અહીં શીખો પનીર માલપૂઆ
પનીર માલપૂઆ
સામગ્રી : ૧૦૦ ગ્રામ મલાઈ પનીર, ૧/૪ કપ મિલ્ક પાઉડર, ૧/૪ કપ દૂધ, ૧ વાટકી બારીક ઘઉંનો લોટ /મેંદો, ૧ ચમચી અધકચરી લીલી વરિયાળી, ૧/૪ ચમચી એલચી પાઉડર, ૧ ચમચો બદામ-પિસ્તાંનો ભૂકો, તળવા માટે તેલ. ચાસણી માટે ૧ કપ પાણી, ૧૧/૨ કપ સાકર, ૧/૪ ચમચી એલચી પાઉડર, ચપટીક કેસર.
રીત : પાણીમાં સાકર નાખીને ઊભરો આવે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળો. ચાસણીમાં ચીકાશ આવે ત્યાં સુધી ગરમ કરો. તારવાળી ચાસણી ન કરવી, નહીંતર માલપૂઆ ચાસણી પીશે નહીં. એલચી અને કેસર નાખી દો. મિક્સરમાં પનીરના ટુકડા, મિલ્ક પાઉડર, વરિયાળી, એલચી, દૂધ, બદામ-પીસ્તાં નાખીને પેસ્ટ કરો. હવે આ પેસ્ટમાં ઘઉંનો લોટ થોડો-થોડો નાખીને મિક્સ કરો. જરૂર લાગે તો થોડું દૂધ નાખી શકાય. બહુ જાડું અથવા પાતળું ન કરવું. આને ૨૦ મિનિટ રેસ્ટ આપો. એક પૅનમાં થોડું તેલ ગરમ કરી નાના ગોળ ચમચાથી એક સાઇઝના માલપૂઆ બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. હૂંફાળી ગરમ ચાસણીમાં ૧૫ મિનિટ ડુબાડી રાખો અને પછી કાઢીને પ્લેટમાં સર્વ કરો. રબડી કે વૅનિલા આઇસક્રીમ સાથે બેસ્ટ લાગશે.
