ચહેરાનું તેજ વધારવા, વાળને હેલ્ધી બનાવવા અને જૉઇન્ટ્સની હેલ્થ સુધારવા માટે આજકાલ કૉલેજનનાં સપ્લિમેન્ટ લેવાનો ટ્રેન્ડ ચાલ્યો છે ત્યારે આ કૉલેજન શું છે અને એના સેવનમાં કઈ કાળજી રાખવી એ જાણી લો
કૉલેજન સપ્લિમેન્ટ્સ લેતી વખતે આટલું ધ્યાન રાખો
કૉલેજન સપ્લિમેન્ટ્સ એક ટ્રેન્ડ બની ગયો છે. ખાસ કરીને બ્યુટી, ઍન્ટિ-એજિંગ અને હેલ્થકૅર ક્ષેત્રમાં એની બોલબાલા વધી છે. કૉલેજન શરીરનું એ પ્રમુખ પ્રોટીન છે જે ત્વચાની મજબૂતી અને લવચીકતા જાળવી રાખવાનું કામ કરે છે. હાડકાં અને સાંધાઓને મજબૂત રાખવાનું કામ છે. વાળ અને નખને મજબૂત કરે છે. ઉંમર વધવાની સાથે કૉલેજનનું સ્તર ઘટે છે પરિણામે ત્વચા ઢીલી, કરચલીવાળી થતી જાય છે, વાળ-નખ નબળા પડવા લાગે, સાંધામાં દુખાવો વગેરે જેવી સમસ્યા થવા લાગે છે. લોકોમાં ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીને લઈને જાગૃતતા વધી હોવાથી તેઓ કૉલેજન સપ્લિમેન્ટ્સનું સેવન કરીને ત્વચા, વાળ, નખ, હાડકાંને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરે છે. આજકાલ કૉલેજન સપ્લિમેન્ટ્સ પાઉડર, કૅપ્સુલ, ગમીઝ, ડ્રિન્ક્સ અને જેલીના રૂપમાં ઉપલબ્ધ છે. એમાં પણ ફ્લેવર્ડ ઑપ્શન્સ હોય છે જેથી એનું સેવન વધુ સરળ બને.
શું ધ્યાન રાખવું?
કૉલેજનમાં વીગન અને પ્લાન્ટ બેઝ્ડ તેમ જ મરીન અને ઍનિમલ બેઝ્ડ કૉલેજન પણ હોય છે. એટલે શાકાહારીઓએ કૉલેજન સપ્લિમેન્ટ્સ શેમાંથી બનેલાં છે એ વાંચીને પછી જ ખરીદવાં જોઇએ. એવી જ રીતે આપણી જરૂરિયાત અનુસાર કૉલેજનની ટાઇપ પસંદ કરવો જોઈએ. જેમ કે ટાઇપ વન અને થ્રી સ્કિન અને બ્યુટી માટે વધુ ફાયદાકારક હોય છે, જ્યારે ટાઇપ ટૂ મુખ્યત્વે હાડકાંઓના સ્વાસ્થ્ય માટે હોય છે.
ADVERTISEMENT
કૉલેજન શરીર માટે સારું છે, પણ એનો ઓવરડોઝ નુકસાન પહોંચાડી શકે છે. એટલે દરરોજ પાંચ-દસ ગ્રામથી વધારે કૉલેજન ન લેવું જોઈએ. એના વધુપડતા સેવનથી બ્લોટિંગ, ગૅસ, અપચો, ઊલટી, ઝાડા વગેરે જેવી સમસ્યા થઈ શકે છે. કૉલેજન પણ એક પ્રકારનું પ્રોટીન હોવાથી એના વધુપડતા સેવનથી કિડની પર દબાવ વધી શકે છે.
કૉલેજન સપ્લિમેન્ટ્સની સાથે આહારમાં વિટામિન C, પ્રોટીન અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર ખોરાકનો ડાયટમાં સમાવેશ કરવો પણ એટલું જ જરૂરી છે. વિટામિન C કૉલેજનના ઍબ્સૉર્પ્શનને વધારવાનું કામ કરે છે. સાથે જ પૂરતા પ્રમાણમાં પાણી પીવા પર પણ ધ્યાન આપવું જાઈએ.


