Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > તમે પણ આંબલી ખાતા થઈ જશો આ વાંચીને

તમે પણ આંબલી ખાતા થઈ જશો આ વાંચીને

Published : 04 September, 2025 11:58 AM | Modified : 04 September, 2025 12:02 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

આંબલીનાં બીમાં જ નહીં, આંબલીમાં પણ પોષક તત્ત્વો સારા પ્રમાણમાં હોય છે અને એટલે જ ઘણા કલ્ચરમાં આંબલીના પલ્પનો વિવિધ વાનગીમાં છૂટથી ઉપયોગ પણ થાય છે

આંબલીના ઝાડ સાથે ડૉ. મહેશકુમાર દધિચ

આંબલીના ઝાડ સાથે ડૉ. મહેશકુમાર દધિચ


આજકાલ સોશ્યલ મીડિયા પર આંબલીનાં બીજ એટલે કે કચૂકાથી સંધિવાતમાં લાભ થતો હોવાનો દાવો ચાલી રહ્યો છે. આંબલીનાં બીમાં જ નહીં, આંબલીમાં પણ પોષક તત્ત્વો સારા પ્રમાણમાં હોય છે અને એટલે જ ઘણા કલ્ચરમાં આંબલીના પલ્પનો વિવિધ વાનગીમાં છૂટથી ઉપયોગ પણ થાય છે. આજે જાણીએ કે કઈ રીતે આ ખટમીઠું ફળ ઉપયોગી છે 


મોટે ભાગે મહિલાઓની ફેવરિટ આઇટમ ગણાતી અને મોઢામાં પાણી લાવતી આંબલી ચર્ચામાં છે. ઇન્ટરનેટ પર આંબલીના બીજનો પાઉડર આર્થ્રાઇટિસ એટલે કે સંધિવાતને દૂર કરવામાં ઉપયોગી છે એવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ શું ખરેખર એવું છે? આંબલી વિટામિન Cથી ભરપૂર છે તો એના શેકીને પાઉડર કરેલા બીજમાં પ્રોટીન, ડાયેટરી ફાઇબર, કાર્બોહાઇડ્રેટ હોય છે. આંબલીનાં બિયાંમાં મૅગ્નેશિયમ અને પોટૅશિયમ પણ હોય છે. જોકે ૨૦૧૫માં થયેલું એક પ્રારંભિક સંશોધન કહે છે કે આંબલીના બીજના એક્સ્ટ્રૅક્ટ અને પાઉડર ઍન્ટિ-આર્થ્રાઇટિક એટલે કે સંધિવાતમાં મદદરૂપ બનતા, સોજા ઘટાડતા અને સ્ટ્રેસ ભગાડતા એજન્ટ તરીકે પણ ઉપયોગી છે. આપણા રોજબરોજના જીવનમાં પણ આંબલીનો મબલક પ્રમાણમાં ઉપયોગ થતો આવ્યો છે ત્યારે આંબલી અને એનાં બીજના હેલ્થ બેનિફિટ્સ વિશે જાણી લો.




શું કામ મહત્ત્વની?

આયુર્વેદમાં આંબલીને ચીંચા તરીકે ઓળખવામાં આવે છે અને હજારો વર્ષ જૂના ગ્રંથોમાં આંબલીના સેવનનો ઉલ્લેખ પણ છે. વૃક્ષ આયુર્વેદના સ્પેશ્યલિસ્ટ અને નૅશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડના અધ્યક્ષ ડૉ. મહેશકુમાર દધિચ કહે છે, ‘આંબલીના ચાર-પાંચ પ્રકારો છે પરંતુ સામાન્ય રીતે આપણે ત્યાં દેખાતી આંબલીના ફળ ઉપરાંત એનાં પાંદડાં, એનાં બીજ, ફૂલ એમ દરેકના કોઈ ને કોઈ ઔષધિય લાભ છે. ખાસ કરીને પાચનની સમસ્યા, હૃદયરોગ અને કાયાકલ્પના આયુર્વેદની દૃષ્ટિએ આંબલીનો વિશેષ ઉપયોગ છે. આંબલીના ફળમાંથી મળતો પલ્પ વિટામિન Cથી ભરપૂર છે અને એટલે જ જૂના જમાનામાં લાંબા દરિયાઈ સફર પર જતા લોકો મોશન સિકનેસ નિવારવા અને ઇમ્યુનિટીને બહેતર બનાવવા માટે આંબલીને પોતાની સાથે રાખતા. આંબલીમાં વિટામિન A અને B કૉમ્પ્લેક્સનું પ્રમાણમાં પણ સારું છે. આંબલીનાં બીજ આયર્ન, કૅલ્શિયમ, ફૉસ્ફરસ, પોટૅશિયમ અને મૅગ્નેશિયમની સારીએવી માત્રા ધરાવે છે. દ્રવ્ય ગુણની દૃષ્ટિએ જોઈએ તો આંબલી સ્વાદમાં ખાટી-મીઠી, ભારે, સૂકી, ગરમ પ્રકૃતિની હોય છે. વાત અને કફ દોષને શાંત કરે છે પરંતુ વધુપડતું સેવન પિત્તને વધારે છે. જેમને ભૂખ ન લાગતી હોય, પાચન નબળું હોય અને કબજિયાત જેવું હોય તેમના માટે એ ઉપયોગી છે. આંબલીનાં બીજ પાચન સંબંધિત સમસ્યાઓ અને કૉલેસ્ટરોલ ઘટાડવામાં મદદ કરે છે.’


મલ્ટિપર્પઝ ઉપયોગ

સેંકડો વર્ષ પહેલાં આફ્રિકાથી ભારતમાં પ્રવેશેલી આંબલી ભારતની એટલી પોતાની થઈ ગઈ કે એના બૉટનિકલ નામ Tamarindus indica (ભારતની આંબલી)માં ભારતનો ઉલ્લેખ થાય છે. અરબી ભાષામાં આંબલીને ભારતની ખજૂર તરીકે નવાજવામાં આવે છે. ઇન ફૅક્ટ, આપણે ત્યાં આંબલીના પલ્પનો ઉપયોગ તાંબા અને પિત્તળનાં વાસણોને સાફ કરવા માટે થાય છે કારણ કે એમાં રહેલું ટાર્ટરિક ઍસિડ કુદરતી પૉલિશિંગ એજન્ટ તરીકે કામ કરે છે. ડૉ. મહેશ કહે છે, ‘આ વૃક્ષ દુષ્કાળ પ્રતિરોધક છે અને ખારાશવાળી જમીનમાં પણ ઊગી શકે છે. ફિલિપીન્સ અને વિયેતનામ જેવા દેશોમાં આંબલીનાં ફૂલોનો ઉપયોગ સૅલડમાં થાય છે, જ્યારે કાચાં ફળોનો ઉપયોગ સૂપ અને કરીમાં ખાટા સ્વાદ માટે થાય છે. પાકેલી આંબલીના પલ્પનો આયુર્વેદની દૃષ્ટિએ  હૃદયની નબળાઈ, ભૂખ ન લાગવી, અપચો અને મૂત્ર સંબંધી સમસ્યાઓમાં ઉપયોગ થાય છે જ્યારે આંબલીનાં બીજને શક્તિશાળી, કામોત્તેજક અને પાચનકર્તા તરીકે ઓળખવામાં આવે છે. મરડો અને ઝાડામાં આંબલીનાં બીજ ઉપયોગી છે. બળતરાવાળા સોજા હોય, સાંધાનો દુખાવો હોય અથવા ચામડીના રોગો હોય ત્યારે આંબલીના ઝાડનાં પાંદડાંની પેસ્ટ લગાવવામાં આવે છે. આંબલીના ફળના પલ્પની ગરમ પોટલી બળતરાવાળા સોજા અને સંધિવા પર લગાવવામાં આવે છે. ઉકાળેલાં બીજનો ઉપયોગ ફોલ્લાઓ, સોજાવાળાં અંગો અને સ્થાનિક દુખાવા માટે પોટલી તરીકે થાય છે. તાજા પાંદડાની પોટલી ફોલ્લાઓ, સાંધાઓ અને આંખના દુખાવા પર લગાવવામાં આવે છે. સૂકા પાંદડાના પાઉડરનો ઉપયોગ દુર્ગંધયુક્ત ચાંદાં અને ઘા પર ડસ્ટિંગ પાઉડર તરીકે થાય છે. સ્થૂળતામાં શરીરની દુર્ગંધ દૂર કરવા માટે પાંદડાંનો રસ લગાવવામાં આવે છે અને અમુક આંખના રોગો માટે એને દૂધ સાથે ભેળવવામાં આવે છે.’

શું ધ્યાન રાખશો?

લોહી પાતળું કરતી દવાઓ સાથે આંબલીના બીજનું સેવન સાઇડ ઇફેક્ટ્સ કરી શકે. કેટલાક લોકોને આંબલીના બીજથી ઍલર્જી થઈ શકે છે. વધુ માત્રામાં લેવાથી ઊબકા, ઊલટી અથવા ઝાડા જેવી પાચન સંબંધી તકલીફો થઈ શકે છે. આંબલીના બીજથી સેરોટોનિન ટૉક્સિસિટી થઈ શકે છે, જે ઍન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓ લેતા લોકો માટે હાનિકારક છે.

કચૂકા હેલ્ધી છે?

આંબલીનાં બીજને શેકીને કચૂકા તરીકે ખાવાની પ્રથા ભારતમાં ખૂબ જ પ્રચલિત છે. ખાસ કરીને ગામડાંઓમાં અને શેરીના ખૂણે પણ લોકો એને શેકીને ખાતા હોય છે. કાચા આંબલીના બીજને પાણીમાં ઉકાળવામાં આવે છે, જેથી એનું ઉપરનું કડક પડ નરમ થઈ જાય. ત્યાર બાદ એને તડકામાં સૂકવવામાં આવે છે. સંપૂર્ણ સુકાઈ ગયા બાદ આ બીજને ધીમા તાપે રેતીમાં શેકવામાં આવે છે. શેક્યા પછી બીજનું ઉપરનું કાળું પડ સહેલાઈથી કાઢી શકાય છે અને અંદરનો સફેદ ભાગ ખાવા માટે તૈયાર થાય છે. આ કચૂકાનો સ્વાદ થોડો મીઠો અને ખારો હોય છે. કચૂકામાં પ્રોટીન, ડાયટરી ફાઇબર અને મિનરલ્સ ભરપૂર હોય છે. શેકીને ખાવાથી એ પાચનમાં પણ સરળ બને છે. જોકે એનું વધુપડતું સેવન કરવાથી પેટમાં દુખાવો, પેટ ફૂલવું, ગૅસ અથવા ઝાડા જેવી પાચન સંબંધિત તકલીફો થઈ શકે છે.

પરંપરાગત વાનગીઓમાં આંબલી નાખવાથી થતા આરોગ્ય લાભો

રસમ: પાચન સુધારે, ગૅસ દૂર કરે, ભૂખ વધારે અને રોગપ્રતિકારક શક્તિ વધારે.

આંબલીની ચટણી: પાચનમાં મદદ કરે, ભારે ભોજનને સંતુલિત કરે અને વાતને શાંત કરે.

આંબલીનું શરબત : શરીરને ઠંડું કરે, હીટ સ્ટ્રોકથી બચાવે.

સાંભાર: પ્રોટીન અને સૂક્ષ્મ પોષક તત્ત્વો પૂરાં પાડે છે.

આંબલી કૅન્ડી: માઉથ ફ્રેશનર તરીકે કામ કરે, પાચક એન્ઝાઇમ્સને ઉત્તેજિત કરે.

તમને ખબર છે?

સાઉથ ઇન્ડિયામાં પ્રચલિત સંગીતવાદ્ય તંબૂરો બનાવવા માટે આંબલીના ઝાડના લાકડાનો ઉપયોગ થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2025 12:02 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK