કાંદિવલી-વેસ્ટમાં નવા શરૂ થયેલા વોકસ્ટર નામના ફૂડ-આઉટલેટમાં ઇન્ડો-ચાઇનીઝ ફૂડની અઢળક વરાઇટી મળે છે
કાંદિવલીમાં ‘વોકસ્ટાર’ નામનું એક નવું ઇન્ડો-ચાઇનીઝ આઉટલેટ શરૂ થયું છે
ચાઇનીઝ વાનગીઓના શોખીનો માટે કાંદિવલીમાં ‘વોકસ્ટાર’ નામનું એક નવું ઇન્ડો-ચાઇનીઝ આઉટલેટ શરૂ થયું છે જ્યાં ઇન્ડો-ચાઇનીઝની વિભિન્ન વરાઇટી મળે છે. જોકે સૌથી વધારે ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે અહીં ચાઇનીઝ આઇટમની અંદર અજિનોમોટો તેમ જ કલર ઉમેરવામાં આવતાં નથી. એનો ઉલ્લેખ અહીંના મેનુ કાર્ડ પર સ્પષ્ટપણે કરવામાં આવ્યો છે. આ તો થઈ એના ચાઇનીઝ ફૂડની વિશેષતાની વાત, હવે જાણીએ અહીં શું મળે છે.
કાંદિવલી-વેસ્ટમાં ગયા મહિને જ શરૂ કરવામાં આવેલી ‘વોકસ્ટર’ની શરૂઆત કેવી રીતે થઈ અને અહીં શું વિશેષ પીરસવામાં આવી રહ્યું છે એના વિશે માહિતી આપતાં ઓનર ઋષભ વાઘેલા કહે છે, ‘હું ઘણાં વર્ષોથી ફૂડ ક્ષેત્રે સંકળાયેલો છું. કોરોનાનો આઉટબ્રેક શરૂ થયો હતો એની જસ્ટ પહેલાં મેં મારી બધી મૂડી નાખીને રેસ્ટોરાં શરૂ કરી હતી પણ કોરોનાના લીધે મારે એ બંધ કરી દેવી પડી અને હું સાવ પાયમાલ થઈ ગયો, પરંતુ હિંમત હાર્યો નહીં; ફરી બેઠો થયો અને લોકોને ભાવતી વસ્તુની અંદર શું નવું આપી શકાય અને જે હેલ્થની દૃષ્ટિએ પણ તેમને અનુકૂળ હોય એવી ફૂડ-આઇટમ્સ પર મેં રિસર્ચ કર્યું અને પછી મેં અહીં અજિનોમોટો સિવાયની વાનગી પીરસવાનું શરૂ કર્યું એટલું જ નહીં,
ADVERTISEMENT
ઇન્ડો-ચાઇનીઝનાં અનેક નવાં વેરિઅન્ટ પણ રજૂ કર્યાં જેમ કે મોમો રામેન બાઉલ, વિવિધ ચાઇનીઝ સૉસ સાથેની ફ્રેન્ચ ફ્રાઇસ, અલગ-અલગ ગ્રેવી અને સૉસ સાથેના રાઇસ તેમ જ નૂડલ્સ વગેરે અમે આપી રહ્યા છીએ. અહીંની લોકપ્રિય ડિશમાં કૉટેજ ચીઝ હેવન, ચિલી બેસિલ નૂડલ્સ, ચોપેર રાઇસ, વોકસ્ટર સ્પેશ્ય બાઉલ છે. મોટા ભાગની વરાઇટીમાં જૈન વિકલ્પ પણ છે.’
ક્યાં મળશે? : વોકસ્ટર, KESની બાજુમાં, મથુરાદાસ રોડ, કાંદિવલી (વેસ્ટ)


