Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હાથચાલાકી જોરદાર હતી, પણ પોલીસના હાથ લાંબા નીવડ્યા

હાથચાલાકી જોરદાર હતી, પણ પોલીસના હાથ લાંબા નીવડ્યા

Published : 08 April, 2026 07:02 AM | Modified : 08 April, 2026 12:25 PM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ઘાટકોપરના ધાર્મિક પ્રસંગમાંથી સોનાના બિસ્કિટની તફડંચી કરનારાને થોડા જ કલાકોમાં પકડી લેવાયો

ઘાટકોપરના પરમ કેશવ બાગના એક ધાર્મિક પ્રસંગમાંથી સોનાની લગડી લઈને પલાયન થઈ ગયેલી વ્યક્તિ.

ઘાટકોપરના પરમ કેશવ બાગના એક ધાર્મિક પ્રસંગમાંથી સોનાની લગડી લઈને પલાયન થઈ ગયેલી વ્યક્તિ.


ઘાટકોપર-વેસ્ટમાં વરસીતપનાં પારણાંના પ્રસંગે નવરોજી લેનના પરમ કેશવ બાગમાં યોજાયેલા સાંજીના કાર્યક્રમમાં છેડા પરિવારના સભ્યો તપસ્વી બહેન સાથે ફોટો પડાવવામાં બિઝી હતા ત્યારે એક ગઠિયો આવીને તપસ્વી બહેનને ગિફટ આપવામાં આવેલું ૩,૫૦,૦૦૦ રૂપિયાનું ૫૦ ગ્રામનું સોનાનું બિસ્કિટ લઈને નાસી ગયો હતો. આ બનાવથી છેડા પરિવારમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે આ ગઠિયો પરમ કેશવ બાગના CCTV કૅમેરાના ફુટેજમાં કેદ થઈ ગયો હોવાના છેડા પરિવારે સોશ્યલ મીડિયામાં વાઇરલ કરેલા મેસેજને કારણે ગઈ કાલે ઘાટકોપર પોલીસ કાંજુરમાર્ગના એક ગુજરાતી યુવકની ધરપકડ કરવામાં સફળ થઈ હતી.  

ઘાટકોપર-વેસ્ટનાં તપસ્વી રંજન છેડાના જેઠ ‌લલિત છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે સવારે પરમ કેશવ બાગમાં રંજન છેડા અને તેની દેરાણી દક્ષા છેડાના વરસીતપ નિમિત્તે તેમના પરિવાર તરફથી પસલી અને સાંજીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિલે પાર્લેથી આવેલો રંજનનો ભાઈ જખુ ગાલા બહેન રંજનને તપશ્ચર્યા‌ નિમિત્તે ગિફ્ટ આપવા માટે ૫૦ ગ્રામની સોનાની લગડી લાવ્યો હતો. બપોરે ૧૨.૩૦ વાગ્યે જખુભાઈ રંજનને ગિફટ આપીને પરિવારના સભ્યો સાથે ફોટો પડાવી રહ્યા હતા ત્યારે અચાનક જખુભાઈના ધ્યાનમાં આવ્યું કે તેમણે ભેટ આપેલું સોનાનું બિસ્કિટ ત્યાંથી ગાયબ થઈ ગયું છે. એ પછી છેડા પરિવારે સોનાનું બિસ્કિટ શોધવાની શરૂઆત કરી હતી, પણ એ ક્યાંય મળ્યું નહીં.’



પછી અમારા પરિવારના બધા સભ્યોએ શોધખોળ કરી જોઈ પણ સોનાનું બિસ્કિટ ક્યાંય મળ્યું નહીં એમ જણાવતાં લલિત છેડાએ ઉમેર્યું હતું કે ‘અમે અમારી બધી કીમતી વસ્તુઓ ચેક કરી હતી પણ સોનાનું બિસ્કિટ ગાયબ હતું. એ પછી અમે પરમ કેશવ બાગના CCTV કૅમેરાનાં બધાં ફુટેજ જોયાં જેમાં અમને એક અજાણી વ્યક્તિ જોવા મળી જે અમારા પરિવાર સાથે સંકળાયેલી નહોતી અને અમે તેને આ પ્રસંગે બોલાવી પણ નહોતી. એ પછી અમે CCTV કૅમેરાનાં ફુટેજ લઈને ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’ 


અમારી સોશ્યલ મીડિયા પરની અપીલ એક વ્યક્તિએ જોઈ હતી અને તેણે અમને ગઈ કાલે ગઠિયા વિશેની માહિતી આપતો ફોન કર્યો હતો એમ જણાવતાં વિલે પાર્લેના જખુ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વ્યક્તિએ અમને જણાવ્યું હતું કે ફોટોમાં દેખાતી વ્યક્તિ કાંજુરમાર્ગમાં રહેતો હરીશ હરિયા છે જે મુંબઈમાં કોઈ પણ પ્રસંગમાં પહોંચીને હાથસફાઈ કરવામાં માહિર છે. આ માણસ પહેલાં દીકરી સાથે કાંજુરમાર્ગમાં રહેતો હતો પણ ત્યાર પછી તે કોઈક ઓલ્ડ એજ હોમમાં રહે છે. હરીશ હરિયા પહેલાં થાણેની એક ડ્રેસની દુકાનમાં નોકરી કરતો હતો. અમે આ માહિતી ઘાટકોપર પોલીસને આપી હતી. ત્યારે અમને પોલીસ તરફથી માહિતી મળી હતી કે અમે હરીશ હરિયાને પકડી લીધો છે.’

ઘાટકોપર પોલીસના તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને છેડા પરિવાર તરફથી મળેલી માહિતી પ્રમાણે જે વ્યક્તિ પર તેમને શંકા હતી તેને અમે હમણાં જ પકડીને પોલીસ-સ્ટેશન લઈ આવ્યા છીએ અને તેની પૂછપરછ કરી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 12:25 PM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK