આ ગુપ્તા ભેળપૂરીવાળો પહેલાં સહેજ દૂર ઊભો રહેતો, પણ હવે તેણે એ બિલ્ડિંગની નીચે જ નાનકડી દુકાન કરી છે. આપણો તો ફન્ડા ક્લિયર હતો કે સરસ આઇટમ ખાવી અને ઘરેથી નીકળ્યો ત્યારથી ભેળપૂરી મનમાં હતી એટલે એ જ ખાવી.
સંજય ગોરડીયા
મારે હમણાં ફાઉન્ટન જવાનું થયું. બન્યું એમાં એવું કે મારો એક મિત્ર છે ઍડ્વોકેટ આરિફ બુકવાલા. અમે બધા નાનપણના ભાઈબંધો. આ આરિફ હમણાં સ્પેન ગયો હતો તો અમારા બધા ભાઈબંધો માટે તે સ્પેનથી કેસર લાવ્યો હતો. મિત્રો, યાદ રાખજો, આખી દુનિયામાં બેસ્ટ કેસરમાં સ્પેનનું ત્રીજું સ્થાન છે. કેસર સૌથી વધારે થાય છે ઈરાનમાં, બીજા નંબરે આપણા કાશ્મીરમાં અને ત્રીજા નંબરે સ્પેનમાં. સ્પેનના કેસરની હજી પણ એક ખાસિયત કહું. સ્પેનમાં કેસરનાં ફૂલોને ગરમ કરીને સૂકવવામાં આવે છે એટલે એ કેસરમાં સહેજ સ્મોકી ખુશ્બૂ આવે છે. આ કેસરમાં સહેજ મીઠાશ પણ હોય છે. ઈરાન, કાશ્મીર અને સ્પેનના કેસરમાં સ્પેનનું કેસર સૌથી મોંઘું.
આરિફનો મને ફોન આવ્યો કે તારી કેસરની ડબ્બી હું તને મોકલાવું છું; પણ મેં ના પાડી કે તારી ઑફિસમાં જ રાખ, એ બહાને હું ત્યાં આવી શકીશ. મારા મનમાં બીજો સ્વાર્થ એ પણ હતો કે ફાઉન્ટન જઈને હું એ બાજુની એકાદ વરાઇટી પણ તમારા માટે ટ્રાય કરતો આવીશ. મેં તો જગ્યા પણ શોધી લીધી. ન્યુ કસ્ટમ્સ હાઉસની પાછળ એક ભેળવાળો છે, જેનાં વખાણ મેં બહુ સાંભળ્યાં છે એટલે ઘરેથી નીકળતી વખતે મેં નક્કી કર્યું કે હું ત્યાં જઈશ. પહેલાં સીધો આરિફની ઑફિસે ગયો અને પછી નીકળતી વખતે મેં આરિફને કહ્યું કે હું હવે ન્યુ કસ્ટમ્સ હાઉસની પાછળ ભેળ ખાવા જઉં છું. એટલે આરિફે મને રોક્યો. કહે કે તેને છોડ, મારી ઑફિસની નીચે જ ગુપ્તા ભેળપૂરી છે એની ભેળ એક વાર ટ્રાય કર, તું બાકીની બધી ભેળ ભૂલી જઈશ.
ADVERTISEMENT
આ ગુપ્તા ભેળપૂરીવાળો પહેલાં સહેજ દૂર ઊભો રહેતો, પણ હવે તેણે એ બિલ્ડિંગની નીચે જ નાનકડી દુકાન કરી છે. આપણો તો ફન્ડા ક્લિયર હતો કે સરસ આઇટમ ખાવી અને ઘરેથી નીકળ્યો ત્યારથી ભેળપૂરી મનમાં હતી એટલે એ જ ખાવી. આરિફે મને કહ્યું કે આપણે તેને ત્યાંથી આઇટમ અહીં મગાવી લઈએ, પણ મેં તેને ના પાડી. એવી રીતે મગાવીને આઇટમનો આસ્વાદ તમારા સુધી પહોંચાડવો હોય તો એ કામ તો કોઈ પણ કરી શકે. મારે તો એ જગ્યાએ રૂબરૂ જઈને, ત્યાંનું બધું જોઈને અને ત્યાં ઊભા રહીને આઇટમ ચાખવાની હોય અને પછી ફોટો પડાવવાનો હોય.
હું તો ગયો ગુપ્તા ભેળપૂરીમાં રૂબરૂ અને સાહેબ, મજા પડી ગઈ. સૌથી અગત્યની વાત કહું તો ફાઉન્ટનના ફુવારાની સામેની ગલીમાં રહેલો આ ગુપ્તા ધારે તો વધારે પૈસા લઈ શકે પણ ના, તે બહુ રીઝનેબલ હતો. દસની કોલ્ડ ડ્રિન્ક્સની બૉટલ ૧૦ રૂપિયામાં જ અને વીસની પાણીની બૉટલ ૨૦ રૂપિયામાં જ વેચતો હતો. મેં સૌથી પહેલાં તેની ગોલ્ડન ભેળ મગાવી. સિક્કાનગરમાં એક ગોલ્ડન ભેળવાળો ઊભો રહે છે. આ ગોલ્ડન ભેળમાં તે પૌંઆનો ચેવડો અને બધી ચટણી અને કાંદા, કાકડીના ટુકડા અને એ બધું નાખીને બનાવે છે; પણ આ ગુપ્તાની ગોલ્ડન ભેળ જુદી હતી. આ ગોલ્ડન ભેળમાં જરાક અમસ્તા મમરા નાખ્યા અને પછી એમાં તેણે જે પૂરી હતી એ પૂરીમાંથી થોડીક પૂરી લીધી અને પછી એનો ભૂકો કરીને નાખ્યો. એ બધા પર પછી કાંદા, સૂકી ચટણી, મસાલો નાખીને પછી મને આપી. નવો સ્વાદ હતો અને માણવા જેવો સ્વાદ હતો. મને મજા આવી ગઈ એટલે મેં થોડી ખાઈને ભેળનું પાર્સલ કરાવી લીધું અને પછી તરત મગાવી બટાટાપૂરી. બટાટાપૂરી બપોરના સમયે ખાવામાં એ ખાસ ધ્યાન રાખવું કે જો એનું દહીં ખાટું થઈ ગયું હોય તો એ પેટમાં ગૅસ કરે. જોકે આ બટાટાપૂરીમાં દહીંને સહેજ પણ ખટાશ લાગુ નહોતી પડી જે બહુ સારી વાત હતી. બપોરના સમયે પાણીપૂરી ખાવાનું ટાળવું જોઈએ એટલે મેં એ અવૉઇડ કરી. રગડાપૂરી અને રગડા-પૅટીસ પણ હતાં, પણ બટાટાપૂરી અને અડધી ગોલ્ડન ભેળથી મારું પેટ ભરાઈ ગયું એટલે મેં બ્રેક મારી દીધી. જોકે આરિફે કહ્યું એ તો સાબિત થતું હતું કે આ ગુપ્તાવાળો બનાવે છે બહુ સરસ. તેની લસણની ચટણી બહુ સરસ હતી. એકદમ તીખી-તમતમતી. જોકે તમે કહો તો જ તે વધારે નાખે. મને એ પણ સમજાયું કે ગુપ્તા ભેળપૂરીવાળો બહુ સોબર કહેવાય એવી રીતે બધી વાનગી બનાવતો હતો, જેનું કારણ હતું તેની આજુબાજુમાં રહેલી ઑફિસો અને બિઝનેસમેન. આ જે નાના વેપારીઓ હોય છે એ બધાને આ બધી સૂઝ સારી પડે અને એ હોવી જ જોઈએ.
ફાઉન્ટન જવાનું બને તો અચૂક આ ગુપ્તા ભેળપૂરીવાળાને ત્યાં જઈને તેની ગોલ્ડન ભેળનો આસ્વાદ માણજો. લોકેશન ગૂગલબાબા આપી દેશે. બાકી ફાઉન્ટનનો જે ફુવારો છે ત્યાં કોઈને પૂછશો તો પણ તે ઍડ્રેસ દેખાડી દેશે. ફુવારાથી હાર્ડ્લી બસ્સો મીટરના ડિસ્ટન્સ પર જ આ જગ્યા છે.
