મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કરી જાહેરાત
કોંકણના સંગમેશ્વરમાં આવેલો સરદેસાઈ વાડો.
છત્રપતિ સંભાજી મહારાજને કોંકણમાં આવેલા સંગમેશ્વર ખાતેના સરદેસાઈ વાડામાં મુગલ શહેનશાહ ઔરંગઝેબના સૈનિકોએ કેદ કર્યા હતા. બાદમાં ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજની નિર્દય રીતે હત્યા કરી હતી. છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મ ‘છાવા’માં આ દૃશ્ય બતાવવામાં આવ્યાં છે. એ જોઈને લોકો સંગમેશ્વર જઈને સરદેસાઈ વાડાની મુલાકાત કરી રહ્યા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે વિધાનસભામાં કહ્યું હતું કે ‘છત્રપતિ સંભાજી મહારાજ છેલ્લે સંગમેશ્વરમાં આવેલા સરદેસાઈ વાડામાં રોકાયા હતા. આ વાડાને હસ્તગત કરીને અહીં છત્રપતિ સંભાજી મહારાજનું સ્મારક બનાવવામાં આવશે. છત્રપતિ સંભાજી મહારાજ શૌર્યના પ્રતીક છે. તેઓ ધર્મવીર, સ્વરાજ્યરક્ષક હતા. સરદેસાઈ વાડામાં છત્રપતિને છાજે એવું સ્મારક ઊભું કરવામાં આવશે.’
ઉલ્લેખનીય છે કે સંગમેશ્વર ખાતેનો સરદેસાઈ વાડો નાનો છે. આથી વાડાની આજુબાજુમાં આવેલી ૧૦૦ એકર જમીન હસ્તગત કરીને અહીં છત્રપતિ સંભાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાની માગણી ભારતીય જનતા પાર્ટીના વિધાન પરિષદના સભ્ય પ્રસાદ લાડે કરી હતી.

