Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જૅપનીઝ જલસો

14 October, 2021 08:36 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

ઑથેન્ટિક જૅપનીઝ ફૂડ માટે જાણીતી ફાઇન-ડાઇન રેસ્ટોરાં FOOનું ચોથું અને મુંબઈનું સૌથી મોટું આઉટલેટ અંધેરીમાં ગયા અઠવાડિયે જ ખૂલ્યું. ઑથેન્ટિસિટી જાળવીને ઇન્ડિયન સ્વાદરસિયાઓને પસંદ આવે એવો હળવો ટ્વિસ્ટ અહીંની વેજિટેરિયન એશિયન વાનગીઓમાં જોવા મળશે

યમ બીન ઉરામાકી

યમ બીન ઉરામાકી


મુંબઈની ટૉપ ટેન પૅન એશિયન અને એમાંય જૅપનીઝ ક્વિઝીન પીરસતી રેસ્ટોરાંની વાત હોય તો થામ બ્રધર્સની ફુ રેસ્ટોરાંનું નામ અચૂક યાદ આવે. લોઅર પરેલ, નરીમાન પૉઇન્ટ અને પવઈ બાદ હવે નવું આઉટલેટ ખૂલ્યું છે અંધેરીના વીરા દેસાઈ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં. ૭૦૦૦ સ્ક્વેર ફુટમાં ફેલાયેલી આ રેસ્ટોરાંનું ઍમ્બિયન્સ કૂલ છે. આઉટડોરમાં કબાના સ્ટાઇલ સીટિંગ અરેન્જમેન્ટ અને સ્મૉલ જૅપનીઝ ઝેન ગાર્ડન આંખોને ટાઢક આપે એવું છે. હજી ઓપનિંગને એક જ વીક થયું છે અને છતાં બે દિવસ પહેલાં અમે જ્યારે લંચ માટે અહીં વિઝિટ કરી ત્યારે લગભગ પોણાભાગનાં ટેબલ્સ બિઝી હતાં. 
જેમણે આ પહેલાં ફુનાં સાઉથ મુંબઈનાં આઉટલેટ્સની વિઝિટ કરી હશે તેમને પણ અહીંના લક્ઝુરિયસ ફ્રેન્ચ આર્કિટેક્ચરની વચાળે યુરો-એશિયન ફૂડનો લુત્ફ ઉઠાવવાની મજા આવશે. એનું કારણ એ છે કે મોટા ભાગનું મેનુ લગભગ સિમિલર છે, પણ એના રેટ્સ નવા આઉટલેટમાં ઘણા ઓછા છે. જૅપનીઝ ભાષામાં ફુનો મતલબ થાય ગુડ ફૉર્ચ્યુન. તો ચાલો, આ નવા કલેવર સાથેની રેસ્ટોરાંનો અમારો લંચ એક્સ્પીરિયન્સ કેવો રહ્યો એ જાણીએ.
ઑક્ટોબર હીટની શરૂઆત થઈ ગઈ છે એટલે અમે રેસ્ટોરાંમાં સેટલ થતાંની સાથે જ ઠંડું પીણું ટ્રાય કર્યું. બ્લૅક ટીમાં લાઇમ, કાફિર લીફ, લેમનગ્રાસથી બનેલી ટૉમ યમ આઇસ ટી ટ્રાય કરવા જેવી છે. આઇસ ટીમાં માઇલ્ડ લાઇમની ફ્લેવર છે. સાથે એમાં જે છેલ્લે થાઇ ચિલીનો માઇલ્ડ આફ્ટરટેસ્ટ મળે છે એ રિફ્રેશિંગ છે. આઇસ ટીની ચૂસકીઓ માણતાં-માણતાં અમે મેનુ પર નજર ફેરવી. સેશિમી, નિગીરી, કાર્પાસિયો જેવી આઇટમોમાં વેજ ઑપ્શન્સ ન મળે એ સ્વાભાવિક છે; પણ સુશી, ડિમસમ અને સ્મૉલ પ્લેટ્સમાં વેજિટેરિયન્સ માટે હેવનલી ઑપ્શન્સ છે. ગ્લુટન-ફ્રી, જૈન અને વીગન લોકો માટે પણ અહીં સેપરેટ મેનુ છે.  
સૂપ અને સૅલડ
ભોજનની શરૂઆત સૂપથી કરીએ તો મસ્ત ભૂખ ઊઘડે. એટલે અમે ટ્રાય કર્યો હૉટ ઍન્ડ સાર સૂપ. સામાન્ય રીતે ચાઇનીઝ સૂપ્સ ખૂબ જ સ્ટ્રૉન્ગ ફ્લેવર્સવાળા હોય અને નાક-કાનમાંથી ધુમાડો નીકળે એટલા સ્પાઇસી હોય, પણ આ હૉટ ઍન્ડ સાર સૂપમાં ખટાશ અને તીખાશ બન્ને ઓવરપાવરિંગ નહીં પણ માઇલ્ડ અને જીભને ગમે એવી છે. એકદમ સૉફ્ટ તોફુના નાના-નાના ચન્ક્સ અને બ્રૉકલી ચાવવા અને વાગોળવાની મજા છે. સૂપની સાથે સૅલડ પણ હેલ્ધી ઑપ્શન છે. અમે સુપર ફુ સૅલડ ટ્રાય કર્યું. ફ્રેશ લીફી વેજિટેબલ્સ અને કેળના ક્રન્ચી અને કડછા સ્વાદમાં ક્રીમી અવાકાડો અને એડમામેની નટી ફ્લેવર સરસ બ્લૅન્ડ થાય છે. ગોજી બેરીઝના ખટમીઠા ટેસ્ટની સાથે ચિયા સીડ્સને કારણે ક્રન્ચી ફીલ મળે છે. સૅલડ સાથે યુઝુ મિસો ડ્રેસિંગ પણ મળે છે. ગ્રેપફ્રૂટની માઇલ્ડ ખટાશ અને સારીએવી સ્વીટનેસવાળું આ ડ્રેસિંગ ન હોય તો પણ સૅલડમાં જે પ્રમાણમાં લીલાં પાંદડાંવાળી ભાજી, નટી ફ્લેવર અને બેરીઝની ખટાશ મેળવવામાં આવી છે એ મસ્ત બૅલૅન્સ્ડ છે. 
હવે વારો સુશીનો
જૅપનીઝ ફૂડ ટ્રાય કરવું હોય તો સુશીની કેટલીક પ્રાઇમરી સમજણ મેળવી લેશો તો ઑર્ડર કરવામાં સરળતા રહેશે. બીજું, સામાન્ય રીતે ચૉપસ્ટિક્સથી જ સુશી કે ડિમસમ ખવાય છે, પણ એ ન આવડતું હોય તો પણ ફિકર નૉટ. ફૉર્ક અથવા તો હાથેથી પણ આખો સુશી રોલ તમે મોંમાં નાખી શકો છો. અમે પહેલી સુશી જે ટ્રાય કરી એનું નામ હતું ટ્રફલ તોગારાશી બ્લૅક રાઇસ માકી. માકીમાં સુશી રોલની ફરતે સીવીડનું લેયર હોય. ફુના આ વેજિટેરિયન વર્ઝનમાં બહારનું લેયર સોયા શીટનું હોવાથી ઉપરનું લેયર કાળું નહીં પણ હળવા પીળા રંગનું છે. બાફેલા બ્લૅક ચોખાની વચ્ચે ઍસ્પરગસ, અવાકાડો, કકુમ્બર અને ફિલાડેલ્ફિયા ચીઝનું કૉમ્બિનેશન છે. અહીં સુશીની સાથે ફ્લેવર માટે બે ચીજ અપાય છે. સુશી જેટલી બ્લૅન્ડ હોય છે એટલી જ સ્ટ્રૉન્ગ આ બે ચીજ છે. એક છે આથેલાં આદુંની કતરી અને વસાબી. મરીના દાણા જેટલું જ વસાબી લેવું. એનાથી સહેજ પણ વધારે હશે તો નાક-કાનમાં એની તીવ્રતા ફેલાઈ જશે. સાથે એક કતરી આદુંની લઈને સુશીનો રોલ ખાશો તો બેસ્ટ ફ્લેવર મળશે. અહીના આદુંમાં તમને સમ ખાવા પૂરતા એક રેસો નહીં મળે. શુગર સિરપમાં પ્રિઝર્વ કરીને રાખેલી આદુંની કતરી મસ્ત એપિટાઇઝર જેવી છે. સામાન્ય રીતે સોયસૉસમાં બોળીને સુશી ખવાતી હોય છે, પણ સૉસમાં રહેલું સોડિયમ અને તીવ્ર ફ્લેવર બધાને જ ગમે એ જરૂરી નથી. 
બીજી સુશી અમે ટ્રાય કરી યમ બીન ઉરામાકી. ઉરામાકીમાં રોલ ઇનસાઇડ આઉટ હોય એટલે કે બહાર રાઇસ હોય. રાઇસની ઉપર અવાકાડોની સ્લાઇસથી કવર-અપ કરવામાં આવે છે. આ સુશીના રોલ્સમાં બ્લુ રાઇસ વપરાય છે જે પીળા રંગના પાતળા અજી અમારિલો સૉસ પર સર્વ કરવામાં આવ્યા છે. અજી અમારિલો સૉસમાં પીળા રંગનાં પેરુવિયન મરચાં વપરાય છે. આ મરચાંની માઇલ્ડ તીખાશની સાથે ફ્રૂટી અને બેરી જેવી ખટાશ ધરાવતો આ સૉસ સુશીને અલગ જ ફ્લેવર આપે છે.  સોયસૉસમાં બોળીને ખાવા કરતાં અમને તો આ સૉસમાં બોળેલી સુશી વધુ ભાવી.
ફ્લેવરફુલ સાઇડર્સ
સુશીમાં તમને વધુ ફ્લેવરફુલ ડિશીઝ ટ્રાય કરવી હોય તો કૉટેજ ચીઝ વિથ ચિલી સૉસ તેમ જ હુનાન બેબી પટેટો ટ્રાય કરી શકાય. સૉફ્ટ અને મોંમાં નાખતાં જ ઓગળી જાય એવા સૉફ્ટ પનીરની સ્લાઇસને શેકીને એના પર ચિલી સૉસ નાખવામાં આવ્યો છે. એની સ્મોકી ફ્લેવર ખાટો, મીઠો અને તીખો એમ ત્રણેય ટેસ્ટનું મસ્ત કૉમ્બિનેશન છે. હુનાન બેબી પટેટો બહારથી કડક અને અંદરથી સૉફ્ટ છે અને છતાં હુનાન સૉસની ફ્લેવર છેક અંદર સુધી ઊતરેલી છે. 
બ્લુ ઍન્ડ યલો 
મેઇન કોર્સમાં અમે ટ્રાય કરી ફુની સિગ્નેચર ડિશ બ્લુ બટર જૅપનીઝ ફ્રાઇડ રાઇસ. બ્લુ પી ફ્લાવરની મદદથી જૅપનીઝ જાડા રાઇસને નૅચરલી જ ટર્કોઇશ બ્લુ રંગ આપવામાં આવ્યો છે. એને ગાજર, બેબી કૉર્ન અને શિતાકે મશરૂમ સાથે સૉતે કરીને એના પર બારીક સમારેલું ફ્રાઇડ ગાર્લિકનું ગાર્નિશિંગ છે. આ રાઇસ યલો કરી સાથે ખાઈ શકાય. કોકોનટ મિલ્કમાં બનાવેલી આ કરીમાં મશરૂમ, બ્રૉકલી અને શિંગોડાનાં પતીકાંનો ક્રન્ચ મજાનો છે. 
ડિઝર્ટમાં વેજિટેરિયન્સ માટે ત્રણ ઑપ્શન છે. અમે હેઝલનટ ડોમ ટ્રાય કર્યું. ચૉકલેટના કડક લેયરની વચ્ચે ભરેલી સૉફ્ટ, સ્પૉન્જી ચૉકલેટની અંદર ફેરારો રોશરનો ક્રન્ચ છે. ચૉકલેટનો ટેસ્ટ ભાંગવા માટે થોડોક વૅનિલા આઇસક્રીમ અને કૅરેમલાઇઝ્ડ બદામની ચૂરી પણ છે જે ડિઝર્ટને પર્ફેક્ટ બનાવે છે.

સન્ડે બ્રન્ચ


જો તમે કંઈક નવું ટ્રાય કરવા માગતા હો, પણ કઈ ડિશ તમને ભાવશે અને કઈ નહીં એની ચિંતા હોય અથવા તો ભાવતી વાનગી અનલિમિટેડ ખાવાની ઇચ્છા હોય તો અહીં દર રવિવારે ૧૪૦૦ રૂપિયામાં અનલિમિટેડ બ્રન્ચ ચાલુ છે. 

મસ્ટ ટ્રાય 
તમે મૉકટેલના શોખીન હો કે ન હો, અહીંનું ફૅન્ટસી આઇલૅન્ડ ડ્રિન્ક અચૂક ટ્રાય કરવા જેવું છે. લીચી, લાઇમ અને ઑર્ગીટ સિરપનું અફલાતૂન કૉમ્બિનેશન છે. દેખાવમાં ભલે ધોળુંધબ હોય, પણ પીતાંની સાથે જ એની ફ્રેશનેસ મનને તરબતર કરી નાખે છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2021 08:36 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK