યશસ્વી જાયસવાલની સદી સાથે ઑલરાઉન્ડર્સ આકાશ દીપ અને જાડેજા-વૉશિંગ્ટન ફિફ્ટી ફટકારીને ચમક્યા, એક ટેસ્ટ-સિરીઝમાં ભારત માટે હાઇએસ્ટ વ્યક્તિગત સદી નોંધાઈ
સદી ફટકાર્યા બાદ ફૅમિલી તરફ જોઈને ફ્લાઇંગ કિસ કરીને હાર્ટ બતાવ્યું હતું યશસ્વી જાયસવાલે. તેનો ભાઈ અને મમ્મી-પપ્પા સ્ટેડિયમમાં હાજર હતાં.
બીજી ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયા ૩૯૬ રનમાં ઑલઆઉટ, ૩૭૪ રનના ટાર્ગેટ સામે ત્રીજા દિવસના અંતે ઇંગ્લૅન્ડનો સ્કોર એક વિકેટે ૫૦
ઓવલ ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે પહેલાં બન્ને સેશનમાં ભારતીય ટીમે ધમાકેદાર બૅટિંગ કરીને ઇંગ્લૅન્ડના બોલર્સને પરેશાન કર્યા હતા. બીજી ઇનિંગ્સમાં ૮૮ ઓવરમાં ભારતીય ટીમે યશસ્વી જાયસવાલની સદી અને ત્રણ ઑલરાઉન્ડર્સની યાદગાર ફિફ્ટીના આધારે ઑલઆઉટ થઈને ૩૯૬ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ૨૨૪ રન કરનાર ભારતીય ટીમે યજમાન ટીમને ૩૭૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૪૭ રન કરનાર ઇંગ્લૅન્ડે ત્રીજા દિવસના અંતે એક વિકેટ ગુમાવીને ૫૦ રન કર્યા હતા. જીત માટે યજમાન ટીમને હવે ૩૨૪ રન અને મહેમાન ટીમને ૯ વિકેટની જરૂર છે.
ADVERTISEMENT
સુંદરે અંતિમ ઓવર્સમાં ૪૬ બૉલમાં ૫૩ રનની ઇનિંગ્સ રમી હતી.
ત્રીજા દિવસે ભારતીય ટીમે ૧૯મી ઓવરમાં ૭૫-૨ના સ્કોરથી બીજી ઇનિંગ્સને આગળ ધપાવી હતી. બીજા દિવસના અંતે નાઇટ વૉચમૅન બનીને આવેલા આકાશ દીપે (૯૪ બૉલમાં ૬૬ રન) ૧૨ ફોરના આધારે પોતાની ટેસ્ટ-કરીઅરની પહેલી ફિફ્ટી ફટકારી હતી. તેણે ત્રીજી વિકેટ માટે શતકવીર ઓપનર યશસ્વી જાયસવાલ (૧૬૪ બૉલમાં ૧૧૮ રન) ૧૫૦ બૉલમાં ૧૦૭ રનની ભાગીદારી કરી હતી. લંચ બાદ તરત કૅપ્ટન શુભમન ગિલ (નવ બૉલમાં અગિયાર રન)ની વિકેટ પડી હતી. તે ભારત માટે પહેલી વાર પાંચ કે એથી નીચેના ક્રમે બૅટિંગ કરવા આવ્યો હતો.
૧૪ ફોર અને બે સિક્સર ફટકારનાર યશસ્વીએ કરુણ નાયર (૩૨ બૉલમાં ૧૭ રન) સાથે પાંચમી વિકેટની ૪૦ રન અને ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સાથે છઠ્ઠી વિકેટ માટે ૪૪ રનની પાર્ટનરશિપ કરીને ટીમનો સ્કોર ૨૭૦ રનને પાર પહોંચાડ્યો હતો.
ઑલરાઉન્ડર રવીન્દ્ર (૭૭ બૉલમાં ૫૩ રન)એ અહીંથી વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલ (૪૬ બૉલમાં ૩૪ રન) સાથે સાતમી વિકેટની ૫૦ રનની અને વૉશિંગ્ટન સુંદર સાથે આઠમી વિકેટની ૩૪ રનની ભાગીદારીને આધારે સ્કોર ૩૫૦ રનને પાર કર્યો હતો. પૂંછડિયા બૅટર પ્રસિદ્ધ ક્રિષ્ના (બે બૉલમાં ઝીરો રન)ને નૉન-સ્ટ્રાઇકર એન્ડ પર રાખીને વૉશિંગ્ટન સુંદર (૪૬ બૉલમાં ૫૩ રન)એ અંતિમ વિકેટ માટે ૩૯ રન જોડીને વિશાળ ટાર્ગેટ સેટ કર્યો હતો. અંતિમ ઓવર્સમાં તેણે ચાર ફોર અને ચાર સિક્સરની ફટકાબાજી પણ બતાવી હતી.

