Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પ્રી-ડાયાબેટિક છો તો ભીંડા અચૂક ખાજો

પ્રી-ડાયાબેટિક છો તો ભીંડા અચૂક ખાજો

Published : 25 February, 2025 01:32 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

ભીંડા એવું શાક છે જે કોઈને ભાવે તો બહુ જ ભાવે અને ન ભાવે તો જરાય ન ભાવે. જોકે આજે આ પાતળી લેડીઝ ફિંગરના ફાયદા જાણશો તો સમજાઈ જશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભીંડા એવું શાક છે જે કોઈને ભાવે તો બહુ જ ભાવે અને ન ભાવે તો જરાય ન ભાવે. જોકે આજે આ પાતળી લેડીઝ ફિંગરના ફાયદા જાણશો તો સમજાઈ જશે કે ભાવે કે ન ભાવે, આ શાક નિયમિત ખાવામાં જ શરીરની ભલાઈ છે. માત્ર બ્લડશુગર જ નહીં, આંતરડાંની સમસ્યા અને શરીરમાં ક્યાંય સોજો હોય એમાં પણ આ ભીંડાનુું શાક ઔષધનું કામ કરે છે


થોડા દિવસ પહેલાં હોલિસ્ટિક લાઇફસ્ટાઇલ ગુરુ લ્યુક કુટિન્હોએ ભારતમાં છૂટથી મળતા આ ભીંડા કેમ ખાવા જોઈએ એની હિમાયત કરી હતી. આમ તો એના અનેક ફાયદા છે પણ એના ત્રણ ફાયદા વિશે લ્યુક કુટિન્હોએ કહેલું. એક તો ભીંડામાં સોજો ઉતારવાના ગુણ રહેલા છે. શરીરમાં ક્યાંય પણ નાનો-મોટો સોજો રહેતો હોય તો ભીંડામાં રહેલાં પોષક તત્ત્વો બહુ કામનાં છે. બીજું, એમાં રહેલું ફાઇબર આંતરડાંમાંના બૅક્ટેરિયા માટે ખૂબ સારું ફૂડ બને છે અને ત્રીજું ઇન્સ્યુલિન પર ભીંડાની અસર. ઇન્સ્યુલિન રિલીઝ થવામાં તેમ જ રિલીઝ થયેલું ઇન્સ્યુલિન કામ કરતું થાય એ માટે ભીંડા ખૂબ કામના છે. જેમને ભીંડાનું શાક ન ભાવતું હોય તો પહેલાં એના ફાયદા જાણી લેજો. આ શાક ન ખાઈને તમે તમારા શરીરને એનાથી મળતા ફાયદાથી વંચિત રાખી રહ્યા છો. ભીંડો ખાવામાં થોડો ચીકાશવાળો હોવાથી ઘણા લોકોને એ ભાવતો નથી. જોકે એ ચીકાશ જ એને ગુણકારી બનાવે છે. ભીંડાથી સ્વાસ્થ્યને લાભ પહોંચે છે. એમાં પણ જેમને બ્લડ-શુગરની સમસ્યા હોય તેમના માટે તો ભીંડો ઉત્તમ કહેવાય. પાચન સુધારવાથી લઈને વજન ઘટાડવામાં તેમ જ શરીરમાં ઇન્ફ્લમેશન ઓછું કરવામાં ભીંડો ખાવાથી ફાયદો થાય છે. ભીંડાનો ઉપયોગ ત્વચા અને વાળને હેલ્ધી રાખવા માટે પણ થાય છે. ભીંડામાં સમાયેલા ગુણો અને એનાથી શરીરને થતા ફાયદાઓ વિશે ૨૫ વર્ષનો અનુભવ ધરાવતાં અને કાંદિવલીનાં જાણીતાં ડાયટિશ્યન શર્મિલા મહેતા પાસેથી જાણી લઈએ.



કડક તળી નાખી હોય એવી કુરકુરી ભીંડી ન ખાવી, એમાં કોઈ પોષણ બચતું નથી.


બ્લડ-શુગર કન્ટ્રોલ કરે

ભીંડામાં ઓગળી જાય એવું અને ન ઓગળે એવું રેસાદાર એમ બન્ને પ્રકારનાં ફાઇબર હોય છે જે આંતરડાના માર્ગમાંથી શુગરનું શોષણ ધીમું પાડે છે. એને કારણે જમ્યા પછી તરત જ લોહીમાં શુગરનું લેવલ ઝડપથી વધતું નથી.


ભીંડો ઇન્સ્યુલિન નામના હૉર્મોનની સેન્સિટીવિટી વધારે. ઇન્સ્યુલિન એ હૉર્મોન છે જે બ્લડ-શુગર લેવલને રેગ્યુલેટ (નિયમન) કરવાનું કામ કરે છે. ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધેલી હશે તો તમારું બૉડી એનો ઉપયોગ વધુ અસરકારક રીતે કરી શકશે. એટલે જેમને ડાયાબિટીઝની સમસ્યા હોય તેમના માટે ભીંડાનું શાક એક સારો વિકલ્પ છે.

પાચનતંત્ર માટે સારું

ભીંડામાં રહેલું ફાઇબર પાચનમાં મદદ કરે છે. એમાં રહેલું ફાઇબર સરળતાથી મળત્યાગ કરવામાં મદદરૂપ બને છે. એટલે જેમને કબજિયાતની સમસ્યા હોય તેમના માટે ભીંડાનું સેવન લાભદાયક છે. ભીંડામાં રહેલું પ્રીબાયોટિક ફાઇબર ગટ (આંતરડા) રહેલા ગુડ બૅક્ટેરિયાનો ખોરાક છે. આ ગુડ બૅક્ટેરિયાનું કામ આંતરડાંને સ્વસ્થ રાખવાનું છે. ભીંડો ખાવાથી કોલોન (મોટા આંતરડાનો એક ભાગ) કૅન્સરનું જોખમ ઘટે છે, કારણ કે ઇન્ટેસ્ટાઇનલ ટ્રૅકને સાફ રાખવામાં ફાઇબરની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. જોકે આ દિશામાં હજી પૂરતું રિસર્ચ થયું નથી.

ઇન્ફ્લમેશન ઘટાડે

શરીરમાં ઇન્ફ્લમેશન થવાનાં ઘણાં કારણો છે જેમ કે દૈનિક જીવનમાં શા​રીરિક શ્રમનો અભાવ, ચરબીયુક્ત અને સાકરવાળા પદાર્થોનું વધુપડતું સેવન, તમાકુ કે આલ્કોહોલ પીવાની આદત હોય, પ્રદૂષણ, ગટમાં ગુડ અને બૅડ બૅક્ટે​રિયા વચ્ચે અસંતુલન સર્જાયું હોય, સ્લીપ સાઇકલ ડિસ્ટર્બ થઈ હોય, ક્રૉનિક સ્ટ્રેસ વગેરે. એવામાં ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી પ્રૉપર્ટીઝ ધરાવતા ભીંડા જેવા શાકનું સેવન કરવાથી એ ઇન્ફ્લમેશન સામે લડવામાં શરીરને મદદરૂપ બને છે.

વેઇટ-મૅનેજમેન્ટ

વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહેલા અથવા તો જેમને હેલ્ધી વેઇટ મેઇન્ટેન રાખવું છે એ લોકો માટે ભીંડો એક સારો વિકલ્પ છે. આ એક લો કૅલરી ફૂડ છે. એટલે કૅલરી વધવાની વધુ​ ચિંતા કર્યા વગર તમે આ પૌષ્ટિક શાકને આરોગી શકો. બીજું, આમાં ફાઇબરનું પ્રમાણ સારું છે એટલે એ તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખીને વારંવાર ખાવાની ઇચ્છાને કન્ટ્રોલ કરશે.

ફાયદા પણ જાણી લો

ભીંડામાં રહેલું ફાઇબર કૉલેસ્ટરોલના ઍબ્સૉર્પ્શનને ઘટાડવામાં મદદ કરે છે, પરિણામે હૃદય સંબંધિત બીમારીનું જોખમ ઘટે છે અને હૃદયનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. એમાં રહેલા ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને વિટામિન C ઇમ્યુનિટીને મજબૂત બનાવવાનું કામ કરે છે. ભીંડામાં રહેલા વિટામિન Kની બ્લડ કોટિંગ (લોહીને જમાવવા)માં મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે, જેથી વાગવાથી કે અન્ય કારણથી થતા બ્લિડીંગથી બચાવ થાય. જે લોકો લોહી પાતળું કરવા માટેની દવા લઈ રહ્યા હોય તેમણે વધુપડતા ભીંડા ખાવાનું ટાળવું જોઈએ. ભીંડામાં રહેલું વિટામિન A આંખોના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. એમાં રહેલું મૅગ્નેશિયમ મસલ (સ્નાયુ) અને નર્વ (જ્ઞાનતંતુ)ના ફંક્શન માટે મહત્ત્વપૂર્ણ છે. ભીંડામાં ફોલેટ પણ હોય છે, જે ગર્ભવતી મહિલાઓ માટે સારું માનવામાં આવે છે. બ્રેઇન અને સ્પાઇનની બર્થ ડિફેક્ટનું રિસ્ક ઘટાડવામાં ફોલેટની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે.

બ્યુટી બેનિફિટ્સ

ભીંડાનો ઉપયોગ ત્વચા અને વાળની હેલ્થને સારી રાખવા માટે પણ થાય છે. આમાં રહેલાં પોષક તત્ત્વો ત્વચાને રિપેર કરીને એને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે. ચહેરા પરના દાગધબ્બા દૂર કરીને ત્વચાને ક્લીન અને ગ્લોઇંગ બનાવે છે. કૉલેજનને બૂસ્ટ કરીને ત્વચાની ઇલૅસ્ટિસિટી મેઇન્ટેન કરે છે. ભીંડામાં રહેલો ચીકણો પદાર્થ નૅચરલ હેર કન્ડિશનર તરીકે કામ કરે છે. વાળને મૉઇશ્ચરાઇઝ્ડ રાખીને ડ્રાય થતા અટકાવે છે. સાથે જ વાળને સૉફ્ટ અને શાઇની બનાવે છે. એમાં રહેલાં ન્યુટ્રિઅન્ટ્સ હેર ફોલિકલ્સને નરિશ કરવાનું કામ કરે છે. એને કારણે વાળ મજબૂત બને છે અને ગ્રોથ સારો થાય છે. તમને ત્વચા કે વાળ સંબંધિત કોઈ સમસ્યા હોય તો આ હોમ રેમેડી ટ્રાય કરતાં પહેલાં ડર્મેટોલૉજિસ્ટની સલાહ લઈ લેવી જોઈએ.

ભીંડા ખાવાની સાચી રીત

ભીંડામાં રહેલાં પોષક તત્ત્વોનો ફાયદો જોઈતો હોય તો શાક બનાવતી વખતે થોડા તેલમાં એને સ્ટર ફ્રાય કરીને ખાવામાં જ ફાયદો છે. ઘણા લોકો ભીંડાની પાતળી ઊભી સ્લાઇસ કાપીને એમાં બેસન, મસાલો મિક્સ કરીને એને તેલમાં ડીપ ફ્રાય કરી કુરકુરા ભીંડા બનાવતા હોય છે, જે ખાવામાં તો ટેસ્ટી અને ક્રિસ્પી હોય છે પણ ડીપ ફ્રાય કરવાથી એમાં રહેલાં પોષક તત્ત્વોનો નાશ થઈ જાય છે. જો તમારે કુરકુરા ભીંડા ખાવા જ હોય તો ડીપ ફ્રાયને બદલે ઍર ફ્રાય કરીને ખાઈ શકો. 

ભીંડાનું પાણી

આપણે દરરોજ ભીંડાનું શાક બનાવીને ન ખાઈ શકીએ એટલે ભીંડાનો રોજની ડાયટમાં સમાવેશ કરવાનો એક વિકલ્પ ભીંડાનું પાણી છે. સવારે ખાલી પેટે ભીંડાના પાણીનું નિયમિત સેવન કરવાથી ઘણા હેલ્થ બેનિફિટ્સ થાય છે. ભીંડાનું પાણી બનાવવા માટે સૌથી પહેલાં બે-ત્રણ ભીંડા લો. એના નાના-નાના ટુકડા કરો. એક ગ્લાસ પાણીમાં એને નાખી દો. આઠથી બાર કલાક પછી આ પાણીને તમે પી શકો છો. તમે જે ગ્લાસ કે કન્ટેનરમાં ભીંડાને પલાળ્યા હોય એને ફ્રિજમાં રાખો. સવારે ઊઠીને પાણીને ગાળી લો. પાણી રૂમ ટેમ્પરેચર પર આવી જાય એ પછી એને પી લો. વેઇટલૉસ કરતા હોય, જેમને પેટ સાફ ન આ‍વતું હોય કે બ્લડ-શુગર લેવલ કન્ટ્રોલમાં રાખવું હોય તેમ જ ગ્લોઇંગ સ્કિન જોઈતી હોય, બૉડીમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવાં હોય તો આ પાણીનું સેવન કરવાથી ફાયદો મળે છે.

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2025 01:32 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK