રેગ્યુલર ગુજરાતી આઇટમો ઉપરાંત અહીં બધે ન મળતી લોચો-ખીચું જેવી વાનગીઓ અને ઢોકળા કેક જેવી એક્સક્લુઝિવ વસ્તુ પણ મળે છે
સુરત જઈને ટ્રેઇનિંગ લીધી અને વસઈમાં શરૂ કર્યો ગુજરાતી ચટાકો
વસઈ-વેસ્ટમાં કારિયા ફૅમિલીએ ‘ગુજરાતી ચટાકો’ નામનો એક ફૂડ-સ્ટૉલ શરૂ કર્યો છે જ્યાં ગુજરાતી ફૂડ અલગ-અલગ વરાઇટીના ઑપ્શન સાથે મળી રહ્યું છે. આ વિશે જાણકારી આપતાં ‘ગુજરાતી ચટાકો’નો હીર કારિયા કહે છે, ‘મારા ફાધર મૃત્યુ પામ્યા ત્યાર બાદ મારાં મમ્મી અલકાબહેનના માથે ઘર સંભાળવાની જવાબદારી આવી ગઈ હતી. મારા મામાઓ ફૂડ-બિઝનેસ સાથે જ સંકળાયેલા છે એટલે મારાં મમ્મી તેમની પાસેથી ખમણ વગેરે બનાવતાં શીખ્યાં હતાં અને ઘરેથી ગુજરાતી નાસ્તા બનાવવાનું ચાલુ કર્યું હતું. એમ કરતાં અમને મોટા કર્યા. મને અને મારા નાના ભાઈ બન્નેને પણ ફૂડ બનાવવામાં રસ હતો. અમે એવું ઇચ્છતા હતા કે હવે અમે એવી ગુજરાતી આઇટમો લઈને આવીએ જે મુંબઈમાં બહુ ઓછી જગ્યાએ મળે. ખાસ કરીને અમે જે એરિયામાં રહીએ છીએ ત્યાં ગુજરાતી ઑથેન્ટિક કહી શકાય એવી વાનગીઓ મળતી નથી એટલે એ શીખવા મારો નાનો ભાઈ મીર સુરત ગયો. ત્યાં તે બધી ડિશ ગુજરાતી પદ્ધતિથી કેવી રીતે બને છે એ શીખી આવ્યો અને અહીં આવીને પછી વસઈમાં એક શૉપ ખરીદી જ્યાં અમે ગુજરાતી વાનગીઓ બનાવીને પીરસવાની શરૂઆત કરી. આ વાતને આજે આઠ મહિના થઈ ગયા છે. અમે જાણીતી અને લોકપ્રિય વાનગીઓની સાથે નવી વરાઇટી પણ લઈને આવ્યા છીએ, જેમ કે ઢોકળા કેક.’
કેકની જેમ અહીં ઢોકળા કેક બનાવવામાં આવે છે જેના લેયરમાં કટ કરીને વચ્ચે મસાલા અને અન્ય સામગ્રી ઉમેરવામાં આવે છે અને ઉપર કોપરું, દાડમ, સેવ, કોથમીર અને વઘાર કરીને ડેકોરેશન કરીને સર્વ કરવામાં આવે છે. અમુક ગુજરાતી વાનગી એવી હોય છે જે મુંબઈમાં બધે મળતી નથી. એમાં ખીચુનું નામ આવે છે જે અહીં મળે છે. લોચો સુરતની ફેમસ આઇટમ છે અને લોકો ખાસ એને ખાવા માટે સુરત સુધી લાંબા થાય છે, જે અહીં મળે છે. એ પણ છ કરતાં વધુ વરાઇટીના. ખમણ-ઢોકળામાં પણ અલગ-અલગ વરાઇટી છે, જેમ કે કૉર્ન-પાલક ઢોકળાં, સુરતી ખમણ, અમીરી ખમણ, ઢોકળા કેક વગેરે. આ સિવાય પાતરાં, ખાંડવી, હાંડવો, ફાફડા-જલેબી જેવી બીજી પણ અનેક આઇટમ અહીં મળે છે.
ક્યાં મળશે? : ગુજરાતી ચટાકો, ગોકુલ પાર્ક, અંબાડી રોડ, વસઈ (વેસ્ટ)


