એ છે આૅટ્રોવર્ટ. આવા લોકોની સામાજિક વર્તણૂક બહુ સિલેક્ટિવ, સ્પષ્ટ અને સ્વતંત્ર હોય છે. સાઇકોલૉજિસ્ટની મદદથી જાણીએ આ નવી પર્સનાલિટી ટાઇપને
પ્રતીકાત્મક તસવીર
સાઇકોલૉજીની ભાષામાં ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટ ન હોય એવા લોકો માટે ઍમ્બિવર્ટ શબ્દ હતો. જોકે આજકાલ સોશ્યલ મીડિયા પર એક વધુ ઇન્ફૉર્મલ પર્સનાલિટીની ચર્ચા થઈ રહી છે. એ છે આૅટ્રોવર્ટ. આવા લોકોની સામાજિક વર્તણૂક બહુ સિલેક્ટિવ, સ્પષ્ટ અને સ્વતંત્ર હોય છે. સાઇકોલૉજિસ્ટની મદદથી જાણીએ આ નવી પર્સનાલિટી ટાઇપને
તમે જ્યારે પાર્ટી કે સોશ્યલ ગૅધરિંગમાં હો છો ત્યારે પૂરા દિલથી એન્જૉય કરો છો અને લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ બની શકો છો, પરંતુ એક્સ્ટ્રોવર્ટ લોકોની જેમ તમને લોકો પાસેથી એનર્જી નથી મળતી. તમારી એનર્જી વપરાય છે જેને રીચાર્જ કરવા માટે તમને મી-ટાઇમ (એકાંત અને શાંતિ) જોઈએ છે.
ADVERTISEMENT
તમારી પાસે લોકો સાથે જોડાવાની એક અનોખી કળા છે. તમને મોટી-મોટી ભીડ કરતાં બે-ત્રણ ખાસ મિત્રોનું નાનું સર્કલ વધુ ગમે છે. તમે માત્ર ઔપચારિક કે ઉપરછલ્લી વાતો કરવાને બદલે અર્થપૂર્ણ અને ડીપ કન્વર્સેશન કરવાનું પસંદ કરો છો. તમને એવી જગ્યાએ જવું ગમે છે જ્યાં મળવાનો કોઈ ચોક્કસ હેતુ કે અર્થ હોય. આૅફિસની બળજબરીવાળી ટીમ-બિલ્ડિંગ ઍક્ટિવિટીઝ તમને કંટાળાજનક લાગે છે.
તમારું મગજ પોતાના નિયમો પર ચાલે છે, દુનિયાના ઇશારે નહીં. સોશ્યલ મીડિયા પર શું ટ્રેન્ડ ચાલે છે કે આખું ટોળું કઈ તરફ જાય છે એનાથી તમને કોઈ ફરક નથી પડતો. તમે ભીડનો હિસ્સો બનવાને બદલે તમારી યુનિક ઓળખ જાળવી રાખવામાં માનો છો. તમને તમારા વિચારો, નિર્ણયો અને આઇડિયાઝ પર પૂરો ભરોસો હોય છે. તમે કોઈ પણ પરિસ્થિતિને એક અલગ જ દૃષ્ટિકોણથી જુઓ છો.
તમને કોઈ એક ચોક્કસ ચોકઠામાં બંધ કરી શકાય એમ નથી. જો કોઈ તમને અંતર્મુખી કે બહિર્મુખી કહે તો તમે એમાં ફિટ નથી બેસતા, કારણ કે તમારી અંદર આ બન્નેના શ્રેષ્ઠ ગુણો સમાયેલા છે. તમે તમારી આ આઝાદી અને વિશિષ્ટતાને પ્રેમ કરો છો.
તમે દુનિયાને ખૂબ નજીકથી અને ઝીણવટપૂર્વક જુઓ છો. તમને લોકોને શાંતિથી આૅબ્ઝર્વ કરવું અને તેઓ કેમ આવું વર્તન કરે છે એ સમજવું ગમે છે. સ્વભાવે તમે દયાળુ, રમૂજી અને જિજ્ઞાસુ છો. તમે લોકોને એવા પ્રશ્નો પૂછો છો જે તેમને વિચારતા કરી મૂકે. તમે લોકો પ્રત્યે ખૂબ સહાનુભૂતિ રાખો છો, પણ તમારી પોતાની કિંમત નક્કી કરવા માટે તમને કોઈના સર્ટિફિકેટ કે વખાણની જરૂર નથી હોતી.
જો ઉપરના બધા જ ગુણો તમારી પર્સનાલિટી સાથે મૅચ થતા હોય તો સમજી જજો કે તમે આૅટ્રોવર્ટ છો. આ પર્સનાલિટી ટાઇપ વિશે આપણે સાઇકોલૉજિસ્ટ જેનિતા નંદુ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ.
આૅટ્રોવર્ટ એટલે શું?
આ કોઈ ફૉર્મલ પર્સનાલિટી ટાઇપ નથી, પરંતુ આ શબ્દ એવા લોકો માટે વપરાય છે જેઓ સોશ્યલી એકદમ ઍક્ટિવ, મળતાવડા અને વાતોડિયા હોય છે; પણ પોતે કોની સાથે ખરેખર કનેક્ટ થવા માગે છે એ બાબતે ખૂબ જ સિલેક્ટિવ હોય છે. આૅટ્રોવર્ટ શરમાળ નથી હોતા કે ખૂણામાં ભરાઈ રહેતા નથી. તેઓ પાર્ટીની શાન બની શકે છે, લોકો સાથે દિલ ખોલીને હસી-મજાક કરી શકે છે; પરંતુ તેઓ ત્યાંથી બહાર નીકળ્યા પછી એ બધા સાથે સંબંધો જાળવી રાખવાના સોશ્યલ પ્રેશરમાં નથી આવતા. આવા લોકો માટે સવાલ ક્યારેય એ નથી હોતો કે ‘મને લોકો ગમે છે કે નહીં?’, પરંતુ અસલી સવાલ એ હોય છે કે ‘શું હું આ લોકો સાથે ખરેખર કનેક્ટ થઈ શકું છું?’
ઍમ્બિવર્ટ અને આૅટ્રોવર્ટમાં શું તફાવત?
ઘણા લોકોને ઍમ્બિવર્ટ અને આૅટ્રોવર્ટ વચ્ચે કન્ફ્યુઝન થતું હોય છે, પણ બન્ને વચ્ચે એક પાતળી રેખા છે. ઍમ્બિવર્ટ વ્યક્તિ સામાજિક માહોલ બાબતે વધુ ફ્લેક્સિબલ હોય છે, જ્યારે આૅટ્રોવર્ટ વ્યક્તિ સોશ્યલ કનેક્શન બાબતે વધુ સિલેક્ટિવ હોય છે. એક ઍમ્બિવર્ટ વ્યક્તિ કદાચ એવું વિચારે કે ‘કોઈક દિવસ મને બહાર જઈને બધાને મળવાનું મન થાય છે તો કોઈક દિવસ મને બસ ઘરે રહીને નેટફ્લિક્સ જોવું ગમે છે.’ તેમની સામાજિક ઊર્જા કોઈ એક જગ્યાએ સ્થિર નથી હોતી, પરંતુ પરિસ્થિતિ અને મૂડ પ્રમાણે બદલાતી રહે છે. તેઓ એક વીક-એન્ડમાં પાર્ટી એન્જૉય કરી શકે અને બીજા વીક-એન્ડમાં એકાંત પસંદ કરી શકે. તેઓ આ બન્ને પ્રકારના વાતાવરણમાં સરળતાથી ઍડ્જસ્ટ થઈ જાય છે. બીજી તરફ આૅટ્રોવર્ટ વ્યક્તિ કદાચ એવું વિચારે કે ‘મને લોકોની વચ્ચે રહેવામાં વાંધો નથી, પણ દરેક વ્યક્તિ સાથે કનેક્ટ થવાની મને કોઈ જરૂરિયાત લાગતી નથી.’ આ એક નાનો પણ મહત્ત્વનો તફાવત છે.
ધારો કે આ બન્ને વ્યક્તિ એક જ ડિનર-પાર્ટીમાં ગઈ છે. ઍમ્બિવર્ટ વ્યક્તિ આખા રૂમમાં ફરશે, જૂના મિત્રો સાથે વાત કરશે, કોઈ નવી વ્યક્તિને મળશે અને મોટા ગ્રુપની ચર્ચામાં જોડાશે. ત્યાર બાદ સમય જતાં જ્યારે તેની એનર્જી ઓછી થશે ત્યારે તે નક્કી કરશે કે બસ, હવે પૂરતું થયું. આૅટ્રોવર્ટ વ્યક્તિ કદાચ આખી સાંજ મોટા ગ્રુપમાં ફરવાને બદલે એકાદ વ્યક્તિ સાથે વધુ અર્થપૂર્ણ વાતચીતમાં સમય પસાર કરવાનું પસંદ કરે. તે મોટા ગ્રુપની વાતોમાં બહુ ભાગ નહીં લે, પરંતુ એનો અર્થ એ નથી કે તે અસહજ છે. બસ, તેને દરેક સામાજિક ઇન્ટરૅક્શન એટલું અર્થપૂર્ણ લાગતું નથી. ઍમ્બિવર્ટ વ્યક્તિ માટે લોકો વચ્ચે કેટલી ભીડ કે હલચલ છે એનાથી તેનો મૂડ અથવા એનર્જી બદલાઈ શકે છે, જ્યારે આૅટ્રોવર્ટ માટે વાતચીત કેટલી જેન્યુઇન અને અર્થપૂર્ણ છે એ વધુ મહત્ત્વનું હોઈ શકે છે.
સાચું બૅલૅન્સ શું છે?
લોકો બાબતે સિલેક્ટિવ રહેવું ખરાબ નથી, પરંતુ સોશ્યલ એનર્જીને એવી ફિક્સ્ડ બૅન્ક-બૅલૅન્સની જેમ સાચવવાની પણ જરૂર નથી કે કોઈને એમાં ભાગ જ ન મળે. ક્યારેક સંબંધોમાં થોડું ઇન્વેસ્ટ કરવું એ જ આગળ જતાં એવી વ્યક્તિઓ સુધી પહોંચવાનો રસ્તો બને છે જે આપણી એનર્જી પાછી ભરી આપે. તમારે દરેક પાર્ટીમાં જવાની, દરેક મિત્રતા જાળવવાની કે દરેક વાતચીતમાં રસ લેવાની જરૂર નથી; પરંતુ કોઈ વાત તરત જ બહુ ઊંડી કે રસપ્રદ ન હોય એટલે એને નકારી દેવાની પણ જરૂર નથી. સાચું બૅલૅન્સ કદાચ ‘મને બધા જોઈએ છે’ અને ‘મને કોઈ નથી જોઈતું’ની વચ્ચે ક્યાંક છે. કોણ મહત્ત્વનું છે એની સમજ રાખવી, યોગ્ય લોકોને જીવનમાં જગ્યા આપવી અને નવા સંબંધો માટે દરવાજો થોડો ખુલ્લો રાખવો એટલું પૂરતું છે.
સિલેક્ટિવિટી સારી, પણ એકલતાથી સાવધ
‘મને ફેક લોકો નથી ગમતા’, ‘મારે સુપરફિશ્યલ વાતો નથી કરવી’, ‘મારું સર્કલ બહુ નાનું છે’ આવું કહેવામાં એક અલગ જ આત્મવિશ્વાસ લાગે છે. ઘણી વખત આ ખરેખર પોતાની પસંદ અને બાઉન્ડરી વિશેની સમજ પણ હોઈ શકે, પરંતુ જો તમે એટલા સિલેક્ટિવ બની જાઓ કે કોઈને તમારી નજીક આવવાની જગ્યા જ ન આપો તો ધીમે-ધીમે આ સિલેક્ટિવિટી એકલતામાં પણ બદલાઈ શકે છે.
ધૂની કે ઍટિટ્યુડવાળા સમજી લઈ શકે
સોશ્યલી સિલેક્ટિવ વ્યક્તિ માટે લોકો ધારી લેતા હોય છે કે એ તો બહુ અભિમાની છે અથવા તો મૂડી છે. હકીકતમાં આની પાછળ કોઈ ડ્રામા નથી હોતો. ઘણી વાર સાચે જ તમારું બોલવાનું મન નથી હોતું. એનો અર્થ એ નથી કે તમારી આદતોથી બીજા પર શું અસર પડે છે એની તમને બિલકુલ પડી નથી.
સંબંધોમાં થોડી ઘણી વાતચીત અને સામેવાળાની કાળજી રાખવી તો જરૂરી જ છે, પણ એનો એ પણ મતલબ નથી કે આસપાસના બધાને ખુશ રાખવા માટે તમારે આખો દિવસ ખોટો ઉત્સાહ દેખાડ્યા જ કરવો. આવા સમયે સૌથી હેલ્ધી રીત એ છે કે વારે-વારે અલગ-અલગ સિચુએશનમાં સ્પષ્ટતા કરવાને બદલે એક જ વારમાં તમારી આ પૅટર્ન વિશે તમારા નજીકના અને ખાસ લોકો સાથે ખૂલીને વાત કરી લો.
તમે તેમને જણાવી દો કે ‘જો ક્યારેક હું શાંત દેખાઈશ તો એવું માની ન લેતા કે મને તારી સાથે કોઈ વાંધો છે. હું સોશ્યલ ઇન્ટરૅક્શન બાબતે બહુ સિલેક્ટિવ છું. ક્યારેક મારી પાસે વાતોનો ભંડાર હોય છે તો ક્યારેક મને સાચે જ મારી પોતાની સ્પેસમાં એકલા રહેવું ગમે છે.’ આટલી સ્પષ્ટતા ઘણી ગેરસમજો અટકાવી શકે છે.
સિલેક્ટિવિટી સારી, પણ એકલતાથી સાવધ
‘મને ફેક લોકો નથી ગમતા’, ‘મારે સુપરફિશ્યલ વાતો નથી કરવી’, ‘મારું સર્કલ બહુ નાનું છે’ આવું કહેવામાં એક અલગ જ આત્મવિશ્વાસ લાગે છે. ઘણી વખત આ ખરેખર પોતાની પસંદ અને બાઉન્ડરી વિશેની સમજ પણ હોઈ શકે, પરંતુ જો તમે એટલા સિલેક્ટિવ બની જાઓ કે કોઈને તમારી નજીક આવવાની જગ્યા જ ન આપો તો ધીમે-ધીમે આ સિલેક્ટિવિટી એકલતામાં પણ બદલાઈ શકે છે.
સિલેક્ટિવ હોવું અને બેદરકાર હોવું વચ્ચે ફરક છે
તમે એમ કહો કે ‘મારે દરેક વ્યક્તિને હંમેશાં મારી જિંદગીમાં જગ્યા આપવી જરૂરી નથી.’ આ અપ્રોચ હેલ્ધી સેલ્ફ-બાઉન્ડરીઝનો ભાગ હોઈ શકે, પણ એમ કહો કે ‘મારા વર્તનથી બીજા લોકોને શું અસર થાય છે એનો મારે વિચાર કરવાની જરૂર નથી’ તો આ અપ્રોચ સંબંધ બગાડી શકે. જરૂરી નથી કે આપણે દરેક માણસને સફાઈ આપતા ફરીએ કે પછી લોકો આપણને જોઈને કમ્ફર્ટેબલ રહે એ માટે આપણી પર્સનાલિટી બદલી નાખીએ, પરંતુ જે લોકો ખરેખર આપણા માટે ખાસ છે તેમની સાથે એટલું કમ્યુનિકેટ કરી લેવું જેથી આપણી સ્પેસની જરૂરિયાતને લોકો રિજેક્શન કે અણગમો ન સમજી બેસે.
