Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ગલગોટાનો શીરો ટ્રાય કરશો તમે?

ગલગોટાનો શીરો ટ્રાય કરશો તમે?

Published : 28 March, 2025 11:43 AM | Modified : 29 March, 2025 07:34 AM | IST | Mumbai
Darshini Vashi

દરેક તહેવાર અને પ્રસંગ જેના વગર અધૂરા છે એવું આ ફૂલ હેલ્થ અને રસોડામાં પણ વિશેષ સ્થાન ધરાવે છે

ગલગોટા

ગલગોટા


ગલગોટા એટલે કે મૅરિગોલ્ડ વગર તહેવારની રોનક અધૂરી લાગે છે. ગલગોટાનાં ફૂલોનો ઉપયોગ પૂજાથી લઈને દરવાજે લાગતાં તોરણ, રંગોળી અને સાજસજાવટમાં વર્ષોથી થતો આવ્યો છે; પણ શું તમને ખબર છે આ ફૂલોનો ઉપયોગ હેલ્થકૅર અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે પણ થઈ શકે છે? વિદેશોમાં ઘણા લોકો ગલગોટાનાં ફૂલોનો ઉપયોગ ખોરાક તરીકે તેમ જ હેલ્થ બેનિફિટ માટે કરે છે, આપણે ત્યાં એનો ઉપયોગ સુશોભનથી આગળ વધી શક્યો નથી.


ગલગોટાના ફૂલને હિન્દી ભાષામાં ગેંદા અને અંગ્રેજીમાં મૅરિગોલ્ડ કહેવામાં આવે છે એ દરેકને ખબર જ હશે, પણ ગલગોટાનું સંસ્કૃત નામ સ્થૂલ પુષ્પ છે એ કદાચ દરેકને ખબર નહીં હોય. સ્થૂલ પુષ્પનો અર્થ થાય છે મોટું ફૂલ અથવા તો ભરાવદાર ફૂલ જેના તેજસ્વી રંગોને સૂર્યની ઊર્જા અને જીવનશક્તિનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ઉપદેશો અનુસાર ગલગોટા શુદ્ધતા, શક્તિ અને નવી શરૂઆતનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે સ્વાભાવિક છે કે એની ધાર્મિક મહત્તા ઘણી છે. વિદેશના કેટલાક દેશોમાં પણ આ ફૂલ ધાર્મિક મહત્ત્વ તો ધરાવે જ છે અને સાથે એનો ઉપયોગ ખોરાક, આરોગ્ય અને અન્ય રીતે પણ થાય છે.




ગલગોટાની પૂરી

નાસ્તા પણ બને અને સ્વીટ પણ


ફૂડ-એક્સપર્ટ સંધ્યા સંપટ કહે છે, ‘આપણા દેશની ઘણી એવી વાનગીઓ છે જે વિસરાઈ ગયેલી છે. એમાંની એક છે મૅરિગોલ્ડ ફૂલનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી વાનગી. આપણા ગુજરાત અને મહારાષ્ટ્રમાં એની વાનગીઓ એટલી પ્રચલિત નથી પણ ઉત્તર ભારતમાં ઘણા લોકો એમાંથી વિવિધ વાનગીઓ તો બનાવે જ છે અને સાથે એનો ઉપયોગ ચામાં પણ કરે છે. આપણે પણ ગલગોટાનાં ફૂલોનો ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ બનાવી શકીએ છીએ, પરંતુ એ પહેલાં થોડી કાળજી કરી લેવી જરૂરી છે. સૌથી પહેલાં આ ફૂલો ક્યાંથી આવ્યાં છે એની ખાતરી કરી લેવી જોઈએ, કેમ કે જો ગમે તે જગ્યાએ ઊગેલાં હશે તો એમાં પોષક તત્ત્વો નહીં હોય. એટલે હું એક્ઝૉટિક ગલગોટાનાં ફૂલનો જ રસોઈમાં ઉપયોગ લેવાની સલાહ આપું છું. અથવા તો આપણા ગાર્ડનમાં કે પછી પ્રૉપર નર્સરીમાં ઊગતાં મૅરિગોલ્ડનો ઉપયોગ કરી શકાય. બીજું એ કે કેટલાંક ગલગોટામાં થોડો કડવો સ્વાદ હોઈ શકે છે, તેથી વપરાશ કરતાં પહેલાં પાંખડીના કડવા મૂળના ભાગને દૂર કરવો જોઈએ. તમે ગલગોટાનો શીરો, હલવો વગેરે બનાવી શકો છો અથવા તો એનાં પાનને અધકચરાં વાટીને એને ઉપર ભભરાવી પણ શકો છો. માત્ર સ્વીટ આઇટમ જ નહીં પણ સ્પાઇસી આઇટમમાં પણ એ ચટાકો વધારી શકે છે. સૂપમાં, પુલાવમાં, ભજિયામાં તેમ જ અન્ય ડિશમાં પણ એનો ઉપયોગ કરી શકો છો. હવે તો ઘણી ઑનલાઇન વેબસાઇટ પર પણ આ ફૂલોનો અર્ક વેચાય છે. જોકે વિદેશોમાં લોકો ગલગોટાનાં ફૂલોનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં છૂટથી કરે છે. અમુક ફૂડ-શોમાં પણ ગલગોટાના ફ્લાવરનો ઉપયોગ કરીને ફૂડ બનતું હોવાનું બતાવવામાં આવે છે. આ સિવાય સૅલડ, ચા તેમ જ ગાર્નિશિંગ તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય છે. કેટલાક લોકો ગલગોટાની પાંખડીઓનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં રંગ ઉમેરવા માટે પણ કરે છે. જોકે એને તળવા જેવી પ્રક્રિયા થકી આ ફ્લાવરનાં પોષક તત્ત્વો ઘટી શકવાની પણ સંભાવના વ્યક્ત કરાય છે. શ્રેષ્ઠ રીતે ઉપયોગમાં લેવા માટે એને હાથેથી વાટીને અથવા તો નાનાં-નાનાં સમારીને ઉપયોગમાં લેવાં જોઈએ પણ તળવાનું તો ઇગ્નૉર જ કરવું જોઈએ.’

ગલગોટાના પકોડા

મૅરિગોલ્ડનું તેલ તળવા માટે નથી

મૅરિગોલ્ડનું તેલ તળવા માટે ન લેવું જોઈએ. આ તેલનો ઉપયોગ માત્ર ડ્રેસિંગ પર્પઝ માટે જ કરવો જોઈએ એમ જણાવતાં ન્યુટ્રિશનિસ્ટ રશ્મિ ભાનુશાલી કહે છે, ‘અમુક તેલને તળવાથી એમાં રહેલાં પોષક તત્ત્વો નાશ પામે છે. ગલગોટાનાં ફૂલોમાંથી બનતા તેલનું પણ એવું જ છે. તળવાને લીધે આ તેલનાં પોષક તત્ત્વો તો નાશ પામે જ છે સાથે એની સ્મેલ પણ ખરાબ આવે છે અને ખોરાક સ્વાદહીન બની જાય છે. એના બદલે આ તેલનો માત્ર ડ્રેસિંગ પર્પઝ તરીકે જ યુઝ કરવો બેસ્ટ રહેશે. સૅલડ ઉપર કે પછી કોઈ શાક ઉપર આ તેલને ખાવાથી પણ પોષક તત્ત્વો મળી જશે અને આમ પણ આજકાલ મૅરિગોલ્ડના કોલ્ડ પ્રેસ્ડ ઑઇલની ડિમાન્ડ વધી રહી છે. એનું એક કારણ એ પણ છે કે ગલગોટાનાં ફૂલમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. ગલગોટા જ નહીં પણ દરેક ફૂલમાં ફાઇબર હોય જ છે. આમ તો આ ફૂલ દરેકની હેલ્થ-કન્ડિશનને માફક આવે એવું છે તેમ છતાં ડૉક્ટરની સલાહ લઈને જ એનું સેવન કરવું સલાહભર્યું છે. ગલગોટાનાં ફૂલોમાં પોષક તત્ત્વો પણ હોય છે. આંખના સ્વાસ્થ્ય માટે પણ ગલગોટા મદદરૂપ થાય છે. બ્યુટી-વેલનેસ ઉદ્યોગમાં મૅરિગોલ્ડનો વધુ ઉપયોગ થાય છે. એનો સ્વભાવ શીતલ છે અને અરોમા થેરપીમાં પણ એ ઉપયોગી છે.’

ગલગોટાનાં મફિન્સ

કેટલાક અભ્યાસો સૂચવે છે કે ગલગોટાનાં ફૂલોમાં વિટામિન C હોય છે. એમાં ખનિજોનો સારો સ્રોત છે. પોટૅશિયમ સૌથી વધુ વિપુલ પ્રમાણમાં હોય છે. કહેવાય છે કે ગલગોટામાં સુપરફૂડ ગણાતા અનાજ ક્વિનોઆ અને અન્ય ખાદ્ય ફૂલો કરતાં વધુ ખનિજ સામગ્રી હોય છે અને પાલક કરતાં વધુ આયર્ન હોય છે. ઘાયલ અંગોમાં રક્તપ્રવાહ વધારી શકે છે અને ત્વચાને મજબૂત બનાવતા કૉલેજનના ઉત્પાદનને વેગ આપી શકે છે. દરેક વસ્તુની બે બાજુઓ હોય છે એમ મૅરિગોલ્ડનું વધુપડતું સેવન હાનિકારક પણ સાબિત થઈ શકે છે.

આયુર્વેદ સાથે કનેક્શન

આપણા દેશની વાત કરીએ તો ૧૪મી સદીના આયુર્વેદિક ગ્રંથ રાજનિઘન્ટુમાં ‘ઝેન્ડુ’ ફૂલોનો ઉલ્લેખ છે, જે ગલગોટા જેવાં જ છે. લખાણમાં આ ફૂલોના ઔષધીય ગુણધર્મોની પણ ચર્ચા કરવામાં આવી છે. ગલગોટાનાં પાનની પેસ્ટ પરંપરાગત રીતે સ્નાયુઓમાં દુખાવો, ખીલ અને સનબર્નની સારવાર માટે શરીર પર લગાવવામાં આવે છે. ચીનના લોકો એનો ઉપયોગ ચામાં કરે છે. એવી જ રીતે ઘા રૂઝવવા એને ઈજાગ્રસ્ત ભાગ પર લગાવવામાં આવે છે. આયુર્વેદમાં ગલગોટાને પ્રકૃતિમાં ઠંડક આપનાર અને આમ, પિત્ત તેમ જ કફ દોષોને સંતુલિત કરનાર માનવામાં આવે છે. ગલગોટાના અર્કમાં મજબૂત ઍન્ટિસેપ્ટિક ગુણધર્મો હોવાનું માનવામાં આવે છે. એ ખીલ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

ક્યા બાત હૈ!

મહારાષ્ટ્રના નિકમવાડીમાં ગલગોટાના લીધે સમૃદ્ધિ આવી છે, જેને લીધે એ આજે ભારતનું ફૂલ ગામ એટલે કે ફુલાંચા ગાંવ તરીકે ઓળખાય છે. આ ગામ અને એની આસપાસના વિસ્તારોમાં આઠ પ્રકારનાં શેવંતી તેમ જ બારમાસી મૅરિગોલ્ડ ઉગાડવામાં આવે છે. એવી જ રીતે ઉત્તરાખંડ પ્રદેશની મહિલાઓ કપડાંને સજાવવા અને રંગવા માટે મૅરિગોલ્ડના કચરાનો ઉપયોગ કરે છે. લોકો મૅરિગોલ્ડનાં ફૂલોનો ઉપયોગ અલગ-અલગ પ્રસંગોમાં કરીને પછી ફેંકી દેતા હોય છે પરંતુ અહીંની મહિલાઓ આ ફૂલોને લઈ આવે છે અને એનો ઉપયોગ રંગકામ અને કાપડ પર સુંદર છાપ બનાવવા માટે કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2025 07:34 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK