બિઝી લાઇફસ્ટાઇલને કારણે દરરોજ લાવવાનું અને ફ્રેશ ખાવાનું પૉસિબલ ન થતું હોવાથી આજકાલ એને ડીહાઇડ્રેટ કરીને પાઉડર બનાવવામાં આવે છે
સરગવાની સિંગનો પાઉડર, ગાજરનો પાઉડર, કાંદાનો પાઉડર, ધાણાનો પાઉડર
બિઝી લાઇફસ્ટાઇલમાં હેલ્ધી ડાયટને મેઇન્ટેઇન કરવા માટે રસોડામાં છાશવારે અવનવા પ્રયોગો થતા હોય છે ત્યારે છેલ્લા થોડા સમયથી વેજિટેબલ અને ફ્રૂટ્સના ડ્રાય પાઉડર્સનું ચલણ વધ્યું છે. ફાસ્ટ-પેસ્ડ લાઇફસ્ટાઇલમાં આરોગ્યપ્રદ અને સહેલાઈથી ઉપયોગ કરી શકાય એ માટે કાંદા, ટમેટાં, સરગવો, બીટ, આદું અને મીઠા લીમડામાંથી પાઉડર બનાવવામાં આવી રહ્યો છે. આ ડ્રાય પાઉડરમાં મૂળ ઘટકોના ગુણોને જાળવી રાખવામાં આવે છે અને એની શેલ્ફ-લાઇફને પણ વધારી શકાય છે.
વધતા ચલણ પાછળનાં કારણો
ADVERTISEMENT
નોકરિયાત સ્ત્રીઓ માટે ડ્રાય પાઉડરનો કન્સેપ્ટ તેમનું મોટા ભાગનું કામ ઈઝી કરી દે છે. ટૂંકમાં કહીએ તો જે લોકો પાસે સમયનો અભાવ હોય અથવા રસોડામાં ઓછો સમય મળતો હોય તેઓ વિવિધ શાકભાજીનું સેવન દાળ, શાક, થેપલાં કે ચટણીમાં મિક્સ કરીને પાઉડરના ફૉર્મમાં સરળતાથી કરી શકે છે. પાઉડરની શેલ્ફ-લાઇફ પણ સારી હોય છે. તાજાં શાકભાજીની તુલનામાં એના ડ્રાય પાઉડર વધુ સમય સુધી ચાલે છે. ઘણી વાર તાજાં શાકભાજી બગડી જાય છે, પણ એનો પાઉડર બની ગયા બાદ એને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય એમ હોવાથી સીઝનલ શાકભાજીના સ્વાદને ઑફ-સીઝનમાં પણ માણી શકાય છે. એટલું જ નહીં, એનો રસોઈમાં પણ ઇન્સ્ટન્ટ યુઝ કરી શકાય છે. જો તમારા ઘરમાં તાજો મીઠો લીમડો ન હોય તો દાળ કે શાકમાં એને બદલે એનો ઘરમાં સંગ્રહ કરેલો પાઉડર નાખી શકો છો. આ રીતે શાકભાજીને પાઉડરના ફૉર્મમાં સાચવી રાખીએ તો આ રીતે ઉપયોગમાં આવી શકે છે. શાકભાજીને અને ફ્રૂટ્સને પ્રવાસ દરમ્યાન સાથે લઈ જવાં મુશ્કેલ હોય છે ત્યારે એમાંથી બનાવેલા પાઉડર્સ કૅરી કરવામાં હળવા અને હૅન્ડી હોવાથી સહેલાઈથી લઈ જઈ શકાય છે. જે બાળકો શાકભાજી ન ખાતાં હોય તેમને પરાઠાનો કે થેપલાંનો લોટ બાંધતી વખતે એમાં પાઉડર મિક્સ કરીને ખવડાવવાથી એના ગુણો મળે છે.
ઘરે પાઉડર કઈ રીતે બને?
પાઉડર બનાવવા માટે ફળ અને શાકભાજીને ડીહાઇડ્રેટ કરવાં પડે છે એટલે કે એમાંનું પાણી એકદમ સૂકવવું પડે છે. પાઉડર બનાવવા માટે જે શાકભાજી પસંદ કરો એને પહેલાં સારી રીતે ધોઈ લો. પછી એના નાના ટુકડા કરીને એક કપડામાં અથવા ટ્રેમાં પાથરીને લાઇટ સનલાઇટ આવે એ રીતે ત્રણથી ૭ દિવસ સુધી સૂકવો. જો આમ ન કરવું હોય અને ઘરમાં અવન હોય તો એમાં ૫૦થી ૬૦ ડિગ્રી તાપમાને સૂકવી શકાય છે. આ રીત ઝડપી અને હાઇજીનિક હોય છે. એમાંથી પાણી એકદમ સુકાઈ જાય ત્યાં સુધી એની સુકવણી કરો. જો પાણી રહી ગયું હશે તો એ જલદી બગડી જશે. સુકાઈ ગયેલા ટુકડાઓને મિક્સરમાં પીસીને પાઉડર બનાવી લો અને પછી એને ગળણીથી ચાળીને હવાચુસ્ત ડબ્બામાં ભરી દો. એને છાંયાવાળી અને ઠંડી જગ્યાએ રાખવાથી છ મહિના સુધી સારો રહે છે. આ પ્રક્રિયામાં શાકભાજીના ગુણોનો નાશ થતો નથી. માર્કેટમાં આવા રેડીમેડ પાઉડર્સ મળે છે, પણ એમાં કેમિકલ્સ અને પ્રિઝર્વેટિવ્સ હોવાના ચાન્સ વધુ હોવાથી ઘરે બનાવવા સેફ ઑપ્શન છે. કાંદાના પાઉડરનો ઉપયોગ શાક, દાળ કે સૂપમાં કરી શકાય છે. ટમેટાના પાઉડરનો ઉપયોગ ચટણી કે પીત્ઝા સૉસ બનાવવામાં થઈ શકે છે. સરગવા અને પાલકમાંથી ભરપૂર પ્રમાણમાં આયર્ન અને કૅલ્શિયમ મળતું હોવાથી એના પાઉડરને શાકમાં મિક્સ કરીને ખાઈ શકાય છે. સ્મૂધી બનાવવામાં બીટનો પાઉડર ઍડ કરી શકાય છે. આ પાઉડર્સનો ઉપયોગ રસોડા સુધી સીમિત રહ્યો નથી. જાસૂદ એટલે કે હિબિસકસ, બીટ અને આદુંના પાઉડરની પેસ્ટ બનાવીને ત્વચા અને વાળમાં પણ લગાવી શકાય છે. એનાથી સ્કિન અને હેર-હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે.

