના વિશે પલ્લવી ધ્રુસકે-ધ્રુસકે રડતાં શું બન્યું હતું
હુમલાના એક દિવસ પહેલાં દલ લેકમાં શિકારાની મજા માણતું યુગલ.
કર્ણાટકના શિવમોગામાં રહેતા ૪૭ વર્ષના બિઝનેસમૅન મંજુનાથ રાવે પણ પહલગામના આંતકવાદી હુમલામાં જીવ ગુમાવ્યો હતો. આતંકવાદીઓએ પત્નીઓની સામે જ તેમના પતિઓની બહુ જ બેરહમીથી ગોળી મારીને હત્યા કરી હતી એ ઘટના વિશે પલ્લવી ધ્રુસકે-ધ્રુસકે રડતાં શું બન્યું હતું એ વિશે કહે છે, ‘અમે ત્રણ જણ હતા. હું, પતિ અને મારો દીકરો. તેઓ મારી નજર સામે જ ઑન ધ સ્પૉટ મરી ગયા. મને હજીયે આ દુઃસ્વપ્ન જેવું લાગે છે. તે લોકો હિન્દુઓને શોધી-શોધીને મારી રહ્યા હતા. ત્રણથી ચાર જણે હુમલો કર્યો હતો. મારા પતિને ગોળી વાગ્યા પછી મેં આતંકવાદીઓને કહ્યું કે મેરે પતિ કો માર દિયા, અબ મુઝે ભી માર દો. તો એમાંથી એક આતંકવાદીએ કહ્યું કે તુમ્હેં નહીં મારેંગે, જાઓ મોદી કો બતા દો.’
પત્ની પલ્લવી સાથે કાશ્મીર ફરવા ગયેલા મંજુનાથનો કાશ્મીરમાં લેવાયેલો વિડિયો વાઇરલ થયો છે જેમાં પતિ-પત્ની દલ લેકમાં શિકારામાં ફરી રહ્યાં છે અને મંજુનાથ આ ટ્રિપથી ખૂબ ખુશ છે એવું કહેતાં દેખાય છે.
ADVERTISEMENT
એક વીક પહેલાં મંજુનાથ પત્ની સાથે કાશ્મીરના પ્રવાસે જવાના હતા ત્યારે તેમનાં મમ્મીએ કાશ્મીર જવાની બહુ ના પાડી હતી. અત્યારે દીકરાનો પાર્થિવ દેહ તેમને ત્યાં શિવમોગા પહોંચે એની રાહ જોઈ રહેલાં મંજુનાથનાં મમ્મી હજીયે આઘાતમાંથી બહાર નથી આવ્યાં. તેઓ કહે છે, ‘ગયા શુક્રવારે તેઓ કાશ્મીર જવા નીકળ્યા. મેં તેમને કહેલું કે ત્યાં ન જશો, પણ તેમણે મને દિલાસો આપેલો કે બધું સરસ રહેશે. તેમણે કહેલું કે તેઓ અંતરિયાળ વિસ્તારોમાં ટ્રાવેલ કરવાના છે એટલે બે દિવસથી તેમના તરફથી કંઈ સમાચાર નહોતા. એ પછી અમને ટીવીમાં ન્યુઝ મળ્યા.’
મંજુનાથ રાવ એક પૅકેજ-ટૂર અંતર્ગત ફૅમિલી સાથે કાશ્મીર ફરવા ગયેલા. ૮ એપ્રિલે તેઓ કાશ્મીર ગયેલા અને ૨૪ એપ્રિલે પાછા આવવાના હતા. મંજુનાથની બહેને કહ્યું હતું કે ‘છેલ્લે તેમણે બે દિવસ પહેલાં મમ્મીને ઍનિવર્સરી માટે વિશ કર્યું હતું. પલ્લવીભાભીએ અમને ફોન કરેલો ત્યારે તેઓ રિમોટ વિસ્તારમાં હતા.’

