કોઈ ફિલોસૉફીના આધારે નહીં પણ ટોક્યો યુનિવર્સિટીના લેટેસ્ટ રિસર્ચના આધારે આમ કહીએ છીએ.
પ્રતીકાત્મક તસવીર
કોઈ ફિલોસૉફીના આધારે નહીં પણ ટોક્યો યુનિવર્સિટીના લેટેસ્ટ રિસર્ચના આધારે આમ કહીએ છીએ. સંશોધનમાં જાણવા મળ્યું છે કે વાળનું સફેદ થવું એ તમારા શરીરની ઍક્ટિવ ડિફેન્સ-સિસ્ટમનું પ્રમાણ હોઈ શકે છે અને થઈ શકનારા સ્કિન-કૅન્સર સામે તમારું સુરક્ષાકવચ પણ. વધતી ઉંમર સાથે વાળનું સફેદ થવું સામાન્ય છે ત્યારે ગ્રેઇંગ હેરની દુનિયામાં થયેલું આ રિસર્ચ અને એની સાથે સંકળાયેલી મહત્ત્વની વિગતો પર નજર કરીએ...
આપણા શરીરની ડિફેન્સ-સિસ્ટમ મજબૂત છે અને કોઈ પણ બીમારીને શરીરમાં એન્ટર કરતાં પહેલાં આ ડિફેન્સ-સિસ્ટમ કામ કરતી હોય છે. યુનિવર્સિટી ઑફ ટોક્યોના સંશોધકોએ વાળનું સફેદ થવું અને મેલાનોમા નામના સ્કિન-કૅન્સર પર એક અભ્યાસ કર્યો હતો, જેનું તાજેતરમાં જાહેર થયેલું તારણ કહે છે કે ગ્રે હેર એટલે કે વાળનું સફેદ થવું એ બૉડીની કૅન્સર સામેની લડતનું અને આપણી ઍક્ટિવ ડિફેન્સ-સિસ્ટમનું પ્રમાણ હોઈ શકે છે. વાળના સફેદ થવામાં અને મેલાનોમા નામના સ્કિન-કૅન્સરમાં એક કૉમન પરિબળ સંકળાયેલું છે. એ છે મેલાનોસાઇટ સ્ટેમ સેલ્સ, જે ચહેરા અને વાળને રંગ બક્ષવાનું કામ કરે છે. આપણા હેર ફૉલિકલ્સમાં રહેલા આ કોષો આપણા DNAને ડૅમેજ કરવા મથતાં બાહ્ય પરિબળો સામે રક્ષા કરવાનું કામ પણ કરતાં હોય છે. એના આધારે જ વૈજ્ઞાનિકોનું માનવું છે કે સફેદ વાળ શરીરના ડૅમેજ્ડ સેલ્સને બહાર ધકેલવાના હેર ફૉલિકલ સાથે જોડાયેલા કોષોનું પરિણામ પણ હોઈ શકે છે. સંશોધકો ભારપૂર્વક જણાવે છે કે સફેદ વાળ પોતે કૅન્સર સામે રક્ષણ આપતા નથી પરંતુ સફેદ વાળ એ સંકેત છે કે શરીરના સંરક્ષણ તંત્રે જોખમી કોષોને દૂર કરીને કાર્ય કર્યું છે. વાળના સફેદ થવાનાં આમ તો ઘણાં કારણો છે જેમાંનું આ એક પૉઝિટિવ કારણ વાઇટ હેર ધરાવતા લોકોને ફીલ-ગુડ ફીલિંગ આપનારું છે. જોકે નિષ્ણાત આ વિશે શું માને છે, બીજાં કયાં-કયાં કારણોથી વાળ સફેદ થઈ શકે છે અને એને રોકવાની દિશામાં શું કરવું જોઈએ એ વિષય પર વાત કરીએ.
ADVERTISEMENT
સાચું છે પણ...
વાળના સફેદ થવાની વાતને કૅન્સર સાથે કનેક્શન હોઈ શકે એ વાત સાવ બેબુનિયાદ નથી એમ જણાવીને સ્કિન અને હેર નિષ્ણાત ડૉ. શ્વેતા રાંભિયા કહે છે, ‘સ્કિન-કૅન્સર અને બૉડીમાં મેલૅનિન નામના કોષોના પ્રમાણમાં કનેક્શન તો છે જ. મેલૅનિન સ્કિન અને હેરને કલર આપવાનું કામ કરે. જેટલી ડાર્ક સ્કિન કે જેટલા ઘેરા કાળા વાળ એટલું મેલૅનિનનું પ્રમાણ વધારે. ભારતમાં
સ્કિન-કૅન્સરનું પ્રમાણ ઓછું છે, કારણ કે ભારતીયોમાં કુદરતી રીતે જ મેલૅનિનનું પ્રમાણ વધારે હોય છે. આફ્રિકન લોકોમાં એ આપણાથી વધારે છે અને એટલે જ તમે સ્કિન-કૅન્સરના વ્યાપમાં એથ્નિક ગ્રુપ મુજબ સ્ટૅટિસ્ટિક્સ જોશો તો એશિયન દેશોની તુલનાએ આફ્રિકન દેશોના લોકોમાં સ્કિન-કૅન્સરનું પ્રમાણ ઓછું છે. એટલે યસ, આ રિસર્ચ પાયાવિહોણું કે માત્ર વાતોનાં વડાં સમાન નથી. એમાં તથ્ય છે, પરંતુ એ તથ્યને જોવાના જુદા-જુદા દૃષ્ટિકોણને પણ યાદ રાખવા જોઈએ. વાળ સફેદ થવાનું આ એક કારણ થયું, પરંતુ એ સિવાય પણ શરીરમાં મેલૅનિનનું પ્રમાણ ઘટવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. એ કોઈ બીમારીનું સૂચક પણ હોઈ શકે છે એટલે માત્ર આ એક કારણ જાણીને ખુશી મનાવવા કરતાં અન્ય કારણો જાણવાં જોઈએ અને જરૂર હોય ત્યાં બદલાવ પણ લાવવા જોઈએ.’
અન્ય કયાં કારણો?
મેલૅનિન ઘટે એટલે સ્કિન સૂકી અને શુષ્ક થાય અને વાળ ધોળા થાય. ડૉ. શ્વેતા રાંભિયા કહે છે, ‘આપણે ત્યાં સદીઓથી બુઢાપાની નિશાની મનાયેલા સફેદ વાળને ઉંમર સાથે તો લેવાદેવા છે જ. જેમ-જેમ ઉંમર વધે એમ ધીમે-ધીમે શરીરની સિસ્ટમ ધીમી પડે. મેલૅનિનનું પ્રોડક્શન ઘટે, જેથી વાળ સફેદ થાય. વૈજ્ઞાનિક ભાષામાં આ પ્રોસેસને કેનિટીસ કહેવાય છે. જોકે અત્યારે જે ટ્રેન્ડ છે એ છે પ્રીમૅચ્યોર ગ્રેઇંગનો. એટલે કે ઉંમર પહેલાં ધોળા આવવા. વાળને કલર આપતું રંગદ્રવ્ય મેલૅનિન અહીં પણ ઘટ્યું જ હોય છે, પરંતુ કારણો વંશાનુગત હોઈ શકે. ફૅમિલીમાં તમારા પેરન્ટ્સ કે તેમના પેરન્ટ્સ એમ કોઈના DNAમાં ડિફેક્ટ રહી હોય અને એને કારણે મેલૅનિનનું પ્રોડક્શન ઓછું હોય તો એ ઉંમર કરતાં વહેલા વાળ સફેદ કરી શકે. એ સિવાય અપૂરતી ઊંઘ, પોષણયુક્ત આહારનો અભાવ, ધૂમ્રપાન, તીવ્ર મેન્ટલ સ્ટ્રેસ જેવાં કારણો વાળની સફેદી પાછળ જવાબદાર હોઈ શકે છે. આ ઉપરાંત ઑટોઇમ્યુન રોગો જેમ કે વિટિલિગો, પર્નીશિયસ એનીમિયા અથવા થાઇરૉઇડ ડિસઑર્ડર પણ વાળ વહેલા સફેદ થવા પાછળ જવાબદાર હોઈ શકે છે.’
હાર્વર્ડ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ અતિશય સ્ટ્રેસ નોરાડ્રેનાલિન નામના હૉર્મોનનું પ્રમાણ વધારે છે જે વાળના કલર પ્રોટેક્ટર એવા મેલૅનિનનું જાની દુશ્મન મનાય છે અને મેલૅનિનના કોષોના સ્ટોર થયેલા જથ્થાને ઝડપથી ક્ષય કરે છે, જેના કારણે વાળનું રંગદ્રવ્ય ઉત્પાદન અચાનક બંધ થઈ જાય છે.
સફેદ કે ટ્રાન્સપરન્ટ?
કોઈ પણ કારણોસર વાળ પોતાનો કાળો રંગ ગુમાવે છે અને એને આપણે સફેદ તરીકે જોઈએ છીએ પરંતુ વાસ્તવિકતામાં એ સફેદ નહીં પણ રંગહીન અથવા તો પારદર્શી એટલે કે ટ્રાન્સપરન્ટ હોય છે. જોકે એના પર પ્રકાશનાં કિરણો પડતાં એ આૅપ્ટિકલ ઇલ્યુઝનને કારણે સફેદ દેખાય છે.
માનો યા ના માનો
એક સફેદ વાળ તોડશો તો એનું પ્રમાણ ડબલ થઈ જશે આવું તમે સાંભળ્યું હશે પરંતુ એને હકીકત સાથે કોઈ લેવાદેવા નથી. વાળ ખેંચવાથી માત્ર એ જ ફૉલિકલને અસર થાય છે. જોકે વાળ ખેંચવાની ભલામણ કરવામાં આવતી નથી, કારણ કે એ ફૉલિકલને નુકસાન પહોંચાડી શકે છે અને ચેપ અથવા કાયમી વાળ ખરવાનું કારણ બની શકે છે.
સફેદ વાળ ભલે દેખાતા નબળા લાગે, પરંતુ વાસ્તવમાં એ રંગીન વાળ કરતાં વધુ જાડા હોય છે. મેલૅનિન વિના વાળનું બંધારણ બદલાય છે, જેનાથી એ શુષ્ક અને વધુ કડક લાગે છે.
જે વાળ ઊગી ચૂક્યા છે એનો રંગ બદલી શકાતો નથી. સ્ટ્રેસ કે અનહેલ્ધી આદતો માત્ર નવા ઊગતા વાળને સફેદ કરી શકે છે.
માથાના વાળ સામાન્ય રીતે શરીરના અન્ય ભાગો કરતાં વહેલા સફેદ થાય છે. આ ક્રમમાં સામાન્ય રીતે પહેલાં માથાના વાળ, પછી દાઢી/મૂછના વાળ, પછી આંખની પાંપણ અને આઇબ્રોના વાળ અને છેલ્લે શરીરના અન્ય ભાગના વાળ સફેદ થતા હોય છે.
સફેદ વાળ રોકવા માટે આહારમાં ખાસ ઉમેરજો આ જરૂરી પોષક તત્ત્વો
૧ - વિટામિન B12 : દૂધ, દહીં, ચીઝ, પનીર, ફણગાવેલા કઠોળ વગેરેમાંથી શાકાહારીઓને મળતું આ વિટામિન હેરની હેલ્થ માટે મહત્ત્વનું છે.
૨ - કૉપર : લીલાં પાંદડાંવાળી શાકભાજી, મશરૂમ્સ, કાજુ, બદામ, સૂર્યમુખીનાં બીજ, કઠોળ, આખાં અનાજ વગેરેમાં રહેલું કૉપર પણ વાળ માટે મહત્ત્વનું છે.
૩ – આયર્ન : લોહીમાં ઑક્સિજનનો પ્રવાહ સુધારીને લોહતત્ત્વ વાળના ફૉલિકલ્સને જરૂરી પોષણ પૂરું પાડે છે. એના માટે આહારમાં પાલક, કઠોળ, દાળ, સૂકા મેવા (ખજૂર, કિસમિસ) વગેરેને સામેલ કરો.
૪ - વિટામિન D3 : વાળના ફૉલિકલ-ચક્ર અને મેલૅનિનના ઉત્પાદનમાં સૂર્યપ્રકાશથી મળતું વિટામિન D3 મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
૫ - ફોલેટ (Vitamin B9) : રાજમા, ચણા જેવાં કઠોળ, લીલાં પાંદડાંવાળી શાકભાજી, બ્રૉકલી, સિટ્રસ ફળો (નારંગી)થી વાળનું ડૅમેજ અટકાવતા ફોલેટનું પ્રમાણ વધે છે.
૬ - ઝિન્ક : વાળની પેશીઓના સમારકામનું કામ કરવા માટે અને એના ગ્રોથ માટે ઝિન્ક મહત્ત્વનું છે. પમ્પકિન સીડ્સ, તલ, કઠોળ વગેરેમાં એ સારા પ્રમાણમાં છે.
૭ - વિટામિન E અને C : સ્ટ્રેસને ઘટાડીને એની શરીરમાં થતી આડઅસરો રોકવી હોય તો જાંબુ, સ્ટ્રૉબેરી, ડાર્ક ચૉકલેટ, લીલી ચા, સિટ્રસ ફળો, નટ્સ, ઑલિવ તેલ વગેરેને આહારમાં સામેલ કરો.


