બ્લશ વિશે તો લોકોને ખબર છે પણ તમારા ફેસના સ્ટ્રક્ચર મુજબ યોગ્ય ટેક્નિકથી લગાવેલું બ્લશ ઇન્સ્ટન્ટ ફેસ-લિફ્ટ કરે છે ત્યારે એની યોગ્ય પદ્ધતિ અને પસંદગી વિશે વાત કરીએ
પ્રતીકાત્મક તસવીર
ચહેરાનાં ફીચર્સને હાઇલાઇટ કરીને આત્મવિશ્વાસ વધારવાની કળા મેકઅપમાં છે. એમાં બ્લશ મહત્ત્વનું પાસું છે જે તમારા ચહેરાને ફ્રેશ અને વધુ આકર્ષક બનાવી શકે છે. ઘણી વાર આપણે મોંઘાં બ્લશ ખરીદી લઈએ છીએ પણ એનું પ્લેસમેન્ટ અને ટેક્સ્ચર બરાબર ન હોય તો આખો લુક બગડી શકે છે. બ્લશ માત્ર ગાલની લાિલમાને હાઇલાઇટ કરવા માટે નહીં પણ ચહેરાને લિફ્ટ કરવા અને એને વધુ સૉફ્ટ બનાવવા માટે પાવરફુલ ટૂલ છે.
લુક મુજબ ટેક્નિક્સ
ADVERTISEMENT
લિફ્ટેડ લુક : બ્લશ ક્યાં લગાવવું એનો આધાર તમે કેવો લુક મેળવવા માગો છો એના પર રહેલો છે. લિફ્ટેડ લુક જોઈતો હોય તો બ્લશને ચીકબોન્સ એટલે આંખની નીચે અને ગાલની ઉપરના ભાગમાં આવેલા હાડકા પર લગાવો અને બ્લશને છેક કાનની ઉપરની લાઇન અને લમણા તરફ બ્લેન્ડ કરો. આ ટેક્નિકથી ચહેરો લિફ્ટેડ લાગશે.
સૉફ્ટ અને રોમૅન્ટિક લુક : જો તમને નૅચરલી સૉફ્ટ અને રોમૅન્ટિક લુક જોઈતો હોય તો ગાલનાં ઍપલ્સ એટલે કે જ્યારે તમે સ્માઇલ કરો ત્યારે જે ભાગ ફૂલે ત્યાં બ્લશ લગાવો અને એને હળવા હાથે પાછળની તરફ બ્લેન્ડ કરો. આ ટેક્નિક ગોળ અને હાર્ટ શેપના ચહેરા પર બહુ સુંદર લાગે છે. આ રીતે બ્લશ લગાવવાથી તમારો લુક નાજુક, નમણો અને નૅચરલી સૉફ્ટ લાગશે.
ફ્લફી ફેસ લુક : જો તમારો ચહેરો લાંબો અથવા પાતળો હોય અને તમારે થોડો ભરાવદાર દેખાડવાની ઇચ્છા હોય તો બ્લશને ગાલના મધ્ય ભાગમાં હૉરિઝૉન્ટલી લગાવો. નાકની નજીકથી શરૂ કરીને કાન તરફ આડી દિશામાં બ્લેન્ડ કરવાથી ચહેરાની પહોળાઈ વધી હોય એવો ભાસ થાય છે.
ક્રીમ બ્લશ કે પાઉડર બ્લશ?
માર્કેટમાં મુખ્યત્વે ત્વચાની જરૂરિયાત મુજબ ક્રીમ અને પાઉડર એમ બે પ્રકારનાં બ્લશ મળે છે પણ કયું ક્યારે યુઝ કરવું એના વિશે ઘણા લોકોને ખબર હોતી નથી. જેમની ત્વચા એકદમ ડ્રાય હોય અથવા ડ્રાય અને ઑઇલીનું કૉમ્બિનેશન હોય એ લોકો માટે ક્રીમ બ્લશ બેસ્ટ ઑપ્શન છે. એનો ફાયદો એ થાય છે કે એ ત્વચામાં એકદમ મિક્સ થઈ જાય છે અને નૅચરલ ગ્લો આપે છે. જો તમારે નો મેકઅપ લુક જોઈતો હોય તો ક્રીમ બ્લશ બેસ્ટ રહેશે. તમારી પાસે બ્લેન્ડર કે બ્લશ ન હોય તો આંગળીઓથી પણ સરળતાથી લગાવી શકાય છે. પાઉડર બ્લશ એ લોકો માટે છે જેમની ત્વચા બહુ ઑઇલી અને ઍક્ને-પ્રોન હોય. આવી સ્કિન પર પાઉડર બ્લશ લાંબા સમય સુધી ટકી રહે છે અને ત્વચા પરના વધારાના તેલને મૅટ ફિનિશ આપે છે. પ્રોફેશનલ પોર્ટફોલિયો શૂટિંગ કે હેવી મેકઅપ જોઈતો હોય ત્યારે પાઉડર બ્લશ સારું રિઝલ્ટ આપે છે.
આ સ્માર્ટ ટિપ્સ ધ્યાનમાં રાખવા જેવી છે
ગોળ ચહેરો હોય અને ફીચર્સ શાર્પ દેખાડવાં હોય તો ચીકબોન્સ પર ત્રાંસી રેખામાં બ્લશ લગાવો જેથી ચહેરો થોડો લાંબો અને શાર્પ દેખાય.
ચોરસ આકારનો ફેસ હોય તો જૉ લાઇનને સૉફ્ટ દેખાડવા માટે ગાલના મધ્ય ભાગમાં ગોળાકારમાં બ્લશ લગાવો.
સ્કિન-ટોન મુજબ બ્લશ શેડની પસંદગી કરવી પણ એટલી જ જરૂરી છે. ગોરી ત્વચા પર બેબી પિન્ક, પીચ અથવા સૉફ્ટ કોરલ શેડ્સ બહુ મસ્ત લાગશે. ઘઉંવર્ણી સ્કિનમાં રોઝ પિન્ક, બેરી અથવા ડીપ પીચ શેડ્સ ચહેરા પર સરસ ઉઠાવ આપે છે. જે યુવતીનો સ્કિન-ટોન ડાર્ક હોય તે ટેરાકોટા, બ્રિક રેડ અથવા હૉટ ઑરેન્જ જેવા બ્રાઇટ શેડ્સનો ઉપયોગ કરી શકે છે.
જો લગ્નપ્રસંગમાં જવાનું હોય અને બ્લશ લાંબા સમય સુધી ટકાવવું હોય તો પહેલાં ક્રીમ બ્લશ લગાવો અને એની ઉપર એ જ શેડનું પાઉડર બ્લશ લગાવીને સેટ કરો. આ સૅન્ડવિચ ટેક્નિકથી બ્લશ લૉક થશે અને પરસેવાથી મેકઅપ ઊતરશે પણ નહીં.
બ્લશ લગાવ્યા પછી ચહેરા પર લાલ ચિરાડા કે પૅચ ન દેખાય એ માટે સરખી રીતે બ્લેન્ડ કરવું સખત જરૂરી છે. બ્લશની બૉર્ડર દેખાવી ન જોઈએ.
ઘણી વાર રૂમની લાઇટમાં બ્લશ ઓછું લાગે છે, પણ બહાર નીકળતાંની સાથે એ વધુપડતું લાલ દેખાય છે. તેથી બ્લશ હંમેશાં નૅચરલ લાઇટમાં અરીસામાં જોઈને લગાવવું.
એકદમ નૅચરલ અને સન-કિસ્ડ લુક મેળવવા માટે બ્રશમાં વધેલું થોડું બ્લશ નાકના ટેરવા અને દાઢી પર હળવેથી લગાવો. આનાથી આખો ચહેરો ફ્રેશ લાગશે.


