ઘૂંટણને પૂરતું ડૅમેજ થઈ ગયા બાદ તમને એનાં લક્ષણો દેખાવાનું શરૂ થશે
પ્રતીકાત્મક તસવીર
તમારું વજન લાંબા સમયથી વધુ છે અને તમે એ ઘટાડવા પર ધ્યાન નથી આપી રહ્યા તો ઉંમર પહેલાં જ તમારાં ઘૂંટણો ઘસાવાનું શરૂ થઈ જશે. ભલે શરૂઆતમાં તમને દુખાવાનો અનુભવ ન થાય પણ ઘૂંટણને પૂરતું ડૅમેજ થઈ ગયા બાદ તમને એનાં લક્ષણો દેખાવાનું શરૂ થશે
ત્રીસીની ઉંમરમાં પણ ઘૂંટણોને નુકસાન પહોંચવાનું શરૂ થઈ જાય છે, ભલે તમને દુખાવાનો અનુભવ ન થતો હોય. ફિનલૅન્ડની યુનિવર્સિટી ઑફ ઓઉલુ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવું તારણ નીકળ્યું છે. આ અભ્યાસમાં ૨૯૭ પાર્ટિસિપન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમના પગનું મૅગ્નેટિક રેઝોનન્સ ઇમૅજિંગ એટલે કે MRI કરવામાં આવ્યું હતું જેમાં તેમના કાર્ટિલેજમાં માઇનર ડિફેક્ટ જોવા મળી હતી. ઘૂંટણમાં ડૅમેજ થવાનું મુખ્ય કારણ બૉડી માસ ઇન્ડેક્સ હતો. બૉડી માસ ઇન્ડેક્સથી એ જાણી શકાય કે તમારી હાઇટના હિસાબે તમારું વજન ઓછું છે કે વધુ.
ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ ઍન્ડ કાર્ટિલેજ નામના જર્નલમાં પબ્લિશ થયેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ત્રીસીએ પહોંચેલા લોકોમાં ઘૂંટણનો ઘસારો સામાન્ય છે, એ લોકોમાં પણ જેમને કોઈ દુખાવો ન થતો હોય. એમાં પણ બે તૃતીયાંશ લોકોમાં વર્ષોથી અને દાયકાઓથી કાર્ટિલેજ ડૅમેજ થઈ રહ્યું હતું. એ પણ કોઈ પણ જાતના નોટિસેબલ દુખાવા વગર. આ ઘસારાનું મુખ્ય કારણ તેમનું વધુપડતું વજન હતું. એટલે આ અભ્યાસના માધ્યમથી એ પણ હાઇલાઇટ કરવામાં આવ્યું હતું કે ઘૂંટણને નુકસાનથી બચાવવા માટે વજનને નિયંત્રણમાં લાવવું જરૂરી છે.
ADVERTISEMENT
વધી રહેલું વજન કે સ્થૂળતાની સમસ્યા આજકાલ ખૂબ સામાન્ય થઈ ગઈ છે. વજનને લાંબા સમય સુધી જો નિયંત્રણમાં લાવવામાં ન આવે તો ડાયાબિટીઝ, બ્લડપ્રેશર જેવી બીમારીનો ખતરો વધવા લાગે છે એટલું જ નહીં, વધતા વજનનો સૌથી વધુ પ્રભાવ પગ પર પડે છે કારણ કે શરીરનું આખું વજન એના પર જ આવતું હોય છે. એટલે જ જેમનું વજન વધારે હોય એ લોકોમાં ઘૂંટણના દુખાવાની સમસ્યા પણ સામાન્ય રીતે જોવા મળતી હોય છે.
વધતું વજન નાની ઉંમરથી જ ઑસ્ટિઓઆર્થ્રાઇટિસનું જોખમ વધારી દે છે. સ્થૂળતાને કારણે પગના સાંધા પર વધુ ભાર આવે છે. એને કારણે કાર્ટિલેજના તૂટવાની અને પાતળા થવાની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે. એને કારણે સાંધામાં દુખાવો રહે છે. આ બધી સમસ્યા ન થાય અને તમારાં ઘૂંટણ વધતી ઉંમર સાથે પણ સ્વસ્થ રહે એ માટે ડાયટ અને એક્સરસાઇઝ પર ધ્યાન આપીને વજનને નિયંત્રિત રાખવું ખૂબ જરૂરી છે.

