આવા પ્રકારનો કીમિયો અને સાહસ કેટલું સફળ થશે અને આવું અન્ય કેટલા કરશે એ તો ખબર નથી પણ અત્યારે તો આઇડિયા હિટ જઈ રહ્યો હોય એવું લાગે છે.
વે ટુ લેઝ, ઇન્ફિનિટી મૉલ, અંધેરી (વેસ્ટ)
અંધેરી ખાતે આવેલા મૉલની અંદર લેઝ કંપનીએ પોતાનો ફૂડ-સ્ટૉલ ખોલ્યો છે જેમાં લેઝમાંથી બનતી ચાટ આઇટમ્સ, સૅન્ડવિચ વગેરે પીરસવામાં આવે છે. જોકે અગાઉ ઘણા ચિપ્સ-લવર્સ પોતાના ઘરે ચિપ્સમાંથી આવાં સ્નૅક્સ બનાવતાં હતાં, પણ આવી રીતે કોઈ ચિપ્સની કંપની જ ચાટ આઇટમ બનાવીને વેચતી હોય એવું પ્રથમ વખત જ જોવા મળ્યું છે. આવા પ્રકારનો કીમિયો અને સાહસ કેટલું સફળ થશે અને આવું અન્ય કેટલા કરશે એ તો ખબર નથી પણ અત્યારે તો આઇડિયા હિટ જઈ રહ્યો હોય એવું લાગે છે.
ADVERTISEMENT
લેઝ ચીઝ ચાટ
ક્રન્ચી સૅન્ડવિચ
અંધેરી ખાતે આવેલા ઇન્ફિનિટી મૉલની અંદર થોડા દિવસ પહેલાં જ લેઝ કંપનીએ એક નાનકડું આઉટલેટ ખોલ્યું છે. દેખાવે નાની છતાં ઇન્ટીરિયર અને કલર કૉમ્બિનેશનના લીધે આ જગ્યા દૂરથી પણ ધ્યાન ખેંચે એવી છે. અત્યારે અહીં બે માણસો કામ કરે છે. સ્ટૉલ પર અલગ-અલગ ફ્લેવરની ચિપ્સનાં પૅકેટ મૂકેલાં હોય છે. બાજુમાં એક મેનુ લગાવેલું છે. અત્યારે માત્ર ત્રણ આઇટમ જ લેઝમાંથી બનાવીને આપવામાં આવે છે જેમાં ચીઝ ચાટ, લેઝ ચાટ અને સૅન્ડવિચનો સમાવેશ થાય છે. ચાટ આઇટમ કાગળના બાઉલમાં બનાવીને આપે છે. તમને જે ભાવે એ ફ્લેવરની લેઝનું પૅકેટ પસંદ કરવાનું રહે છે જેનો અધકચરો ભૂકો કરીને બાઉલમાં નાખવામાં આવે છે. પછી એમાં તમને જે ભાવે એ વેજિટેબલ્સ મિક્સ કરવા માટે કહેવામાં આવે છે. એના પર સેવ નાખવામાં આવે છે. આવી જ રીતે ચીઝ ચાટ પણ તૈયાર કરવામાં આવે, જેમાં ચીઝ નાખવામાં આવે છે. સૅન્ડવિચમાં બ્રેડની ઉપર લેઝની ચિપ્સ ગોઠવવામાં આવે છે અને ઉપર મેયો અને વેજિટેબલ્સ નાખી ટોસ્ટ કરવામાં આવે છે જેને ચટણી અને સૉસ સાથે પીરસવામાં આવે છે. આ ત્રણેય આઇટમના ભાવ અત્યારે એકસરખા જ રાખેલા છે. જોકે હજી સુધી ઘણા લોકોને આ સ્ટૉલ વિશે ખબર ન હોવાથી ગિરદી સાધારણ રહેતી હોય છે. મિની ભૂખ માટે અને કંઈક ચટરપટર ખાવાની ઇચ્છા થઈ જાય તો આ જગ્યા તમારા માટે પર્ફેક્ટ ડેસ્ટિનેશન બની રહેશે.
ક્યાં મળશે? : વે ટુ લેઝ, ઇન્ફિનિટી મૉલ, અંધેરી (વેસ્ટ)

