અમદાવાદની મારા નાટકની ટૂર ગોઠવાઈ કે તરત મેં તો ડાયરી કાઢીને હિતેશ ભગતના ઘૂઘરાનું ઍડ્રેસ પાક્કું કરી લીધું અને બીજા દિવસે સાંજે હું તો પહોંચી ગયો હિતેશ ભગતના ઘૂઘરા ખાવા.
સંજય ગોરડિયા
‘લાગે-બાગે લોહીની ધાર, હિતેશ ભગતનું નામ નહીં...’
આ વાક્ય મારા મનમાં ઘર કરી ગયું, એ સાંજથી જે સાંજે મેં અમદાવાદમાં ફાયર ઘૂઘરા ખાધા. હા, ફાયર ઘૂઘરા. મને આ આઇટમ કેવી રીતે મળી એની વાત પહેલાં કરું. બન્યું એમાં એવું કે હાસ્યકલાકાર અને મારા મિત્ર એવા નીતિન દેસાઈએ મને ફોન કરીને કહ્યું કે સંજય, તું અમદાવાદ જાય ત્યારે ભૂલ્યા વિના સૅટેલાઇટમાં રામદેવનગરમાં હિતેશ ભગતના ઘૂઘરા ટ્રાય કરજે, તને બહુ મજા આવશે. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં, આ હિતેશ ભગતના ઘૂઘરા હિતેન ભગતના ઘૂઘરા તરીકે પણ ઓળખાય છે. તમને તેની જ દુકાને આ બન્ને નામ વાંચવા મળે. આવું શું કામ એ વિશે વિચારવાને બદલે આપણે જેની ચર્ચા કરવા મળ્યા છીએ એ ઘૂઘરાની વાત કરીએ.
ADVERTISEMENT
અમદાવાદની મારા નાટકની ટૂર ગોઠવાઈ કે તરત મેં તો ડાયરી કાઢીને હિતેશ ભગતના ઘૂઘરાનું ઍડ્રેસ પાક્કું કરી લીધું અને બીજા દિવસે સાંજે હું તો પહોંચી ગયો હિતેશ ભગતના ઘૂઘરા ખાવા. દુકાન સાવ નાની, પણ સ્વચ્છતા એક નંબર. દુકાનની બહાર બોર્ડ પર લખ્યું હતું કે અમારી દુકાન સ્વામીનારાયણ દુકાન છે; અમે કોઈ પણ આઇટમમાં કાંદા, લસણ કે હિંગ નાખતા નથી. આપણે તો એવું માનતા હોઈએ કે કાંદા અને લસણથી આઇટમનો સ્વાદ ઊભરે અને હિંગથી આઇટમમાં સોડમ ઉમેરાય, જ્યારે આ માણસ એ જ વાપરતો નથી તો પછી તેની આઇટમ સ્વાદિષ્ટ કેવી રીતે હોઈ શકે? મનમાં આ અવઢવ સાથે મેં દુકાનની બહાર લખેલા મેનુ પર નજર કરી. પાંચ જ આઇટમ બનાવે છે અને હવે એકાદ-બે આઇટમ તે વધારવાના છે. મેનુમાં મેં એક નવી વાત વાંચી કે અમે આલ્કલાઇન મસાલા વાપરીએ છીએ. માળું બેટું આ નવું. આલ્કલાઇન વૉટર હોય, મસાલા વળી કેવા હોય? મેં પૂછપરછ કરી તો મને હિતેશ ભગતે કહ્યું, અમારાં બધાં ઇન્ગ્રીડિઅન્ટ્સ આલ્કલાઇન છે, એ ભલે ગમે એટલાં તીખાં હોય પણ એની તીખાશ તમને ક્યાંય હેરાન નહીં કરે કે શરીરમાં નુકસાન નહીં પહોંચાડે.
મેં તો મગાવ્યા ફાયર ઘૂઘરા. આ ફાયર ઘૂઘરા આપતાં પહેલાં હિતેશ ભગત તમારી પાસે બોલાવે કે લાગે-બાગે લોહીની ધાર, હિતેશ ભગતનું નામ નહીં. આ જે ઘૂઘરા છે એ મોઢામાં આગ જન્માવે એવા તીખા હોય છે પણ સાહેબ, જલસો પાડી દે એની ગૅરન્ટી મારી. ઘૂઘરામાં તે ત્રણ ચટણી નાખે છે જેમાં એક રાજકોટની પેલી પૉપ્યુલર લીલી ચટણી પણ આવી ગઈ. આ હિતેશ ભગત પોતે મૂળ રાજકોટના છે એટલે તેની આઇટમમાં રાજકોટની પેલી જાણીતી ચટણી તમને જોવા મળે જ મળે.
ફાયર ઘૂઘરામાં જે ત્રીજી ચટણી છે એ લાલ ચટણી પ્યૉર લાલ મરચાંની ચટણી છે, એમાં લસણ નામે નથી હોતું પણ એમ છતાં એ ચટણીનો ટેસ્ટ લાજવાબ છે. ઘૂઘરા લેવાના, એની વચ્ચે સહેજ કાણું પાડીને એમાં ત્રણે ચટણીઓ પાથરવાની અને પછી એના પર સેવ અને મસાલા સિંગ નાખીને તમને આપે. સાહેબ, મજા-મજા પડી ગઈ. એ પછી મેં મગાવી પોટલી ભેળ. આ જે પોટલી ભેળ છે એ પણ આમ તો રાજકોટમાં મળતી ભેળ જ છે. આપણે ત્યાં મમરા અને સેવની ભેળ બને પણ રાજકોટમાં ચવાણું અને ગાંઠિયામાંથી ભેળ બનાવે અને આ ફરસાણ નાખતાં પહેલાં એમાં મીઠી ચટણી નાખવામાં આવે એટલે એ ભીની ભેળ બને. આ પોટલી ભેળમાં પણ મને રાજકોટની યાદ આવી ગઈ અને મજા પડી. પણ મિત્રો, મને સૌથી વધારે મજા જો કોઈ વાતમાં આવી હોય તો એ છે હિતેશ ભગતનું એક વાક્ય. હિતેશ ભગત આ બધું બનાવતાં-બનાવતાં એક વાત બોલ્યા, ‘કોઈ એવું કહેવું ન જોઈએ કે લાલ ટીકાવાળો અમને છેતરી ગયો.’
સાહેબ, આ જે ખુદ્દારી છે એ ખુદ્દારીનો સ્વાદ તેમની આઇટમમાં ઉમેરાય છે એ મારે કહેવું જ જોઈએ. આ પ્રકારનો ગર્વ જેને પોતાના કામ પર છે એ માણસ વેપાર-ધંધામાં ભલે નાનો હોય, પણ તેની શાખ બહુ મોટી હોય છે.

