અફઘાનિસ્તાનનો અઝમતુલ્લાહ ઓમરઝાઈ બન્યો નંબર વન ઓલરાઉન્ડર
વરુણ ચક્રવર્તી
ICCએ ગઈ કાલે જાહેર કરેલાં અપડેટેડ રૅન્કિંગ્સમાં ભારતીય પ્લેયર્સનો દબદબો જોવા મળ્યો છે. વન-ડે બોલર્સના રૅન્કિંગમાં ભારતના મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તીએ ૧૪૩ સ્થાનની મોટી છલાંગ મારીને ટૉપ-૧૦૦માં એન્ટ્રી કરી છે. ચૅમ્પિયન્સ ટ્રોફીની બે મૅચમાં સાત વિકેટ લેનાર વરુણ ૩૭૧ રેટિંગ પૉઇન્ટ સાથે સંયુક્ત રીતે ૯૬મા ક્રમે છે. સ્પિનર કુલદીપ યાદવ (૬૩૭ રેટિંગ પૉઇન્ટ)ને ત્રણ સ્થાનનું નુકસાન થતાં તે છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે. સ્પિનર અક્ષર પટેલે બોલિંગ રૅન્કિંગમાં સાત સ્થાનના ફાયદા સાથે ૪૦મો ક્રમ અને ઑલરાઉન્ડર રૅન્કિંગમાં ૧૭ સ્થાનના ફાયદા સાથે ૧૩મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ગયા વર્ષનો વન-ડે ક્રિકેટર ઑફ ધ યર અફઘાનિસ્તાનનો અઝમતુલ્લાહ ઓમરઝાઈ (૨૯૬ રેટિંગ પૉઇન્ટ) વન-ડે ઑલરાઉન્ડર્સના લિસ્ટમાં નંબર વન બન્યો છે.
શુભમન ગિલ (૭૯૧ રેટિંગ પૉઇન્ટ) બૅટિંગ રૅન્કિંગમાં ટોચના સ્થાને યથાવત્ છે, જ્યારે વિરાટ કોહલી (૭૪૭ રેટિંગ પૉઇન્ટ)ને એક સ્થાનનો ફાયદો મળતાં તે ચોથા ક્રમે પહોંચ્યો છે. કૅપ્ટન રોહિત શર્માને બે સ્થાનનું નુકસાન થયું છે. તે હવે ૭૪૫ રેટિંગ પૉઇન્ટ સાથે પાંચમા ક્રમે છે. શ્રેયસ ઐયરે (૭૦૨ રેટિંગ પૉઇન્ટ) પણ એક સ્થાનના ફાયદા સાથે ટૉપ-ટેનમાં ૮મા ક્રમને મજબૂત કરવામાં સફળતા મેળવી છે.

