Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આ વાંચીને થઈ જશે ગાજર માટે આદર

આ વાંચીને થઈ જશે ગાજર માટે આદર

Published : 04 April, 2025 03:10 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

ટેક્નિકલી ગાજરની વાત શિયાળામાં થવી જોઈએ કારણ કે આપણે ત્યાં એ શિયાળાનું કંદમૂળ ગણાય છે, પરંતુ હવે એ બારેય માસ મળી રહ્યાં છે. આજે ‘વર્લ્ડ કૅરટ ડે’ના નાતે ગાજરના ગુણો જ નહીં પણ ગાજરની ઓછી જાણીતી વાનગીની રેસિપી જાણીએ સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર પાસેથી

ગાજર

ગાજર


૨૦૦૩ની ચાર એપ્રિલે ગાજરમાં રહેલા ગુણોનું ગાન થાય અને ગાજરના વર્સેટાઇલ હોવા તરફ લોકોમાં જાગૃતિ આવે એ આશય સાથે ઇન્ટરનૅશનલ કૅરટ ડે ઊજવવાની શરૂઆત થઈ હતી. સ્વીડનથી શરૂ થયેલો આ દિવસ ધીમે-ધીમે ઘણાબધા દેશોએ અપનાવી લીધો. ગુણોથી ભરપૂર એવા ગાજરની વિવિધ વાનગીઓ આપણે ત્યાં સદીઓથી ખવાતી આવી છે ત્યારે એમાં કેટલાક ટ્વિસ્ટ પણ આપણે ત્યાંના જાણીતા સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર લાવ્યા છે.




સંજીવ કપૂર, સેલિબ્રિટી શેફ


ગાજર માટે પારાવાર આદર ધરાવતા શેફ સંજીવ કપૂર કારણ આપતાં કહે છે, ‘એક શેફ માટે જે ઇન્ગ્રીડિઅન્ટ દરેક અવતારમાં ઢળી શકે; તીખા, મીઠા, નમકીન એમ દરેક સ્વાદમાં જેનો ઉપયોગ સહજ રીતે કરી શકાય એવી સામગ્રીઓ ખાસ હોય છે. ગાજર એ રીતે મારા માટે ખાસ છે. મેં ગાજર સાથે ઘણા અખતરા કર્યા છે અને ગાજરે ક્યારેય મને નિરાશ નથી કર્યો. મને યાદ છે કે એક બહુ જ મોટું ગાલા ડિનર હતું. કાંદા મોંઘા હતા અને કેટલાક લોકો કાંદા ખાઈ નહીં શકે એવી પણ ખબર પડેલી ત્યારે ગ્રેવીના બેઝ માટે અમે ગાજરનો ઉપયોગ કરેલો અને શું સ્વાદ હતો એ ડિશમાં. એવી જ રીતે ગાજરના હલવાના નાના બૉલ્સ બનાવીને એના પર ચૉકલેટનું કોટિંગ કરીને ગાજરની ચૉકલેટ અને આઇસક્રીમ પણ મેં બનાવ્યાં છે અને અમારે ત્યાં આવેલા મહેમાનો એ ખાઈને મોંમાં આંગળાં નાખી ગયેલા. જપાનમાં ટેમ્પુરા નામની એક વાનગી મળે છે જે આપણા ભજિયાં જેવી હોય છે. એને તમે જૅપનીઝ પકોડા કહી શકો. એ ટેમ્પુરા ગાજરનાં હતાં અને જુદો જ સ્વાદ હતો. આપણે ત્યાં કાંદા, કોબી, પાલક કે બટાટાના પકોડા બને છે પણ મેં પહેલી વાર ગાજરના પકોડા બનાવ્યા તો એ પણ સુપર ટેસ્ટી બનેલા. મારી મમ્મી ગાજરનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવતાં અને ગજબનાક સ્વાદ આવતો એમાં. એ રીતે જુઓ તો ગાજર સબ બંદર કા વ્યાપારી જેવી સબ્ઝી છે.’

શેફ સંજીવ કપૂરે શૅર કરેલી ગાજરની વિવિધ વાનગીઓ અને તસવીરો પર એક નજર કરીએ. 


આપણે ત્યાં ઊગતાં કાળાં ગાજર

આમ તો આપણે મોટા ભાગે લાલ અને ઑરેન્જ ગાજરો જ શાકમાર્કેટમાં વધુ જોઈએ છીએ, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા પરંપરાગત ગાજરનો મૂળ રંગ કાળો હતો. યસ, લગભગ દસમી સદીની આસપાસ કોઈ પણ જાતના જિનેટિક મૉડિફિકેશન વિના ભારત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ઊગતાં કાળાં ગાજર પોષક તત્ત્વોની દૃષ્ટિએ વધુ ગુણવાન હતાં અને સારી વાત એ છે કે હવે દસ મિનિટમાં ફૂડ ડિલિવર કરતી ઘણી ઑનલાઇન ઍપ્લિકેશન દ્વારા ફરી કાળાં અથવા પર્પલ કૅરટ તરીકે પણ ઓળખાતાં ગાજર ઉપલબ્ધ થયાં છે. કાળાં ગાજરમાં રોગો સામે લડવાનું કામ કરતાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સનું પ્રમાણ વધારે હોય છે. એની આગવી સુગંધ હોય છે અને એ વધુ સ્વાદિષ્ટ મનાય છે. જોકે એ સિવાય પીળાં અને સફેદ ગાજર પણ હવે મળતાં થયાં છે.

ગાજરનાં ભજિયાં

સામગ્રી : ત્રણથી ચાર છાલ કાઢેલાં અને જાડા લેયર સાથે છીણેલાં ગાજર, એક મીડિયમ સાઇઝનો સ્લાઇસ કરેલો કાંદો, મીઠું, એક ટેબલસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન હળદર, સમારેલાં બે લીલાં મરચાં, એક કપ ચણાનો લોટ, પા કપ ચોખાનો લોટ, તળવા માટે તેલ અને ભજિયાં સાથે સર્વ કરવા માટે લીલી ચટણી.

રીત : ગાજર અને કાંદાને એક બાઉલમાં લઈને એમાં મીઠું ઉમેરીને એને બરાબર મિક્સ કરીને પંદર મિનિટ માટે બાજુ પર રહેવા દો. હવે લાલ મરચું, હળદર, લીલાં મરચાંને નાખીને બરાબર મિક્સ કરો. હવે ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરીને જરૂર મુજબનું પાણી નાખી મિક્સ કરો. બીજી બાજુ કડાઈમાં તેલ લઈને તેલ ગરમ થાય એ પછી થોડીક માત્રામાં તૈયાર કરેલું બેસન ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને ગરમાગરમ ભજિયાં લીલી ચટણી સાથે સર્વ કરો.

બેક્ડ કૅરટ ચિપ્સ

સામગ્રી : બે મીડિયમ ગાજર, મીઠું, બે ટીસ્પૂન મિક્સ હર્બ્સ, બે ટીસ્પૂન રેડ ચિલી ફ્લેક્સ, એક ટીસ્પૂન સૂંઠ પાઉડર, દોઢ ટીસ્પૂન ચાટ મસાલા, બે ટેબલસ્પૂન રવો, બે ટીસ્પૂન તેલ.

ડિપ બનાવવાની સામગ્રી : ચાર ટેબલસ્પૂન મેયોનીઝ, એક ટેબલસ્પૂન ડ્રાય હર્બ્સ, એક ટેબલસ્પૂન સમારેલાં બેસિલનાં પત્તાં, એક ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ, સ્વાદ અનુસાર સૉલ્ટ.

રીત : માઇક્રોવેવને ૧૮૦ ડિગ્રી પર પ્રીહીટ કરો. ગાજરની છાલ કાઢીને એની લાંબી અને જાડી કાતરી કરો. હવે ગાજરના ટુકડાઓને મીઠું, મિક્સ હર્બ્સ, ચિલી ફ્લેક્સ, સૂંઠ પાઉડર, ચાટ મસાલા, રવા અને તેલમાં મૅરિનેટ કરો. પાંચેક મિનિટ પછી બેકિંગ ટ્રેમાં ગાજરને ગોઠવીને વીસથી બાવીસ મિનિટ માટે બેક થવા માટે મૂકી દો. ડિપ બનાવવા માટે મેયોનીઝ, મિક્સ હર્બ્સ, બેસિલનાં પત્તાં, લસણ અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો. ડિપ સાથે ગરમાગરમ કૅરટ ચિપ્સ સર્વ કરો.

ગાજર મખની

સામગ્રી : ત્રણ સમારેલાં લાલ ગાજર, દોઢ ટેબલસ્પૂન બટર, ચોરસ ટુકડામાં સમારેલું ૩૦૦ ગ્રામ પનીર, એક ટેબલસ્પૂન મગજતરીનાં બીજ, એક ટેબલસ્પૂન ખસખસ, આઠથી દસ કાજુના ટુકડા, ત્રણથી ચાર એલચી, છથી આઠ દાણા કાળાં મરી, એક નાનો ટુકડો જાવંત્રીનું ફૂલ, એક ઇંચ જેટલું સમારેલું આદું, ચારથી પાંચ લસણની કળી, અડધી નાની ચમચી હળદર, એક નાની ચમચી લાલ મરચું, મીઠું સ્વાદ મુજબ, એક ચમચી કસૂરી મેથીનો પાઉડર, બે ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ ગાર્નિશિંગ માટે અને પા ટેબલસ્પૂન ગરમ મસાલાનો પાઉડર.

રીત : સૌથી પહેલાં એક કુકરમાં ગાજર, મગજતરીનાં બીજ, ખસખસ, કાજુ, એલચી, કાળાં મરી, જાવંત્રી, આદું, લસણ, હળદર, લાલ મરચું, મીઠું દોઢ કપ પાણી નાખીને બરાબર મિક્સ કરીને ત્રણથી ચાર સીટી વાગે ત્યાં સુધી બાફી લો. ઠંડું થયા પછી કુકર ખોલીને એમાંથી એલચી અને જાવંત્રી કાઢીને મિશ્રણને મિક્સી જારમાં ક્રશ કરીને એની સ્મૂધ પ્યુરી બનાવી લો. હવે એક કડાઈમાં આ પ્યુરીને એકથી બે મિનિટ માટે ગરમ કરો. હવે એમાં કસૂરી મેથીનો પાઉડર ઉમેરીને મિક્સ કરો. હવે એમાં બટર ઉમેરીને એને મિક્સ કર્યા પછી પનીરના ટુકડા ઉમેરો અને છેલ્લે ફ્રેશ ક્રીમ નાખીને એકથી બે મિનિટ માટે ધીમે-ધીમે કુક કરો. છેલ્લે ગરમ મસાલાનો પાઉડર નાખીને હળવા હાથે મિક્સ કરીને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરીને ફ્રેશ ક્રીમ અને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો.  

ગાજરની પૂરી

 સામગ્રી : એક કપ મિક્સરમાં ક્રશ કરીને તૈયાર કરેલી ગાજરની પ્યુરી, દોઢ કપ ઘઉંનો લોટ, અડધી ટેબલસ્પૂન લાલ મરચું, પા ચમચી અજમો, સ્વાદ અનુસાર મીઠું, એક ટેબલસ્પૂન કોથમીરનાં પત્તાં, એક ટેબલસ્પૂન તેલ (ગ્રીસિંગ અને પૂરી તળવા માટે અલગ તેલ), બટાટાનું શાક સાથે સર્વ કરવા માટે.

રીત : એક બાઉલમાં ઘઉંનો લોટ લઈને એમાં લાલ મરચું, અજમો, મીઠું, સમારેલી કોથમીર, તેલ અને ગાજરની પ્યુરી ઉમેરીને બરાબર મિક્સ કરો અને કાઠો લોટ બાંધો. દસેક મિનિટ લોટને પડ્યો રહેવા દો અને સેટ થવા દો. એ પછી લોટના નાના લૂઆ બનાવીને એના પર તેલનું ગ્રીસિંગ કરીને પૂરીના આકારમાં વણી નાખો. હવે એક કડાઈમાં તેલ લઈને એને ઊકળવા મૂકો અને ગરમ તેલમાં વણેલી પૂરી નાખીને એને ફૂલવા દો. પૂરી તૈયાર થયા પછી એને ગરમાગરમ બટાટાના શાક સાથે સર્વ કરો.

 ગરમીમાં પણ છે ગાજર ગુણવાન

ન્યુટ્રિશનિસ્ટ કલ્પના શાહ

ગાજરની મૂળભૂત ઋતુ શિયાળો મનાય છે, પરંતુ શું ઉનાળામાં પણ ગાજર ખાઈએ તો એના કોઈ વિશેષ લાભ છે? જવાબમાં અગ્રણી ન્યુટ્રિશનિસ્ટ કલ્પના શાહ કહે છે, ‘ગાજર તમે કોઈ પણ સીઝનમાં ખાઓ, એમાં જે પોષક તત્ત્વો છે એ તો પોતાનું કામ કરવાનાં જ. જેમ કે ગાજરમાં રહેલું બિટા કૅરોટિન નામનું પોષક તત્ત્વ આપણા શરીરના કોષોની દીવાલને ઘટ્ટ કરવાનું કામ કરે છે. ઉનાળામાં એ રીતે ગાજર ખાઓ તો લાભ થઈ શકે કારણ કે ગરમીમાં પાચનતંત્ર ડિસ્ટર્બ થાય, શ્વસનની બીમારી થાય, સ્કિનની સમસ્યા થાય ત્યારે બિટા કૅરોટિનને કારણે શરીરના આ ભાગને પૂરતું પોષણ મળતું હોય છે. બીજું, ગરમીમાં આંખોની વિશેષ સંભાળ રાખવાની હોય છે જેમાં ગાજર મદદરૂપ થાય છે. એવા કોઈ પુરાવા નથી પરંતુ કહેવાય છે કે સનબર્નથી બચાવવા, ટૅનિંગ અટકાવવા માટે પણ ગાજર ઉપયોગી છે. ગાજરમાં થોડીક માત્રામાં ફાઇબર અને વિટામિન C હોય છે, જે પણ ઉપયોગી છે.’

 

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2025 03:10 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK