એવી ઘણી પ્રવૃત્તિઓ છે જે લોકો ખાધા પછી કરે છે, પણ હકીકતમાં એ શરીર માટે નુકસાનકારક છે. આમાંથી ઓછાંમાં ઓછાં બે કામ તો તમારા રૂટીનમાં પણ હશે જ
પ્રતીકાત્મક તસવીર
ડાયટ તમારી હેલ્થના અરીસાની જેમ કામ કરે છે, પણ ભોજન બાદની પ્રવૃત્તિઓ તમારી લાઇફસ્ટાઇલ હેલ્ધી છે કે નહીં એ જાણવામાં મદદ કરશે. ઘણા લોકો આહાર પૌષ્ટિક લેતા હોય પણ સેવન બાદ એવી અમુક આદતો હોય છે જે નકારાત્મક પ્રભાવ પાડે છે અને બીમારીઓને નોતરે છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક હેલ્થ એક્સપર્ટના પૉડકાસ્ટની ક્લિપ વાઇરલ થઈ રહી છે જેમાં ભોજન કર્યા બાદ લાઇફસ્ટાઇલને પ્રભાવિત કરતી ભૂલો વિશે વાત કરી છે.
સૂઈ જવું
ADVERTISEMENT
ઘણા લોકોને ભોજન બાદ આરામ મળે એ માટે થોડી વાર સૂઈ જતા હોય છે. ખાઈને તરત જ સૂવાથી પેટમાં રહેલું ઍસિડ ભોજનને ઉપરની તરફ ધકેલે છે. આ પ્રક્રિયાને ઍસિડ રિફ્લક્સ કહેવાય છે. આ ઉપરાંત છાતીમાં બળતરા અને અપચો પણ થાય છે. જો આ પ્રક્રિયા હૅબિટમાં હશે તો મેદસ્વીપણાની સમસ્યા અને ગૅસનો પ્રૉબ્લેમ પણ સર્જાઈ શકે છે. જો આ સમસ્યાથી બચવું હોય તો ખાઈને તરત સૂવા કરતાં ભોજન કરી લીધા બાદ અડધા-પોણા કલાક સુધી બેસવું અથવા થોડી વૉક કરવો. આમ કરવાથી ઍસિડ રિફ્લક્સનો પ્રૉબ્લેમ નહીં આવે.
ફળ ખાવું
જો ભોજન કર્યા બાદ તમને તરત જ ફળ ખાવાની આદત હોય તો એ પણ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ભરપેટ ભોજન કર્યા બાદ ફળ ખાવાથી કબજિયાત, ગૅસ અને અપચા જેવી પાચનતંત્રને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે છે. આ ઉપરાંત ફળમાં નૅચરલ શુગર હોવાથી બ્લડ-શુગર સ્પાઇક થવાની સંભાવના પણ વધુ રહેલી હોય છે અને ભવિષ્યમાં સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેથી ફળ ખાવાની આદતને બંધ કરી દેવી જ હિતાવહ છે.
ચા-કૉફીનું સેવન
ઘણા લોકો ખાધા બાદ ચા કે કૉફી પીવાનું પસંદ કરે છે. આ આદત પોષક તત્ત્વોનું ઍબ્સૉર્પ્શન કરવા દેતી નથી, પરિણામે વિટામિન અને મિનિરલ્સની અછત સર્જાતાં અનેક પ્રકારની સમસ્યા થાય છે. ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ)ના એક રિપોર્ટમાં જણાવાયું છે કે ખાવાના એક કલાક પહેલાં અને એક કલાક બાદ ચા કે કૉફીનું સેવન કરવું હાનિકારક છે. તેથી આવી આદત હોય તો એ છોડી દેવાની કોશિશ કરવી
સ્નાન કરવું
ખાધા બાદ તરત સ્નાન કરવાથી પણ હેલ્થને નુકસાન થાય છે આ વાત બહુ ઓછા લોકોને ખબર હશે. જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે શરીર પાચન માટે પેટ અને આંતરડામાં લોહીના પ્રવાહને વધારે છે, પણ ખાધા પછી તરત સ્નાન કરવામાં આવે તો એ બ્લડ ફ્લો પેટ અને આંતરડાને બદલે શરીરના તાપમાનને જાળવી રાખવા બાકી અવયવો તરફ વહેવા લાગે છે. આવું થવાથી પાચનમા સમસ્યા થઈ શકે છે.
બ્રશ કરવું
બ્રશ કરવું ઓરલ હેલ્થને સારી રાખવા બહુ જરૂરી છે. જોકે ખાધા પછી તરત જ બ્રશ કરવાથી દાંતોના ઇનૅમલ એટલે દાંતના સૌથી બહારના થરને નુકસાન પહોંચાડે છે. ખાધા પછી મોંમાં ઍસિડનું સ્તર વધી જાય છે, જેને લીધે ઇનૅમલ નબળું પડે છે. એવામાં તરત બ્રશ કરવામાં આવે તો દાંત નબળા પડી શકે છે અને મોઢામાં સડો થવાની સંભાવના વધી જાય છે.
પાણી પીવું
ભોજન બાદ તરત જ પાણી પીવાની આદત મોટા ભાગના લોકોને હોય છે. આ આદતથી પાચન તંત્ર પ્રભાવિત થાય છે અને એને પચવામાં વધુ સમય લાગે છે, પરિણામે બ્લોટિંગ અને ઍસિડિટી જેવા પ્રૉબ્લેમ્સ થતા રહે છે. આવું થાય તોય લોકોને ખબર નથી પડતી કે આવું ખાધા પછી તરત જ પાણી પીવાને કારણે થયું છે. જોકે આ આદતને સુધારવાની જરૂર છે. ખાધા પછી પાણી પીવું હોય તો અડધો કલાકનો ગૅપ રાખવો. બહુ જ તરસ લાગે તો પાણીને નવશેકું ગરમ કરીને બેથી ત્રણ ઘૂંટડા જેટલું જ પીવું.

