હા, કૉફીમાં રહેલું કૅફીન શરીરમાં રહેલી સુસ્તી અને આળસ તો ઉડાડે છે, પણ એની સાથે ડીહાઇડ્રેશનનું પણ કારણ બની શકે
પ્રતીકાત્મક તસવીર
આપણે ચા અને કૉફી જેવાં કૅફીનયુક્ત પીણાંથી એટલા ઍડિક્ટિવ છીએ કે એના વગર દિવસની શરૂઆત થાય એવો વિચાર સુધ્ધાં નથી કરી શકતા. ઑફિસમાં સુસ્તીને દૂર કરવા માટે જરૂર કરતાં વધુ કૉફી પીવામાં આવે તો એ શરીરની એનર્જી હજી ઓછી કરી નાખે છે. આવું એટલા માટે થાય છે કારણ કે કૅફીનયુક્ત પીણાનું સેવન શરીરના હાઇડ્રેશન લેવલને ઓછું કરી નાખે છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક ડાયટિશ્યને આ વિશે એક પોસ્ટ શૅર કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે કૉફી પીવા પહેલાં અને પીધા પછી જો એક-એક બૉટલ જેટલું પાણી પીવામાં આવે તો શરીર ડીહાઇડ્રેટ થશે નહીં.
એક્સપર્ટનો શું છે ઓપિનિયન?
આ મુદ્દે મુલુંડમાં રહેતાં ડાયટિશ્યન ડિમ્પલ સંઘવી પોતાનો મત વ્યક્ત કરતાં જણાવે છે, ‘કૉફી કૅફીનવાળુ પીણું હોવાથી એ ડાયયુરેટિક છે. ડાયયુરેટિક એટલે એ શરીરના પાણીને યુરિનમાં કન્વર્ટ કરવાનું કામ કરે. કૉફી પીધા પછી શરીરનું પાણી યુરિન વાટે નીકળી જાય, પરિણામે એ ડીહાઇડ્રેટ થાય. એ જાણવું પણ જરૂરી છે કે આવું ક્યારે થાય છે. આવું ત્યારે જ થાય છે જ્યારે જરૂર કરતાં વધુ કૉફીનું સેવન થાય. બે નાના કપ કૉફી પીવાથી ડીહાઇડ્રેશનની સમસ્યા નથી થતી, પણ ઑફિસમાં જ્યારે વર્કલોડ વધુ હોય અને એ સમયે જો પાંચ-છ કપ કૉફી પિવાઈ જાય ત્યારે આ સમસ્યા થઈ શકે છે અને ધ્યાન ન આપવામાં આવે તો ભવિષ્યમાં એ સમસ્યા વકરી શકે છે. આવું ખાસ કરીને ઉનાળામાં વધુ થતું હોય છે. ટૂંકમાં કહું તો જે પીણામાં દૂધ અને સાકર આવે એ ન પીવું જોઈએ. એમાં રહેલી સાકર બ્લડ-શુગર લેવલને વધારી શકે છે, જેને લીધે વધુ આળસ અને સુસ્તી ફીલ થાય છે. વારંવાર કૉફી પીવામાં આવે તો સુસ્તી ઊડવાને બદલે વધુ આવે છે અને ઘેન ચડવાની સાથે થાક પણ લાગે છે.
જો કૉફીનું વળગણ હોય તો એ પીતાં પહેલાં અને પીધા પછી ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. એ શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે ઍન્ટિઑક્સિડન્ટ્સનું પ્રમાણ જાળવી રાખશે. એવું જરૂરી નથી કે ફક્ત કૉફી પીવાથી જ આવું થાય છે કૅફીનયુક્ત કોઈ પણ પીણાં પીવાથી ડીહાઇડ્રેશન થઈ શકે છે. કૉફી પીધાના અડધા કલાક પહેલાં ડ્રાયફ્રૂટ ખાઈને પાણી પીધા બાદ કૉફી પીવી ઉત્તમ રહેશે અને અડધા કલાક પછી પાણી પીવું. પાણીની માત્રા અડધા લિટર કરતાં વધુ હોય તો સારું રહેશે. જો સાદું પાણી ન પીવું હોય તો તકમરિયાંવાળું પાણી કે અળસીનું પાણી પણ પી શકાય.
કૉફીને બદલે હેલ્ધી ડ્રિન્ક પી શકાય
મારી સલાહ છે કે ગરમીમાં ચા-કૉફીને બદલે હેલ્ધી ડ્રિન્ક પીવાં જોઈએ જે શરીરને ઠંડક આપવાની સાથે હાઇડ્રેટ પણ રાખે, કારણ કે ઉનાળામાં ડીહાઇડ્રેશનનો ઇશ્યુ સૌથી વધુ રહેતો હોય છે. એમાં ફ્રૂટ ઇન્ફ્યુઝ્ડ વૉટર સર્વોત્તમ પર્યાય છે. બીટ, ફુદીના, તુલસીનાં પાન અને કાકડીને સવારે પાણીમાં સમારીને રાખી દેવાં અને બે કલાક પછી એ પીવામાં આવે તો એ શરીર માટે ફાયદાકારક છે. આ ઉપરાંત બીટ અને ગાજરનો જૂસ ફાઇબરની કમી પૂરશે. આમળાનો રસ પણ શરીર માટે સારો કહેવાય. વેજિટેબલ સૂપ, નારિયેળપાણી, છાશ અને ગ્રીન ટી અને હર્બલ ટી પણ પી શકાય. દૂધવાળાં પીણાં કરતાં પાણીવાળાં પીણાં સ્વાસ્થ્યને વધુ ફાયદો આપે છે.

