એ હકીકત છે કે લાઇફસ્ટાઇલ ડિસીઝમાં જિનેટિક ફૅક્ટર ખૂબ મહત્ત્વનું છે, પરંતુ જિનેટિક રીતે જો તમને આ ડિસીઝ થવાની શક્યતા હોય એનો અર્થ એ નથી કે તમને આ રોગ થશે જ
પ્રતીકાત્મક તસવીર
મોટા ભાગના લાઇફસ્ટાઇલ પ્રૉબ્લેમની શરૂઆત નાની ઉંમરથી જ થાય છે. આ પ્રૉબ્લેમ્સ એવા નથી હોતા કે એક-બે વર્ષ લાઇફસ્ટાઇલ ખરાબ રહી અને તકલીફ આવી ગઈ. આ વર્ષોની આદતો હોય છે જે ધીમે-ધીમે શરીર પર છાપ છોડે છે. એટલે જરૂરી છે કે નાનપણથી જ બાળકોમાં હેલ્ધી આદતો હોય. ખાસ કરીને છોકરીઓનું ખાનપાન અને ઍક્ટિવિટી-લેવલ સારું હોવું જોઈએ. જો તેઓ પોષણયુક્ત ખોરાક ખાતી હોય અને હેલ્ધી-ઍક્ટિવ લાઇફ જીવતી હોય તો તકલીફ આવતી નથી, પરંતુ જ્યારે બન્ને ઇમ્બૅલૅન્સ થાય ત્યારે તેમના ગ્રોથ યર્સ પર અસર પડે છે. વળી મોટા ભાગે આ સમય માસિકની શરૂઆતનો હોય છે. આ સમયે જો પોષણ પૂરું ન હોય તો માસિક સંબંધિત તકલીફો આવી શકે છે. નાની-નાની હેલ્ધી આદતો આગળ જતાં મોટા રોગોથી બચાવતી હોય છે.
આજકાલ ભાર સાથેનું ભણતર હોય છે. બાળકો સાતથી ૯ કલાક સ્કૂલમાં વિતાવે છે અને ઘરે આવે ત્યારે થાકી ગયાં હોય છે. પ્રવૃત્તિના નામે તેમની પાસે લૅપટૉપ કે મોબાઇલ હોય છે. આજનાં બાળકો ફુટબૉલ તો રમતાં હોય છે, પરંતુ સોફા પર બેઠાં-બેઠાં તેમના મોબાઇલમાં. આમ આઉટડોર સ્પોર્ટ્સનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે એટલું જ નહીં, સાઇક્લિંગ, સ્વિમિંગ કે ઍથ્લેટિક્સ જેવી સ્પોર્ટ્સમાં પણ ૧૦ વર્ષથી નીચેનાં બાળકો જ વધુ જોવા મળે છે કારણ કે તેમના પર ભણવાનું ભારણ સરખામણી કરીએ તો ઓછું હોય છે. બાકી ૧૧ વર્ષથી ઉપરનાં બાળકો સ્કૂલમાં આઠથી ૯ કલાક ભણે છે અને પછી ઘરે આવીને ટ્યુશનમાં બે-ત્રણ કલાક કે હોમવર્ક પાછળ એટલો સમય આપે છે. પહેલાંની જેમ સોસાયટીમાં નીચે રમતો રમવાનો ટ્રેન્ડ ધીમે-ધીમે ખતમ થતો જાય છે. છોકરીઓએ ઍક્ટિવિટી કરવી અત્યંત જરૂરી છે.
એ હકીકત છે કે લાઇફસ્ટાઇલ ડિસીઝમાં જિનેટિક ફૅક્ટર ખૂબ મહત્ત્વનું છે, પરંતુ જિનેટિક રીતે જો તમને આ ડિસીઝ થવાની શક્યતા હોય એનો અર્થ એ નથી કે તમને આ રોગ થશે જ. જો તમારી ઊંઘ રાતની ૮ કલાકની હોય, જો તમારું ખાન-પાન ઠીક હોય, દરરોજ રમતો દ્વારા કે બીજી કોઈ ઍક્ટિવિટી દ્વારા ફિઝિકલ ઍક્ટિવિટી થતી હોય, તમારું વેઇટ પ્રમાણસર હોય તો આ રોગોનું રિસ્ક ઘણી હદે ઘટી જાય છે. અહીં સમજવા જેવી વાત એ છે કે જો તમારા ઘરમાં આ રોગ હોય તો તમારાં બાળકોની લાઇફસ્ટાઇલ યોગ્ય હોવી અત્યંત જરૂરી છે. જો આ બાબતે સાવધાની રાખશો તો ભવિષ્યમાં તકલીફ ઓછી રહેશે.

