આટલું સાંભળીને મારી અંદરના બકાસુરે તો ભેંકડો તાણ્યો ને હું નીકળ્યો નાશિકમાં સાંજે સાત વાગ્યે મિસળ શોધવા. ભલું થજો તુષાર મિસળનું. મને ત્યાં મિસળ મળી ગયું અને એ પણ અવ્વલ દરજ્જાનું
સંજય ગરોડિયા
આજકાલ મારે નાટકના શો માટે અલગ-અલગ શહેરમાં બહુ ફરવાનું થાય છે. હમણાં એવું બન્યું કે મારા નાટકનો શો નાશિકમાં હતો. સામાન્ય રીતે એક શો હોય તો અમે એવું કરીએ કે મુંબઈથી જ બસ કરી લઈએ. સત્તર સીટની એ બસ હોય. એમાં અમે બધા કલાકાર-ટેક્નિશ્યન આવી જઈએ અને અમારો સેટ ટ્રકમાં નાશિક પહોંચી જાય. બપોરના સમયે અમે તો નીકળ્યા બસમાં નાશિક જવા અને સાંજે સાત વાગ્યે નાશિક પહોંચ્યા. નાશિકમાં નાટકના ઑર્ગેનાઇઝરે અમારા માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી રાખી હતી પણ મિત્રો, મને થયું કે વર્ષમાં માંડ એકાદ-બે વાર મારે નાશિક જવાનું હોય તો પછી હું શું કામ ત્યાંની ફેમસ આઇટમનો આસ્વાદ તમારા સુધી ન પહોંચાડું.
હું તો નીકળ્યો રિક્ષા કરીને નાશિકનું પૉપ્યુલર મિસળ શોધવા પણ મિત્રો, કમનસીબી જુઓ. જ્યાં પણ જાઉં ત્યાં મને એક જ જવાબ મળે કે મિસળ તો સવારનો નાસ્તો છે, આ ટાઇમે ન મળે. હા, નાશિકમાં મોટા ભાગના જાણીતા લોકોને ત્યાં મિસળ સવારે જ મળે છે. મહામહેનતે મને એક જગ્યા એવી મળી જ્યાં મિસળ મળતું હતું. એ જગ્યા એટલે તુષાર મિસળ. નાશિકના કૉલેજ રોડ પર આવેલા આ તુષારનું મિસળ બહુ સરસ છે એટલે હું તો પહોંચ્યો તુષારમાં અને જઈને મેં ઑર્ડર કર્યો મિસળનો.
ADVERTISEMENT
તુષારની વાત કરતાં પહેલાં કહી દઉં, નાશિકમાં દસેક જગ્યાએ બહુ સરસ મિસળ મળે છે. આવું દરેક શહેરમાં બનતું હોય. સુરતમાં તમને આઠ-દસ જગ્યાએ ખમણી બહુ સરસ મળે તો રાજકોટના ગાંઠિયા બહુ વખણાય તો એ રાજકોટમાં આઠ-દસ જગ્યાએ બહુ સરસ મળે. નાશિકનું પણ એવું જ છે. આઠ-દસ જગ્યાએ બહુ સરસ મિસળ મળે. એ આઠ-દસ જગ્યામાં એક આ તુષાર.
મિસળનો ઑર્ડર કર્યો અને આવ્યું મારું મિસળ. મિત્રો, અહીં મિસળ આપવાની સ્ટાઇલ એકદમ જુદી છે. આપણે ત્યાં મળતું મિસળ લાલ ચટાકેદાર હોય છે પણ તુષારનું મિસળ લાલ નહીં, બ્રાઉન કલરનું હતું અને એમાં તેલનો એક છાંટો પણ નહીં. મિસળની સાથે પાંઉ હતાં અને સાથે એક પ્લેટ હતી જેમાં એક વાટકીમાં સેવ-ગાંઠિયા હતાં તો એક વાટકીમાં મગ હતા અને એક વાટકીમાં તરી હતી. આ તરી એટલે રસો. લાલચોળ તરી તમારે મિસળમાં ઉમેરતાં જવાની અને તીખાશ વધારતા જવાની. હા, આવેલું મિસળ પણ માફકસરનું તીખું તો હોય જ.
હું બહુ તીખું ખાતો નથી. તીખાશના ઘણા ગેરફાયદા છે પણ એમાંનો મોટો ગેરફાયદો એ કે તીખાશ તમારા અવાજનો બેઝ વધારી દે. નાટકમાં તમે કામ કરતા હો ત્યારે સ્ટેજ પરથી ડાયલૉગ્સ બોલવાના હોય, જે સ્પષ્ટ રીતે ઑડિયન્સને સંભળાય નહીં તો નાટક જોવાની તેમને મજા ન આવે.
મેં તો તરી ઉમેર્યા વિના જ મિસળ ખાવાનું શરૂ કર્યું અને મજા મજા પડી ગઈ. મિસળનો સ્વાદ અદ્ભુત હતો. આ મઠનું મિસળ હતું. ગાંઠિયા અને સેવ ઉમેરાવાના કારણે મિસળનો ટેસ્ટ બદલાતો હતો. પહેલાં મેં એકલું મિસળ ટ્રાય કર્યું. પછી પાંઉ સાથે ટ્રાય કર્યું અને છેલ્લે મેં એમાં ફરસાણ ઉમેરીને મિસળ ટ્રાય કર્યું. દરેક વખતે જુદો ટેસ્ટ અને આ એક ઉમદા ડિશની ખાસિયત છે અને આવી ખાસિયત ધરાવતી જગ્યાની જ ફૂડ-ડ્રાઇવ હું તમારી સાથે શૅર કરતો હોઉં છું.
નાશિક જવાનું બને તો નાશિકના બેસ્ટ કહેવાય એવા કોઈને પણ ત્યાં મિસળ ટ્રાય કરજો. તુષારમાં જવાનું બને તો અદ્ભુત, પણ ધારો કે તમને બીજું કોઈ નામ મળે તો ત્યાં પણ જઈ શકો છો. પણ હા, સવારે અગિયાર વાગ્યા પહેલાં જજો કારણ કે મિસળ સવારનો નાસ્તો છે.

