Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આ ત્રણ શાક તો ખાવાં જ પડે

Published : 16 June, 2025 12:17 PM | Modified : 17 June, 2025 06:51 AM | IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

અમિતાભ બચ્ચને એક વાર મજાકિયા અંદાજમાં કહેલું કે કદ્દૂ, કરેલા અને કટહલનું તો નામ સાંભળતાં જ થાય કે આ ખાવાની વસ્તુ નથી

કદ્દૂ (કોળું/ભોપલું), કટહલ (ફણસ/ જૅકફ્રૂટ), કારેલાં

કદ્દૂ (કોળું/ભોપલું), કટહલ (ફણસ/ જૅકફ્રૂટ), કારેલાં


અમિતાભ બચ્ચને એક વાર મજાકિયા અંદાજમાં કહેલું કે કદ્દૂ, કરેલા અને કટહલનું તો નામ સાંભળતાં જ થાય કે આ ખાવાની વસ્તુ નથી; પણ ખરેખર તો આ ત્રણ એવાં શાક છે જે એના અનેક ગુણોને લીધે એ તમારી પ્લેટમાં હોવાં જ જોઈએ. ક્યારેક સ્વાદને લીધે અથવા ક્યારેક નામને લીધે જેનો સહજપણે અસ્વીકાર થાય છે એવાં આ શાકના ફાયદાઓ જાણશો તો આજ પછી એનો તિરસ્કાર નહીં કરી શકો


‘કદ્દૂ, કરેલા અને કટહલ - નામ સાંભળતાં જ લાગશે કે ખાવું ન જોઈએ’ એમ મજાકિયા અંદાજમાં અમિતાભ બચ્ચને કરેલી ટિપ્પણીએ ખરેખર સ્વાસ્થ્ય વિશેની ગંભીર ચર્ચા છેડી દીધી છે. આ ત્રણ એવાં વ્યંજનો છે જે ખરેખર ટાળી શકાય એમ નથી. આમાંથી ગુજરાતી થાળીમાં કારેલાં તો આપણે અવારનવાર ખાઈએ જ છીએ પણ કટહલ એટલે કે ફણસ અને કોળું કે ભોપલું ખાવા બાબતે આપણે હજી પણ એટલા સભાન નથી. આ દરેક શાક પોતપોતાની રીતે આરોગ્યપ્રદ ગુણવત્તાઓ ધરાવે છે એમાં શંકા નથી, પણ સાવ જ વિભિન્ન કહી શકાય એવા સ્વાદ હોવાને લીધે વગોવાયેલાં છે. એટલા માટે જ આ શાક આપણી પ્લેટમાં હોવાં જ જોઈએ. આ વિશે વિસ્તારથી વાત કરતાં છેલ્લાં ૧૬ વર્ષથી ડાયટિશ્યન અને ડાયાબેટિક એજ્યુકેટર તરીકે અંધેરીમાં પ્રૅક્ટિસ કરતાં ડાયટિશ્યન કુંજલ શાહ કહે છે, ‘આ ત્રણેય શાકભાજી એટલીબધી આરોગ્યદાયી છે કે અનેક બીમારીઓ સામે લાભ આપે છે. ફાઇબર અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ બધામાં છે. એટલે ત્વચા અને પાચન માટે મદદ કરે છે. ન ભાવે તો ભાવે એ રીતે રેસિપી બનાવીને પણ આ શાકભાજીઓને ન્યાય આપવો જોઈએ, કારણ કે આ ત્રણેય શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે અજોડ ઔષધી છે એટલે કે દવારૂપ ભોજન છે.’



આ ત્રણેય શાકને આયુર્વેદમાં પણ એટલાં જ અકસીર માનવામાં આવ્યાં છે. આ વિશે કૅન્સર અને અન્ય અસાધ્ય બીમારીઓનાં સિનિયર આયુર્વેદિક કન્સલ્ટન્ટ ડૉ. નીતિન કોચર કહે છે, ‘દરેક વનસ્પતિ ઔષધીની જેમ વર્તે છે જો એનો યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો. આ ત્રણેય શાક અનેક ફાયદાઓ ધરાવે છે.’


કદ્દૂ (કોળું/ભોપલું) : શાંત સ્વભાવનું પૌષ્ટિક શાક

કોળાના ફાયદાઓ અનેક છે એવું જણાવતાં કુંજલ શાહ કહે છે, ‘કોળું એવા લોકો માટે ઉત્તમ છે જેમને અજીર્ણ, પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ (PCOS), કૉલેસ્ટરોલની સમસ્યા કે ચિંતાની તકલીફ હોય. એમાં રહેલા બિટા-કૅરોટિન વિટામિન A બનાવી આંખોનું આરોગ્ય અને રોગપ્રતિકારક શક્તિ વધારશે. ઓછી કૅલરી અને વધુ ફાઇબર હોવાને લીધે એ વજન ઘટાડવા અને પાચન સુધારવા માટે ઉત્તમ છે. પોટૅશિયમ, મૅગ્નેશિયમ અને વિટામિન C જેવાં તત્ત્વોને લીધે બ્લડપ્રેશર કન્ટ્રોલ થાય છે. આ સિવાય એનાથી શરીરમાં સોજો ઘટે છે. આથી આર્થ્રાઇટિસ કે ઑટોઇમ્યુન તકલીફોમાં ઉપયોગી નીવડે. એની અંદર જોવા મળતા મૅગ્નેશિયમને લીધે એ સ્ટ્રેસ ઘટાડવા, ઊંઘ સારી કરવા માટે સહાયક છે. પાચનની સમસ્યાને કારણે થતા ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રોમ (IBS) કે ઍસિડિટીથી પીડાતા દરદીઓએ કોળાનું સૂપ કે શાક ખાવું જોઈએ. એનાથી તેમની તકલીફ ખૂબ જ ઘટે છે. પમ્પકિન સીડ પણ સારાં પડે છે. દરેક સીડમાં ફૅટ હોય છે એટલે એને કોઈ મુખવાસ અથવા સૅલડ પર નિયંત્રિત માત્રામાં લઈ શકાય. એ પ્રોટીન, ઝિન્ક અને મૅગ્નેશિયમ માટે જરૂરી છે. એ મસલ-ફંક્શન માટે સારું છે. જેમની ઊંઘ સારી ન હોય તેમને મદદ કરે.’


આ વાતમાં ઉમેરો કરતાં આયુર્વેદિક નિષ્ણાત ડૉ. નીતિન કોચર કહે છે, ‘પમ્પકિન એટલે કે કુષમાણ્ડમાં ૯૭ ટકા પાણી છે. ૩ ટકા ફાઇબર છે. સફેદ કોળાનો રસ સવારે પીઓ તો પિત્તશામક છે. ડીટૉક્સિફિકેશન થાય એટલે એનાથી પેટ સારું થાય. ઍસિડિટીવાળા લોકોને સારું પડે. પિત્તશામક છે એટલે રોજ પીઓ તો શરદી થાય છે. સાઇનસના દરદીએ રોજ ન પી શકાય. એના રસમાં થોડાં આદું અને મરી ઉમેરીને પીવાથી ફાયદાઓ વધી જાય છે. મૂળ તો દરેક વનસ્પતિ ઔષધી તરીકે વાપરી શકાય પણ એનો ઉપયોગ યુક્તિપૂર્વક કરવો રહ્યો. એ બલવર્ધક અને વીર્યવર્ધક છે એટલે એ પૌરુષત્વ વધારે છે, એનાથી તાકાત આવે. એ બહુ જ સારું શાક છે. સાઉથ ઇન્ડિયન લોકો સાંભારમાં વાપરે છે. એનાથી એની ઠંડક થોડી ઓછી થાય છે. નાનાં બાળકોને એમાંથી ખડી સાકર સાથે બનાવેલો ચ્યવનપ્રાશ આપી શકાય. હૃદય માટે સારું છે.’

કટહલ (ફણસ/ જૅકફ્રૂટ) : શાકરૂપ સુપરસટાર

કટહલ અથવા ફણસ એવા લોકો માટે શ્રેષ્ઠ છે જેમને થાઇરૉઇડ, પાચનની તકલીફો કે કૉલેસ્ટરોલનો પ્રશ્ન હોય છે. એમાં હાઈ ફાઇબર હોવાથી એ પાચન સુધારે છે અને પેટ સાફ રાખે છે. આમાં કાર્બોહાઇડ્રેટ્સ છે પણ નીચા ગ્લાઇસીમિક ઇન્ડેક્સને કારણે ધીમે-ધીમે પચતું  હોવાથી ડાયાબિટીઝ માટે અને વજનના સંતુલન માટે અનુકૂળ છે. વર્કઆઉટ પહેલાં એને ફ્રૂટ તરીકે લઈ શકાય. વિટામિન C અને પોટૅશિયમથી ભરપૂર છે એટલે રોગપ્રતિકારક શક્તિ અને હૃદયના આરોગ્ય માટે લાભદાયક છે. કોરોના ફરી સંભળાઈ રહ્યો છે એવા સમય માટે એ જરૂરી છે. એમાં વિટામિન A છે ઉપરાંત પોટૅશિયમ સારું છે, D3 વધારવા માટે મદદરૂપ છે. સારું ફાઇબર છે એટલે પાચનમાં મદદ કરે. ત્વચાના ઇશ્યુમાં મદદ કરે. કબજિયાતમાં ચાલે. B6 અને ફોલેટ સારું છે. કૅલ્શિયમ અને આયર્ન સારું છે. લો હીમોગ્લોબિનવાળા માટે સારું. આ સિવાય પણ એના ફાયદા ઘણા છે. એ કૉલેજન ઉત્પન્ન કરે છે, જે ત્વચા અને સાંધાની ગતિશીલતા માટે મદદરૂપ છે અને માંસાહારનો સ્વસ્થ વિકલ્પ છે. જે ઉચ્ચ યુરિક ઍસિડ કે કૉલેસ્ટરોલ ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ છે. દર અઠવાડિયે બે વખત પણ આનું શાક કે ફ્રૂટ લેવામાં આવે તો સ્વાસ્થ્ય પર સારી અસર દેખાય છે.’

આ વાતમાં ઉમેરો કરતાં ડૉ. નીતિન કોચર કહે છે, ‘ફણસ એટલે કે અર્દ્રપાનસ કોઈ પણ પ્રાંતમાં થાય છે. એનો ગર્ભ સ્નાયુઓ માટે સારો છે. એ વાયુ ઘટાડે છે. એનું વધુ માત્રામાં સેવન કરશો તો વજન વધશે. નિયંત્રિત માત્રામાં ખાઓ તો અનેક ફાયદાઓ છે. એના અલગથી બીજ આવે છે, જેને શેકીને પાઉડર બનાવાય છે. એને લોટમાં મિક્સ કરીને લઈ શકો. કેરલામાં એક ડૉક્ટરે તો ત્યાં સુધી કહ્યું છે કે એનો પાઉડર એટલે કે જૅકફ્રૂટ પાઉડર ડાયબેટિક દરદીને આપો તો શુગર ઓછી થાય. એ ડાયબેટિક પેશન્ટ માટે સારું કામ કરે છે. એનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. હાર્ટ, ત્વચા, પાચનમાં સારું. એનાથી વધુ વજનવાળાનું વજન ઓછું થાય. એક જ છે કે ટેસ્ટમાં ફાવે એ રીતે વિચારીને વાપરવું પડે. એનાં અથાણાં પણ આવે છે.’

 કારેલાં : કડવાં પણ અમૃત સમાન

કારેલાંનાં અનેક રીતે ગુણગાન ગવાય છે એવું જણાવીને ડૉ. નીતિન કોચર કહે છે, ‘કારેલાંને આર્યુવેદમાં કારવેલ્લ કહેવાય. ઉત્કૃષ્ટ વાતશામક છે. એ શર્કરા ઓછી કરે, વજન ઘટાડવામાં ઉત્તમ, કફની તકલીફવાળા લોકો માટે સારાં પડે. જો વધારે માત્રામાં ખવાય તો એનાથી પિત્ત થાય એટલે ઍસિડિટી વધે. એ ગરમ પડે. એનાથી કફ અને પિત્ત ઓછાં થાય છે પણ વધુ માત્રામાં ખાઓ તો વાયુ વધે અને વારંવાર તળીને ખાઓ તો ઍસિડિટી થાય. એ રૂમેટૉઇડ આર્થ્રાઇટિસમાં બહુ સારી દવા છે. સાઇનસ અને અસ્થમાના દરદીઓ માટે, ઍલર્જીના દરદીઓ માટે કામનાં છે. અઠવાડિયામાં બેથી ત્રણ વખત ખાઓ તો સારું કહેવાય. કારેલાં ખરેખર છાલ સાથે બનાવો. એમાં થોડી આમલી અને ગોળ નાખી ખાઓ તો વાયુ વધારવાના ગુણ નાશ પામશે.’  
આ વાત સાથે સહમત થતાં કુંજલ શાહ કહે છે, ‘કારેલાં ડાયાબિટીઝને કન્ટ્રોલ કરવામાં ખૂબ અસરકારક છે. એના ફાયદાઓ અનેક છે. જેમ કે એ ટાઇપ-2 ડાયાબિટીઝને કુદરતી રીતે નિયંત્રિત કરે છે. લિવર ડીટૉક્સમાં સહાય કરે છે અને ફૅટી લિવર સુધારવા માટે શ્રેષ્ઠ છે. લોહીમાં આયર્ન વધારે અને એનીમિયા દૂર કરે છે. ત્વચાની સમસ્યાઓ જેવી કે એક્ઝિમા, સોરાયસિસ માટે અસરકારક રીતે કામ કરે છે. આ સિવાય એમાં રહેલું ફાઇબર ગૅસ, કબજિયાત, પિત્તની સમસ્યાઓમાં લાભદાયક છે. PCOS કે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ ધરાવતી સ્ત્રીઓ માટે ઉત્તમ પસંદગી છે. કારેલાં રોજ ખાઈ શકાય છે. બ્લડશુગરના સંતુલન માટે ડાયટિશ્યનની સલાહ લઈ એનો જૂસ પણ પી શકાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2025 06:51 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK