સ્કિની જીન્સ અને ટાઇટ ટ્રાઉઝર્સની તુલનામાં આજની યંગ જનરેશન વાઇડ લેગ પૅન્ટ્સ પહેરવાનું વધુ પસંદ કરે છે. રેટ્રો વાઇબ આપતાં આ મૉડર્ન પૅન્ટ્સને કઈ રીતે ટૉપ સાથે સ્ટાઇલ કરી શકાય એ જાણી લો
સ્ટાઇલમાં રહેવાનું, પણ કમ્ફર્ટનું ધ્યાન રાખીને
એક સમયે ટાઇટ જીન્સ પહેરવાનો જમાનો હતો પણ હવે લોકો ઢીલાં અને હવાની અવરજવર રહે એવાં આરામદાયક કપડાં પહેરવાનું વધારે પસંદ કરે છે. આજકાલ એટલે જ વાઇડ લેગ પૅન્ટ એટલે કે નીચેથી પહોળાં પૅન્ટ પહેરવાનું ખૂબ ચલણ છે. એક તો એ પહેરવામાં આરામદાયક હોવાની સાથે જો એને સરખી રીતે ટૉપ સાથે સ્ટાઇલ કરવામાં આવે તો આકર્ષક પણ ખૂબ લાગે છે.
આ પૅન્ટની બીજી સારી વાત એ છે કે એ ખૂબ વર્સેટાઇલ છે એટલે કે એને તમે પ્રસંગ અનુસાર વિવિધ પ્રકારનાં શર્ટ, ટી-શર્ટ, કુરતા સાથે સ્ટાઇલ કરીને ફૉર્મલ, કૅઝ્યુઅલ, ટ્રેડિશનલ બધા જ લુક મેળવી શકો છો. વાઇડ લેગ પૅન્ટની ફૅશન નવી નથી પણ આધુનિક કટિંગ અને ફિનિશિંગ એને સ્ટાઇલિશ બનાવે છે. ઉપરથી એ કૉટન, ડેનિમ, લિનન, જ્યૉર્જેટ, સિલ્ક, ક્રેપ બધાં જ ફૅબિકમાં આવે છે.
ADVERTISEMENT
ફેસ્ટિવ લુક માટે સિલ્કનું વાઇડ લેગ પૅન્ટ સૌથી સારું લાગશે. તમે ગોલ્ડન, મરૂન, પિસ્તા ગ્રીન અથવા રૉયલ બ્લુ જેવા કલર પસંદ કરી શકો છો. સિલ્ક પૅન્ટ સાથે તમે ક્રૉપ અથવા તો પેપ્લમ સ્ટાઇલનું ટૉપ પહેરી શકો છો. પૅન્ટ સૉલિડ કલરનું હોય તો ટૉપ એમ્બ્રૉઇડરી, જરી, મિરર વર્કવાળું પહેરો તો રૉયલ લુક આવે. એ સિવાય જ્યૉર્જેટ અને શિફોનનું પૅન્ટ પણ પહેરવામાં સારું લાગે. એની ઉપર તમે મિરર વર્ક કે ગોટા પટ્ટીવાળી કુરતી કે ક્રૉપ ટૉપ પહેરી શકો છો. તમારા ફેસ્ટિવ લુકને પૂરો કરવા માટે તમે ઍક્સેસરીઝમાં ચોકર નેકલેસ, ઝુમકા, બૅન્ગલ્સ, ક્લચ બૅગ, દુપટ્ટો અને સૅન્ડલ પહેરી શકો છો.
કૅઝ્યુઅલ લુક માટે ડેનિમ, કૉટન, લિનન, રેયૉનનાં વાઇડ લેગ પૅન્ટ પહેરવામાં સારાં લાગે જે વધારે શાઇની ન હોય. એના પર તમે કૉટન, જ્યૉર્જેટ, લિનન, ક્રેપ ફૅબ્રિકનાં ક્રૉપ ટૉપ, ફિટેડ ટી-શર્ટ પહેરી શકો છો. એની સાથે તમે ફ્લૅટ સૅન્ડલ કે સ્નીકર્સ, કૅઝ્યુઅલ બૅકપૅક, સ્લિંગ બૅગ અથવા ટોટ બૅગ તેમ જ સ્મૉલ ઇઅર-રિંગ, સિમ્પલ બ્રેસલેટ કે વૉચ પહેરી શકો છો.
ફૉર્મલ લુક માટે કૉટન બ્લેન્ડ, લિનન, ક્રેપ, વુલ બ્લેન્ડ અથવા પૉલિએસ્ટર બ્લેન્ડ ફૅબ્રિકનાં વાઇડ લેગ પૅન્ટ સારાં લાગે. એના પર કૉટન, લિનન, સિલ્ક બ્લેન્ડ, સૅટિનનાં, પ્લેન સૉલિડ કલરનાં, વાઇટ, ક્રીમ, પેસ્ટલ શેડ્સ, નેવી અથવા ગ્રે કલરનાં શર્ટ સારાં લાગે. પૅટર્ન ઍડ કરવી હોય તો સ્ટ્રાઇપ્સ, ચેક્સ અથવા સ્મૉલ પ્રિન્ટ્સવાળાં શર્ટ પસંદ કરી શકો. શર્ટને પૅન્ટની અંદર ટક કરીને બેલ્ટ સાથે પહેરો. ઉપર તમે બ્લેઝર કે જૅકેટ ઍડ કરીને લુકને થોડો વધુ ફૉર્મલ બનાવી શકો. સાથે જ કાનમાં સ્ટડ, હાથમાં વૉચ, પગમાં બ્લૉક હિલ્સ કે લોફર્સ પહેરી શકો છો.


