બેકિંગ સોડાનો ઉપયોગ કિચનની સાથે શરીરના ફંક્શનિંગને સરળ બનાવવા માટે પણ થાય છે. એક ચપટી બેકિંગ સોડાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે કઈ રીતે ફાયદાકારક છે એ જાણીએ
બેકિંગ સોડા
રસોડામાં ભજિયાંને સૉફ્ટ અને સ્પૉન્જી બનાવવા માટે વપરાતો એક ચપટી બેકિંગ સોડા જો સમજીવિચારીને વાપરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધિત અઢળક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. એમાં રહેલા ઍન્ટિસેપ્ટિક ગુણધર્મો પીડાનિવારક તરીકે કામ કરે છે. કેમિકલની ભાષામાં બેકિંગ સોડાનું નામ સોડિયમ બાઇકાર્બોનેટ છે. કુદરતી રૂપે મળતા આ મિનરલનો ઉપયોગ ભજિયાં બનાવવા ઉપરાંત કેક, મફિન્સ અને બ્રેડના બેકિંગમાં થાય છે. લોટ બાંધ્યા પછી એની સૉફ્ટનેસ જળવાઈ રહે એ માટે પણ ઘણી વાર સોડાનો ઉપયોગ થાય છે. એને લોટમાં મિક્સ કરવાથી કાર્બન ડાયોક્સાઇડ બને છે, જેને લીધે એ સૉફ્ટ થવાની સાથે ફૂલે પણ છે. જોકે બેકિંગ સોડાનો ઉપયોગ ફક્ત કિચન સુધી સીમિત નથી. આ નૅચરલ મિનરલમાં રહેલા ઔષધીય ગુણો શરીરને ઘણી રીતે ફાયદાઓ આપે છે.



