ટૉરોન્ટોમાં અમે ફૅન્સી ઢોસા હાઉસ નામની એક રેસ્ટોરાંમાં ગયા અને ભાતભાતના ઢોસાની લાંબી યાદી મારી સામે આવી ગઈ. હું તો એ નામો વાંચીને આભો રહી ગયો
સંજય ગરોડિયા
હું ઇન્ડિયા પાછો આવી ગયો છું પણ આપણે આ વખતે પણ ફૂડ-ડ્રાઇવ કરવાની છે કૅનેડાના ટૉરોન્ટો શહેરની. આ વખતે ખબર નહીં પણ કેમ મને એવું જ થતું હતું કે હું કૅનેડામાં આપણી ઇન્ડિયન વરાઇટીઓ શોધું અને એની ફૂડ-ડ્રાઇવ કરું. સામાન્ય રીતે હું જે-તે દેશ-પ્રદેશમાં જઈને ત્યાંની આઇટમ ખાવાની પસંદ કરું અને મિત્રો, એની જ મજા છે પણ આ વખતે મને કૅનેડામાં આપણું ફૂડ કેવું મળે છે એ જોવું હતું તો સાથોસાથ આપણું ફૂડ ટૉરોન્ટોમાં ક્યાં બેસ્ટ મળે છે એ પણ તમારા સુધી પહોંચાડવું હતું.
બપોરનો સમય હતો અને મારા ઑર્ગેનાઇઝરે મને પૂછ્યું કે આજે શું ખાવા જવું છે. મેં તરત જ તેને કહ્યું કે આપણે આજે સાઉથ ઇન્ડિયન ફૂડ શોધીએ. તરત મને કહે ચાલો, મસ્ત જગ્યાએ લઈ જઉં અને અમે ગયા ઓન્ટારિયો નામના એરિયામાં. મિત્રો, આપણે ત્યાં મુંબઈમાં જેમ બોરીવલી, કાંદિવલી, મલાડ એમ અલગ-અલગ સબર્બ્સ છે એવી જ રીતે કૅનેડામાં પણ ઘણાં સબર્બ્સ છે. એમાંથી એક સબર્બ એટલે ઓન્ટારિયો. આ ઓન્ટારિયોમાં ફૅન્સી ઢોસા હાઉસ નામની રેસ્ટોરાં હતી. અમે તો ગયા ત્યાં. રેસ્ટોરાંમાં એકલદોકલ કસ્ટમર હતા. ખાસ્સી મોટી રેસ્ટોરાં એટલે એવું જ લાગે કે એ ખાલી છે. પૂછપરછ કરી તો ખબર પડી કે આડો વાર હતો એટલે બપોરે બહુ ક્રાઉડ નથી હોતું પણ રાતના સમયે લોકો રેસ્ટોરાંમાં આવતા હોય છે.
ADVERTISEMENT
મેં મેનુ પર નજર કરી અને મેનુ પણ એકદમ લાંબુંલચક. ધારો નહીં એવાં નામોની એ બધી આઇટમ હતી. બધેબધી ઢોસાની આઇટમ હતી પણ રેસ્ટોરાંનું નામ હતું એવી જ ફૅન્સી વરાઇટી હતી. હું તો એ મેનુ વાંચીને આભો રહી ગયો. અમુક નામો તો મને મોઢે થઈ ગયાં. દિલખુશ ઢોસા, રાજારાણી ઢોસા, રજવાડી ઢોસા અને એવા બીજા અનેક ઢોસા હતા. મારી કૅપેસિટી મૅક્સિમમ દોઢ ઢોસો ખાવાની અને મારે તો એમાંથી ઘણી આઇટમ ટ્રાય કરવી હતી એટલે મેં બધાને કહી દીધું કે ઑર્ડર આપવાની જવાબદારી મારી. બસ, હું જે મગાવું એ તમારે ખાવાનું છે.
મેં જે મગાવ્યા એમાંથી અમુક ઢોસાની મારે વાત કરવી છે.
એક છે ગોટાળો ઢોસા. આ જે ગોટાળો ઢોસા છે એ મૂળ સુરતની આઇટમ. લીલું લસણ, ચીઝ અને બટરમાંથી આ ગોટાળો બને જેને તમારે ઢોસા સાથે ખાવાનો. કૅનેડામાં મેં જે ગોટાળો ઢોસો ખાધો એવો ટેસ્ટી ગોટાળો તો મેં સુરતમાં પણ નથી ખાધો. બને કે કદાચ એ કૅનેડાની ફ્રેશ શાકભાજીની કમાલ હોય. એ પછી મેં મગાવ્યો ઓપન પીત્ઝા ઢોસા. આ જે ઓપન પીત્ઝા ઢોસા છે એ હવે આપણે ત્યાં મળતા થયા છે. ઓપન પીત્ઝા ઢોસામાં સહેજ જાડા ઢોસાને એકદમ કડક કરી નાખવામાં આવે અને એ પછી એના પર પીત્ઝાના સૉસ અને એના પર બધાં વેજિટેબલ્સ અને ચીઝ ભભરાવીને તમને આપે. ઓપન પીત્ઝા ઢોસામાં પણ મને જામલો પડી ગયો. એનું કારણ મને રેસ્ટોરાંના ઓનરે સમજાવતાં કહ્યું કે આ અમારા ચીઝની કમાલ છે.
ઢોસાની સાથે ત્યાં ત્રણ પ્રકારની ચટણી આપવામાં આવતી હતી. ટમેટા-લસણની લાલ ચટણી, કોપરાની સફેદ ચટણી અને મરચાં-ફુદીનાની ગ્રીન ચટણી. ચટણી સરસ હતી પણ ચટણી કરતાં મને વધારે મજા આવી સાંભારમાં. ડિટ્ટો સાઉથ જેવો જ સાંભાર. એકદમ થિક અને એમાં બધાં વેજિટેબલ્સ. મને લાગે છે કે સાંભારમાં પણ કૅનેડાની ફ્રેશ શાકભાજીની કમાલ દેખાતી હતી. હું એક વાટકો તો સાંભાર એમનેમ જ પી, સૉરી ખાઈ ગયો. મજાની વાત તો એ હતી કે અહીં સાંભાર અને ચટણી અનલિમિટેડ હતાં. મોટા ભાગે ફૉરેનના દેશોમાં એવું બનતું હોય કે તમે એક્સ્ટ્રા મગાવો એટલે તમારે એના પૈસા ચૂકવવા પડે, પણ ફૅન્સી ઢોસામાં એવું નહોતું.
મિત્રો, હું તમને બધાને કહીશ કે તમારાં જો કોઈ સગાંવહાલાં કે મિત્રો કૅનેડામાં હોય અને આપણું ફૂડ તે મિસ કરતા હોય તો તેમને કહેજો એક વાર ટૉરોન્ટોના આ ફૅન્સી ઢોસા હાઉસમાં જાય. તમને ગૅરન્ટી સાથે કહું છું, તેમને જામલો પડી જાશે.

