ગોળીઓનાં નિશાન સાથેની આ રેક્સ બેકરીનાં પાંઉ પણ એટલાં જ પ્રખ્યાત છે.
રેક્સ બેકરી
૨૬/૧૧ની તારીખ કોણ ભૂલી શકે? ખાસ કરીને મુંબઈકરો જેઓ મુંબઈને હચમચાવી દેનારી આતંકી ઘટનાના સાક્ષી બન્યા હતા. તળ મુંબઈમાં કોલાબા ખાતે સ્થિત અને ૨૬/૧૧ના આતંકવાદી હુમલામાં નિશાન બનેલું યહૂદીઓનું સમુદાય-કેન્દ્ર છાબડ હાઉસ તો યાદ હશેને? એ સમયે આ છાબડ હાઉસની બરાબર સામે આવેલી બેકરીને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું જેની દીવાલો પણ ગોળીથી વીંધી દેવામાં આવી હતી. આ ઘટનાને આજે બે દાયકા થઈ ગયા છે. ઘણુંબધું બદલાઈ ગયું છે છતાં આ રેક્સ નામક બેકરીએ આ આતંકી ઘટનાની નિશાની સમાન ગોળીઓનાં નિશાનને હજી જાળવી રાખ્યાં છે. કહેવાય છે કે આ દીવાલ પર ૯૦થી વધારે ગોળીનાં નિશાન છે જેને હાલમાં લાલ કલરથી હાઇલાઇટ કરવામાં આવેલાં છે.
રેક્સ બેકરી મુંબઈની સૌથી જૂની બેકરીઓમાંની એક બેકરી છે જેનાં પાંઉ દક્ષિણ મુંબઈમાં ખૂબ પ્રખ્યાત છે. એનું એક કારણ એ પણ છે કે અહીં પાંઉ અસ્સલ પદ્ધતિથી એટલે કે વુડફાયરથી બેક કરવામાં આવે છે જે ગમે તે સમયે તમે જાઓ તો ગરમ જ મળતાં હોય છે. ભલે તમે રાત્રે બે વાગ્યે જાઓ કે પછી વહેલી સવારે જાઓ, અહીંથી તમારે પાંઉ લીધા વિના પાછા આવવું નહીં પડે. ૨૪ કલાક અને ૩૬૫ દિવસ ખુલ્લી રહેતી આ બેકરી રોજનાં લગભગ ૧૫ હજાર જેટલાં પાંઉ વેચે છે. બેકરીની દીવાલ પર આતંકી હુમલાનો નિશાન બનેલી તાજ હોટેલનું એ સમયનું બિહામણું ચિત્ર પણ દોર્યું છે તેમ જ ગેટવે ઑફ ઇન્ડિયા અને એને અથડાતા સમુદ્રના પાણીને એવી સુંદર રીતે દોર્યાં છે કે અહીંથી પસાર થતા લોકો બે ઘડી માટે અહીં આ ચિત્ર જોવા માટે અટકી જાય છે. આ વિશાળ ચિત્રોની સાથે આતંકવાદી ઘટનાનો વિરોધ કરતાં સ્લોગન પણ અહીં લખીને મૂક્યાં છે જેને લીધે આ બેકરી લોકલ લોકો સહિત વિદેશીઓ માટે પણ આકર્ષણનું સ્થળ બની ગઈ છે. આ દીવાલ પર એક નાનીસરખી બારી બનાવવામાં આવી છે. માંડ એક હાથ અંદર ઘૂસી શકે એટલી બારીની અંદર હાથ નાખીને પાંઉ ખરીદી શકાય છે.
ક્યાં મળશે? : રેક્સ બેકરી, રજવાડકર સ્ટ્રીટ, છાબડ હાઉસની સામે, કોલાબા.

