JITO થાઇલૅન્ડનાં ટ્રેઝરર, ગરબા રજૂ કરનારી બાળાઓ અને વેજ રેસ્ટોરાં ચલાવતા હીરાના વેપારીએ મિડ-ડેને જણાવ્યા વડા પ્રધાન સાથેના અનુભવો
ખેલૈયા ગ્રુપના ગરબા જોતા નરેન્દ્ર મોદી, જેમાં નવ્યા પરમાર અને પહેલ શાહે પર્ફોર્મ કર્યું હતું
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે સવારે બૅન્ગકૉક પહોંચ્યા હતા. બૅન્ગકૉકમાં ઊતરતાંની સાથે જ ઍરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓ જે હોટેલમાં ઊતર્યા હતા ત્યાં પણ મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકોએ ઉપસ્થિત રહીને તેમનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં સહભાગી થનારા અને બૅન્ગકૉકમાં જ વર્ષોથી રહેતા કેટલાક ગુજરાતીઓ સાથે ‘મિડ-ડે’એ વાત કરી હતી અને નરેન્દ્ર મોદી સાથે થયેલી તેમની મુલાકાત દરમ્યાનના અનુભવો જાણ્યા હતા.
ADVERTISEMENT
JITO થાઇલૅન્ડનાં નેહા કોઠારી
નરેન્દ્ર મોદી સામે તમે નિઃશબ્દ થઈ જાઓ : નેહા કોઠારી
‘જૈન ઇન્ટરનૅશનલ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (JITO) થાઇલૅન્ડ’નાં બોર્ડ ઑફ ડિરેક્ટર્સનાં સભ્ય અને ટ્રેઝરર નેહા કોઠારી કહે છે, ‘હું નરેન્દ્ર મોદીજીને મળવા ઍરપોર્ટ પર પહોંચી હતી. જેવા તેઓ ઍરપોર્ટ પર ઊતર્યા એટલે આખું વાતાવરણ એકદમ આનંદમય બની ગયું હતું. લોકો ઍરપોર્ટ પર કલાકથી તેમની રાહ જોઈને ઊભા હતા છતાં કોઈના મોં પર કંટાળો કે આળસ જોવા મળ્યાં નહોતાં. બલ્કે જ્યાં સુધી તેમનું પ્લેન આવ્યું નહીં ત્યાં સુધી બધા ભારત દેશના જયજયકારનાં સૂત્રો ઉચ્ચારી રહ્યા હતા. હું પોતે પોણો કલાક સુધી તેમની રાહ જોઈને ઊભી હતી, પણ તેમને મળીને મારો થાક જ ઊતરી ગયો. મોદીજી ઍરપોર્ટ ઊતરીને ત્યાં હાજર લોકોને મળ્યા હતા અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. હું પણ તેમાંની જ એક લકી વ્યક્તિ છું કે મને તેમની સાથે હાથ મિલાવવાનો ચાન્સ મળ્યો. જોકે અફસોસ એ રહ્યો કે હું તેમની સાથે વાત ન કરી શકી કે ફોટો પણ ન પડાવી શકી. જોકે તેમની મુલાકાતની ક્ષણ મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ બની રહેશે. તેમનો ઑરા કહો કે પછી તેમનું તેજ, તેમનું વ્યક્તિત્વ જ એટલું પ્રભાવશાળી છે કે જો તે તમારી સામે આવીને ઊભા રહે તો તમે નિઃશબ્દ બની જાઓ છો. મારી સાથે પણ એવું જ થયું. હું માત્ર નતમસ્તક થઈને ઊભી રહી ગઈ અને તેઓ મારા માથે હાથ મૂકીને આગળ જતા રહ્યા.’
આ ગીત કોણે લખ્યું છે એ ખબર છે?
અમને અંદાજ પણ નહોતો કે અમારો ગરબા ડાન્સ જોયા બાદ નરેન્દ્ર મોદીજી અમને આવો સવાલ પણ કરશે? એ વિશે જણાવતાં ૧૧ વર્ષની પહેલ શાહ કહે છે, ‘હું ગરબાના ખેલૈયા ગ્રુપ સાથે સંકળાયેલી છું. અમારી ૧૨ જણની ટીમે મોદીજી સમક્ષ તેમણે જ લખેલા અને પ્રસિદ્ધ સિંગર ભૂમિ ત્રિવેદી દ્વારા ગવાયેલા ગીત પર ગરબા કર્યા હતા. તેમણે એ ખૂબ જ ધ્યાનથી જોયા હતા એટલું જ નહીં, અમારા પર્ફોર્મન્સ બાદ આવીને અમને પૂછ્યું પણ હતું કે તમને ખબર છે આ ગીત કોણે લખેલું છે? બધાએ ઉત્સાહ સાથે જવાબ આપ્યો, ‘તમે સર.’ આ સાંભળીને તેઓ ખૂબ ખુશ થઈ ગયા અને અમારા બધા સાથે ફોટો પણ પાડ્યા. અમને અંદાજ પણ નહોતો કે આટલી વ્યસ્ત અને આ લેવલની વ્યક્તિ અમને આટલો સમય આપશે અને અમારી સાથે વાત પણ કરશે. હું તો બહુ જ ખુશ થઈ ગઈ છું.’
અમારો ડર જ ગાયબ થઈ ગયો
ગરબામાં સામેલ ૧૧ વર્ષની નવ્યા પરમાર કહે છે, ‘આટલી મોટી હસ્તી સામે પર્ફોર્મ કરવું અમારા માટે સહેલું નહોતું. અમે બધા તો વહેલી સવારે ઊઠીને તૈયાર થઈ ગયા હતા અને હોટેલ પર પહોંચીને તેમના આગમનની રાહ જોઈ રહ્યાં હતાં. ખૂબ ગભરાટ અને ડર હતો, પણ જ્યારે અમે તેમને મળ્યા કે તરત અમને એકદમ જ કમ્ફર્ટેબલ ફીલ થયું હતું અને અમે નિઃસંકોચ થઈને તેમની સામે ગરબા કરી શક્યા હતા. આ કાર્યક્રમ માટે અમે છેલ્લા ૧૦ દિવસથી બેથી ૩ કલાક પ્રૅક્ટિસ કરી રહ્યા હતા. એમાં અમારા ટીચર્સનો પણ ખૂબ સાથ મળ્યો હતો. ભારતથી અમે ઇમર્જન્સીમાં ગરબાનાં કૉસ્ચ્યુમ્સ પણ સીવડાવ્યા હતા. જોકે અમારી બધી મહેનત ફળી જ્યારે મોદીસરને અમે મળ્યા હતા. અત્યારે અહીં થાઈ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે જે છોડીને અમે ખાસ મોદીસરને મળ્યા હતા. તેમની સાથેની ક્ષણોને શબ્દોમાં વર્ણવવી અમારા માટે મુશ્કેલ છે.’
હીરાના વેપારી રુચિત શાહ
ગુજરાતીઓનું જ નહીં, ભારતીયોનું પણ માન વધાર્યું
બૅન્ગકૉકમાં છેલ્લાં ૧૫ વર્ષથી રહેતા ડાયમન્ડ ટ્રેડર અને ત્યાં જ પોતાની વેજ રેસ્ટોરાં ધરાવતા રુચિત શાહ કહે છે, ‘બૅન્ગકૉકમાં એક સમયે એવું કહેવામાં આવતું કે જો તમારી એક તરફ સાપ હોય અને બીજી તરફ એક ભારતીય હોય તો પહેલાં ભારતીયને મારજો. એ હદ સુધી ભારતીયો માટે આક્રોશ હતો, પણ તમે માનશો નહીં કે જ્યારથી નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા છે ત્યારથી અહીં વસતા ભારતીયોનું માન વધી ગયું છે. મોદીજી જ્યારે હોટેલની લૉબીમાં પ્રવેશ્યા ત્યારે લોકો એટલા આનંદવિભોર બની ગયા હતા કે તમને શું કહું. અન્યોની તો ખબર નહીં પણ એક ભારતીય અને ગુજરાતી હોવાની સાથે મને તેમના માટે ખૂબ જ સન્માન છે. અમે લૉબીમાં બધા એક હરોળમાં ઊભા હતા અને અહીં હાજર બધા સાથે તેઓ પર્સનલી આવીને હાથ મિલાવી રહ્યા હતા. મરાઠી ભાઈ-બહેનોને ગુઢીપાડવાની શુભેચ્છા આપી હતી. જૈન ભાઈ-બહેનોને કહ્યું કે આજે અહીં નવકાર બોલવાના છેને? મેં આજ સુધી આવા નેતા જોયા નથી જેઓ દરેકના ચહેરા પર સ્મિત લાવી જાણે છે. તેઓ મારી સામે આવીને ઊભા રહ્યા ત્યારે મેં તેમને ગુજરાતીમાં કહ્યું કે તમારા લીધે અહીં ભારતીયોનું માન વધી ગયું છે અને આજે અમે વટથી માથું ઊંચું કરીને ચાલી શકીએ છીએ. આટલું સાંભળીને તેમણે મારી પીઠ થાબડી અને હસીને આગળ વધ્યા. મારા માટે ગુરુવારનો દિવસ ખરેખર ધન્ય બની ગયો હતો. આજે બૅન્ગકૉકના લોકલ લોકો પણ મોદીને ઓળખે છે એટલી તેમની પ્રસિદ્ધિ છે. મારી બૅન્ગકૉકમાં પ્યૉર વેજ થાઈ ફૂડની હોટેલ છે અને નરેન્દ્ર મોદી પોતે પણ શુદ્ધ શાકાહારી છે એટલે તેમના આગમન વખતે લૉબીમાં હાજર દરેક જણ માટે મારી હોટેલમાંથી પ્યૉર વેજ ફૂડ મગાવવામાં આવ્યું હતું. એમાં મકાઈનું સૅલડ, વેજ થાઈ કરી, ટોફુ ફ્રાઇડ રાઇસ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે મોદીજી અને તેમના ડેલિગેશનના સભ્યોના ફૂડની વ્યવસ્થા એમ્બેસીએ અલગથી કરી હતી.`

