આજે સમજીએ કે આ બનાવ પાછળ ખરેખર શું કારણો હતાં અને કઈ રીતે નક્કી કરી શકાય કે કફ સિરપ બાળકને આપવું કે નહીં
પ્રતીકાત્મક તસવીર
હાલમાં ઝેરી કફ સિરપ પીને દેશમાં ૨૩ બાળકોનાં મૃત્યુ થઈ ગયાં એ ન્યુઝ કોઈ પણ વ્યક્તિ માટે આંચકાજનક હતા. એક સામાન્ય દવાને કારણે જો કોઈ મરી શકે તો એને સંબંધિત ઘણા પ્રશ્નો ઊભા થાય છે. આ બનાવ પછી સરકારે પણ એવી સલાહ આપી હતી કે બે વર્ષથી નાનાં બાળકોમાં જો શરદી, ઉધરસ થાય તો દવા આપવાની ખાસ જરૂર પડતી નથી માટે કફ સિરપનો ઉપયોગ સમજી-વિચારીને કરવામાં આવે. આજે સમજીએ કે આ બનાવ પાછળ ખરેખર શું કારણો હતાં અને કઈ રીતે નક્કી કરી શકાય કે કફ સિરપ બાળકને આપવું કે નહીં
ઝેરી કફ સિરપને કારણે ભારતભરમાં અત્યાર સુધીમાં ૨૩ બાળકોનાં મોત થયાં છે. મધ્ય પ્રદેશના છિંદવાડામાંથી આ ઘટના સામે આવી કે પાંચ વર્ષથી નાનાં બાળકોનાં મૃત્યુ એક સામાન્ય ગણાતા કફ સિરપથી થવા લાગ્યાં. આ બનાવ પછી રાજસ્થાનમાં પણ બાળકોનાં મૃત્યુના બનાવો એકદમ જ સામે આવ્યા જેને કારણે તાત્કાલિક એ કફ સિરપની તપાસ આદરવામાં આવી. તામિલનાડુના ડ્રગ કન્ટ્રોલના ડિરેક્ટરના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે આ સિરપ નૉન-ફાર્માસ્યુટિકલ ગ્રેડ કેમિકલમાંથી બનાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કંપનીના માલિકે મૌખિક રીતે સ્વીકાર્યું કે તેણે બે શિપમેન્ટમાં પ્રોપિલિન ગ્લાયકોલની ૫૦ કિલોગ્રામની બે બૅગ ખરીદી હતી. આનો અર્થ એ થયો કે કંપનીએ ૧૦૦ કિલોગ્રામ ઝેરી કેમિકલ ખરીદ્યું હતું. લૅબ પરીક્ષણોમાં એ પણ જાણવા મળ્યું કે સિરપમાં ડાયએથિલિન ગ્લાયકોલ (DEG) અને એથિલિન ગ્લાયકોલ (EG) જેવાં ઝેરી કેમિકલની હાજરી નિર્ધારિત ધોરણ કરતાં ૪૮૬ ગણી વધુ હતી. આ બનાવ પછી તાત્કાલિક ધોરણે ત્રણ કફ સિરપની બ્રૅન્ડ કોલ્ડ્રિફ, રેસ્પિફ્રેશ-ટીઆર અને રિલાઇફના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચેન્નઈમાં કોલ્ડ્રિફ સિરપ બનાવતી કંપની શ્રીસન ફાર્માના ડિરેક્ટર ગોવિંદન રંગનાથનની ધરપકડ પણ થઈ ચૂકી છે. સૌથી મોટા અફસોસની વાત એ છે કે શરદી જેવી સામાન્ય બીમારીમાં એક સામાન્ય કફ સિરપ જેવી દવા આપવાને કારણે કેટલાં બાળકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. આ બનાવ રેગ્યુલેટરી બૉડીઝ પર સવાલ ઊભા કરે છે કે કેમ દવાઓના વેચાણ અને નિર્માણ પર નિયંત્રણ નથી? છે તો આટલું ઢીલું કેમ છે? ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ વિશે સાંભળેલું, હવે દવાઓમાં પણ જો ભેળસેળ થવા લાગી તો માણસ ક્યાં જશે? એક રીતે આ ઘટનાએ લોકોમાં ખાસ્સો ડર ભરી દીધો છે.
ADVERTISEMENT
કયું કેમિકલ જવાબદાર?
પહેલાં તો જાણીએ કે આવું થયું કઈ રીતે અને આની પાછળ જવાબદાર કેમિકલ છે શું. એ વિશે વાત કરતાં પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘કોઈ પણ કફ સિરપમાં એક કેમિકલ વાપરવામાં આવે છે જેનું નામ છે ગ્લિસરોલ. આ એક પ્રકારે મધ જેવું હોય છે જે ગળાને સ્મૂધ કરે છે. ગ્લિસરોલને કફ સિરપમાં એક સ્મૂધનિંગ એજન્ટ તરીકે વાપરવામાં આવે છે. હવે એ બે પ્રકારના હોય છે, એક ઇન્ડસ્ટ્રિયલ અને બીજું ફાર્માસ્યુટિકલ ગ્લિસરોલ. દવાઓમાં ફાર્માસ્યુટિકલ ગ્લિસરોલ જ વાપરવું જોઈએ પરંતુ ઘણી દવા બનાવનારી કંપનીઓ પૈસા બચાવવા માટે ઇન્ડસ્ટ્રિયલ ગ્લિસરોલ વાપરે છે જેના પર રોક હોવી જરૂરી છે. ક્વૉલિટી કન્ટ્રોલ ચેક અતિ જરૂરી છે. આ જે ઇન્ડસ્ટ્રિયલ ગ્લિસરોલ છે એની અંદર ડાય ઇથિલિન ગ્લાયકોલ હોય છે જે અતિ ઝેરી પદાર્થ છે. એને કારણે જ બાળકોનાં મૃત્યુ થયાં છે કારણ કે આ કેમિકલ શરીરમાં જઈને કિડની, લિવર અને બ્રેઇન ડૅમેજ કરી શકે છે. આવાં કેમિકલ્સનો ઉપયોગ દવાઓમાં થવો જ ન જોઈએ. જે દવા જીવન બચાવનારી છે એ જીવન ખતમ કરનારી બની જાય એ કેવી રીતે સહ્ય બની શકે?’
દવા ક્યારે આપવી?
શરદી અને ખાંસી વાઇરલ ઇન્ફેક્શનને કારણે જોવા મળતાં ચિહનો છે. વાઇરલ ઇન્ફેક્શન માટે કોઈ ખાસ દવાઓ હોતી નથી. જે દવાઓ આપવામાં આવે છે એ એનાં ચિહનોને કાબૂમાં રાખવા માટે આપવામાં આવે છે. બીજું એ કે કોઈ પણ દવા એવી નથી જેની સાઇડ-ઇફેક્ટ હોય નહીં તો નવજાત બાળકોને આપણે એ સાઇડ-ઇફેક્ટથી જેટલાં બચાવી શકીએ એટલાં બચાવવા જોઈએ. એ વિશે વાત કરતાં પીડિયાટ્રિશ્યન ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘આજકાલ માતા-પિતાને એવા ડૉક્ટર્સ ગમતા જ નથી જે બાળકને દવાઓ ન આપે. તેમને લાગે છે કે દવા તો લખી નહીં તો ફીસ શેની લીધી? બીજું એ કે બે છીંક પણ આવે તો ગભરાઈને ડૉક્ટર પાસે પહોંચી જતાં માતા-પિતાની સંખ્યા પણ વધતી જાય છે. પહેલાંનાં માતા-પિતા ઘરગથ્થુ ઉપચારમાં માનતાં. બાળકને શરદી થઈ હોય તો કાઢો, હળદરવાળું દૂધ કે આદું અને મધ ચટાડતાં. એક-બે દિવસમાં ન સારું લાગે તો ડૉક્ટર પાસે લઈ જતાં. આજે ઓવર-કૅર છે. તેના પર ધ્યાન આપવું જરૂરી છે. ડૉક્ટર પાસે પહોંચી જાઓ એ પણ ઠીક છે પણ જ્યારે ડૉક્ટર કહે કે તેને દવાની જરૂર નથી ત્યારે એ વાત માનો. કોઈ રોગ આગળ વધે એ પહેલાં જ દવા આપીને રોગ થવા જ ન દેવાની માનસિકતામાંથી પેરન્ટ્સે બહાર આવવાની જરૂર છે.’
ડૉક્ટરનો રોલ
આ આખો બનાવ બન્યો ત્યારે પેલા ડૉક્ટરની પણ વલે થયલી. પોલીસ પૂછપરછ દરમિયાન જે ડૉક્ટરે આ બાળકોને કફ સિરપ લખી આપ્યું હતું તેણે કહ્યું કે આમાં મારો કોઈ વાંક જ નથી, કારણ કે વર્ષોથી હું આ દવા મારા દરદીઓને આપું છું. તેમને કશું જ થયું નથી. મને કેવી રીતે ખબર પડે કે આ ભેળસેળવાળી દવા છે? એક રીતે આ ડૉક્ટરની વાત સાચી છે. એ બાબતે ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘ડૉક્ટરનો રોલ એટલો રહેશે કે તે સારી અને વિશ્વસનીય બ્રૅન્ડની દવાઓ જ લખી આપે. નવી કંપનીઓ, નવી બ્રૅન્ડ્સ અને એની નવી ઑફર્સમાં ન પડીને, ઑથેન્ટિક કંપનીઓ પર ભરોસો કરે. મોટા ભાગના ડૉક્ટર્સ આવું જ કરતા હોય છે. આ ઉપરાંત માતા-પિતાએ સીધું મેડિકલ સ્ટોરથી કોઈ દવા લઈને તેમના બાળકને ન આપવી. આ રીતે તમે રિસ્ક જાતે ઊભું કરો છો.’
કફ સિરપથી ડરવા જેવું નથી
કફ સિરપ જેવી સાદી દવા માટે ક્યારેય પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડતી નથી. એ તો શરદીમાં થોડી શાતા માટે વપરાતી દવા છે. એનાથી થોડી ઊંઘ આવે છે એને પણ લોકો સાઇડ-ઇફેક્ટ ગણે છે, પણ ઍન્ટિ-હિસ્ટમાઇન દવાને કારણે એમાં ઊંઘ આવે છે જે ઊલટું સારું છે કારણ કે શરદી કે વાઇરલમાં તમે સૂઈ જાઓ તો શરીર વાઇરસ સામે સારું લડી શકે. વધુ આરામ તમને જલદી ઠીક કરતું હોય છે એ સમજાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘વયસ્ક લોકોમાં શરદી-ખાંસીની દવા ન આપીએ તો પણ ચાલે. થોડું સહન કરી લો તો વાઇરલ ઇન્ફેક્શન એની મેળે ૭ દિવસમાં જતું રહે છે. પહેલાંના લોકો એમ જ કરતા, પરંતુ નાનાં બાળકોમાં એવું થાય છે કે શરદીને કારણે તેમને શ્વાસ લેવાનું અઘરું પડી જાય છે. બાળક ખૂબ જોર-જોરથી રડે, સૂઈ ન શકે, ફીડ ન કરી શકે એટલે માતા-પિતા ચિંતામાં પડીને દવા લેવા દોડે છે. મને ૪૮ વર્ષ થઈ ગયાં પ્રૅક્ટિસ કરતાં-કરતાં, આવા કોઈ કિસ્સાઓ બન્યા નથી. દવાઓથી ગભરાવા જેવું નથી. જ્યારે ખૂબ જરૂરી લાગે ત્યારે જ ડૉક્ટર તમને દવા આપે છે. દવાઓથી કે કફ સિરપથી ગભરાવા જેવું નથી. એની સામે દેશમાં કાયદાઓ સખત કરવાની જરૂર છે. રેગ્યુલેશન ઠીક રહેશે તો ભેળસેળથી આપણે બચી શકીશું.’
ખબર ક્યારે પડે કે બાળકને દવાની જરૂર છે કે નહીં?
આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘જ્યારે તમારું બાળક રમતું હોય, ખાઈ શકતું હોય, યુરિન પાસ થતું હોય અને સૂઈ શકતું હોય તો તેને ડૉક્ટર કે દવાની જરૂર નથી. થોડી તકલીફ પડે એમાં ગભરાવું નહીં. એની સામે અમુક ટકા એવા પણ પેરન્ટ્સ છે જે બાળકને ખૂબ તાવ ચડે તો પણ દવા લેતા નથી. આવી મૂર્ખામી ન કરવી કારણ કે નાનાં બાળકોને જો તાવ મગજ પર ચડી જાય તો તકલીફ વધી જાય છે. જો કન્ફ્યુઝન હોય તો ડૉક્ટરને પૂછી લો પણ બિનજરૂરી દવાઓ ન આપો અને દવાઓથી દૂર પણ ન ભાગો. એની જરૂરિયાત સમયે એ લેવી પણ એટલી જ જરૂરી છે.’
સાઇડ-ઇફેક્ટ
કફ સિરપ એક સેફ દવા જ છે છતાં દરેક દવાની જેમ એની પણ અમુક લોકોને સાઇડ-ઇફેક્ટ થઈ શકે છે જે વધુ નથી હોતી, ઓછી માત્રામાં હોય છે.
ઊંઘ આવવી
પેટ ખરાબ થવું
ઊલટી કે ડાયેરિયા થઈ જવા
ડ્રાય માઉથ
માથાનો દુખાવો
ટ્રાય કરો નાની-દાદીના આ ઘરગથ્થુ ઉપચાર
બે વર્ષથી નાના બાળકને શરદી થાય ત્યારે દવાને બદલે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરી શકાય જે ઘણા અસરકારક હોય છે જે વર્ષોથી આપણાં નાની-દાદી કરતાં આવ્યાં છે. જેમ કે
તુલસીના પાનનો ઉકાળો પીવડાવવો. અડધી વાટકી પાણીમાં તુલસીનાં પાનને થોડાં વાટીને ઉકાળી લેવાં અને એ પાણી બાળકને પીવડાવવું.
નાક જ્યારે બંધ હોય ત્યારે એ શ્વાસ ન લઈ શકતું હોય ત્યારે સ્ટીમ આપવી. આપણી જેમ તે સ્ટીમરમાં સ્ટીમ ન લઈ શકે પરંતુ ઊકળતા ગરમ પાણી પાસે તમે પાંચ મિનિટ તેને લઈને ઊભા રહો, એ વરાળથી એનો શેક થઈ જશે.
તેને રાબ કે ગરમ લિક્વિડ પીવડાવો.
હળદર-સૂંઠ મિક્સ કરીને એમાં મધ ભેળવીને તેને ચટાડી શકાય.
અજમો અને લસણને રાઈના ગરમ તેલમાં વઘારીને એ તેલને બાળકના પગના તળિયે લગાવવું કે શરીરે માલિશ કરવું.
આ જ અજમો અને લસણને સૂકાં સાંતળી લેવાં અને એની એક પોટલી બનાવી બાળક સૂતું હોય તેની પાસે રાખી દેવી.
તેને જ્યારે સુવડાવો ત્યારે માથા નીચે તકિયો રાખો જેથી રાત્રે શ્વાસ લેવામાં તકલીફ ન પડે.

