Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ઇમ્પોર્ટેડ ગ્રીન ટીને ભુલાવી દેશે આ દેશી કૉર્ન સિલ્ક ટી

ઇમ્પોર્ટેડ ગ્રીન ટીને ભુલાવી દેશે આ દેશી કૉર્ન સિલ્ક ટી

Published : 05 October, 2026 12:33 PM | Modified : 05 October, 2026 12:33 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

હવે જ્યારે મકાઈ લાવો ત્યારે એના સોનેરી રેસા કચરામાં ન નાખી દેતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મકાઈના ડોડામાં દાણાને સાચવવા માટે પ્રોટેક્શન વૉલ પૂરી પાડતા રેસા મૂત્રલ ગુણ ધરાવતા હોવાથી શરીરનાં ચોક્કસ પ્રકારનાં ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદરૂપ છે.  પ્રકૃતિએ આપેલા આ દેશી આયુર્વેદિક ખજાનાનો ઉપયોગ કઈ રીતે કરવો એ નિષ્ણાત પાસેથી જાણીએ

ફિટનેસ પાછળ ઘેલા થયેલા યુગમાં ગ્રીન ટી ઘરે-ઘરે જાણીતી થઈ ગઈ છે. વજન ઘટાડવું હોય કે બૉડી ડીટૉક્સ કરવું હોય, લોકો મોંઘાંદાટ ગ્રીન ટીનાં પાઉચ ખરીદી લાવે છે. જોકે શું તમે ક્યારેય વિચાર્યું છે કે બજારમાં મળતા મકાઈના ડોડામાં જ એક એવું સુપરફૂડ છુપાયેલું છે જેને આપણે નકામું સમજીને કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ? મકાઈના ડોડા પરથી દાણા છૂટા પાડતી વખતે નીકળતા એ રેશમી તાંતણા જેને અંગ્રેજીમાં કૉર્ન સિલ્ક કહેવાય છે એ માત્ર કચરો નથી; વિટામિન, પ્રોટીન અને ઔષધીય ગુણોથી સભર છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફિલિપીન્સ જેવા દેશોમાં મકાઈના આ રેસાનો વ્યાપક પ્રમાણમાં ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મકાઈના આ રેસા આપણી અનેક શારીરિક તકલીફોમાં રામબાણ ઇલાજ સાબિત થાય છે.



કિડની ડીટૉક્સ કરશે


ઘાટકોપરમાં રહેતા અનુભવી આયુર્વેદાચાર્ય દિનેશ હિંગુ કહે છે, ‘આયુર્વેદશાસ્ત્ર અનુસાર મકાઈના આ સોનેરી રેસા ગુણમાં પિત્તશામક અને મૂત્રલ છે એટલે એવી વનસ્પતિ કે ઔષધ જે યુરિન ઉત્પન્ન કરવાની અને એને શરીરની બહાર મુક્ત કરવાની પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવે છે. આપણું શરીર જ્યારે ખોરાકનું પાચન કરે છે અને ચયાપચયની ક્રિયા થાય છે ત્યારે શરીરમાં યુરિક ઍસિડ, ક્રીઆટનીન અને વધારાનું સોડિયમ જેવાં ઝેરી તત્ત્વો ભેગાં થાય છે. મકાઈના રેસા મૂત્રલ ગુણ ધરાવતા હોવાથી કિડનીને ઉત્તેજિત કરે છે, જેથી આ તમામ ઝેરી તત્ત્વો પેશાબ વાટે સહેલાઈથી બહાર નીકળી જાય છે. ઘણી વાર શરીરમાં વધારાનું પાણી જમા થઈ જવાને કારણે હાથ-પગમાં કે આંખો નીચે સોજા આવી જતા હોય છે. મકાઈના રેસા આ વધારાના પાણીને બહાર કાઢીને શરીરને હળવું બનાવે છે. પેશાબનો પ્રવાહ સાફ અને નિયમિત રહેવાથી કિડનીમાં કૅલ્શિયમ કે યુરિક ઍસિડના કણો જામતા નથી, જેનાથી કિડનીમાં પથરી બનવાનો ખતરો નહીંવત્ થઈ જાય છે.’

ડાયાબિટીઝના દરદીઓ માટે વરદાન


સામાન્ય રીતે મકાઈના દાણામાં કુદરતી કાર્બોહાઇડ્રેટ્સ અને શુગર હોવાથી ડાયાબિટીઝના દરદીઓને એ મર્યાદિત પ્રમાણમાં ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ એના સોનેરી રેસા તદ્દન વિપરીત ગુણ ધરાવે છે એમ જણાવતાં દિનેશભાઈ કહે છે, ‘મકાઈના રેસામાં રહેલા બાયો-ઍક્ટિવ ઘટકો શરીરમાં ઇન્સ્યુલિનના સ્રાવને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે. એ લોહીમાં ગ્લુકોઝના શોષણને ધીમું કરે છે, જેથી જમ્યા પછી એકાએક વધતા શુગરના સ્તરને અટકાવી શકાય છે. તેથી ડાયાબિટીઝના દરદીઓ માટે મકાઈના રેસાનો ઉકાળો કે ચા અત્યંત સલામત અને ફાયદાકારક દેશી ઉપચાર છે.

પ્રોસ્ટેટની સમસ્યામાં મદદરૂપ

૫૦ વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્લૅન્ડનું કદ વધવું એ સામાન્ય સમસ્યા છે. એને કારણે પેશાબ કરવામાં બળતરા થતી હોય, અટકી-અટકીને પેશાબ આવતો હોય કે વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય ત્યારે મકાઈના રેસા આ સમસ્યામાં કઈ રીતે મદદરૂપ બને છે એનો જવાબ આપતાં દિનેશભાઈ કહે છે, ‘મકાઈના રેસામાં કુદરતી ઍન્ટિ-ઇન્ફ્લમેટરી એટલે કે સોજો ઓછો કરનારા ગુણો રહેલા છે, જે પ્રોસ્ટેટ ગ્રંથિની બળતરા અને સોજાને શાંત કરે છે. એના મૂત્રલ ગુણને કારણે બેલૅડર પૂરેપૂરું સાફ થાય છે અને પેશાબના પ્રવાહમાં પડતી રુકાવટ દૂર થાય છે.’

કાર્ડિયોવૅસ્ક્યુલર સિસ્ટમ માટે ગુણકારી

હૃદયને સ્વસ્થ રાખવા માટે રક્તવાહિનીઓનું સાફ અને ફ્લેક્સિબલ હોવું જરૂરી છે. દિનેશભાઈ આ વિશે કહે છે, ‘મકાઈના રેસા એટલે કે કૉર્ન સિલ્ક શરીરમાંથી વધારાનું સોડિયમ પેશાબ વાટે બહાર ફેંકી દે છે, જેનાથી હાઈ બ્લડ-પ્રેશર કુદરતી રીતે અંકુશમાં આવે છે. એમાં રહેલા ફ્લેવનૉઇડ્સ અને વિટામિન-બી લોહીની નસોમાં ખરાબ કૉલસ્ટરોલ જામવા દેતા નથી, જેથી હૃદય પરનો બોજ ઘટે છે અને રક્તસંચાર સુધારે છે.’

સ્ત્રીરોગોમાં ઉત્તમ

મકાઈના રેસામાં કુદરતી રીતે લોહીના સ્રાવને અટકાવવાનો ગુણ રહેલો છે એ વાતને સમજાવતાં દિનેશભાઈ કહે છે, ‘જે મહિલાઓને માસિક દરમ્યાન અતિશય રક્તસ્રાવ થતો હોય તેમના માટે આનો ઉકાળો અત્યંત રાહતદાયક છે. આ ઉપરાંત સ્ત્રીઓમાં થતી સફેદ પાણી પડવાની સમસ્યામાં પણ એના ફંગલવિરોધી અને પિત્તશામક ગુણો બળતરા અને ઇન્ફેક્શન ઓછું કરીને ગર્ભાશયના સ્વાસ્થ્યને જાળવે છે.’

દેશી ટી બનાવવાની રીત
બે કપ પાણીમાં મકાઈના રેસા ઉમેરીને ધીમા તાપે ઉકાળો. પાણી બળીને અડધો કપ રહી જાય ત્યારે ગૅસ બંધ કરી દો. એને ગાળીને નવશેકું થાય એટલે એમાં એક ચમચી શુદ્ધ મધ ઉમેરીને પીઓ. જો ગળ્યો ઉકાળો ન પીવો હોય તો રેસાને પાણીમાં ઉકાળીને ગાળી લીધા બાદ એમાં થોડું શુદ્ધ મધ અને ચપટી નમક નાખીને પણ સેવન કરી શકાય છે. આ ઉપરાંત હજી એક રીત એ પણ છે કે મકાઈના રેસાને સૂકવીને એનો ઝીણો પાઉડર બનાવી લો. આ પાઉડરમાં સરખા ભાગે મિસરી મિક્સ કરીને દિવસમાં ગરમ પાણીમાં એક ચમચી જેટલું મિક્સ કરીને લઈ શકાય.

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 12:33 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK