પહેલાં મસ્તી-મજાકમાં તેના પર ઈંડાં અને પથરા ફેંક્યાં અને પછી સ્કૂટીમાંથી બૉટલમાં પેટ્રોલ કાઢ્યું અને રેડીને લાઇટરથી આગ ચાંપી દીધી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કુર્લા-વેસ્ટના કિરોલ રોડ પર આવેલી કોહિનૂર ફેઝ 3 સોસાયટીમાં થોડા વખત પહેલાં રહેવા આવેલા યુવાનના બર્થ-ડેની ઉજવણી કરવા આવેલા તેના બાળપણના મિત્રોએ પહેલાં તેની પાસે કેક કપાવીને તેના પર ઈંડાં અને પથરા ફેંક્યાં અને છેલ્લે તેના પર પેટ્રોલ છાંટીને લાઇટરથી આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં યુવાનના વાળ બળી ગયા છે અને તેના હાથ અને ચહેરા પર પણ ઈજા થઈ છે. તે ૪૦ ટકા દાઝી ગયો છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે. તેણે આપેલી ફરિયાદને પગલે કુર્લા-વેસ્ટના વિનોબા ભાવે નગર પોલીસ-સ્ટેશને કાર્યવાહી કરીને પાંચે આરોપી યુવાનોને ઝડપી લીધા છે. પોલીસનું કહેવું છે કે આરોપી યુવાનોએ સેલિબ્રેશન કરી મસ્તીમાં ઈંડાં અને પથરા માર્યાં એ સમજી શકાય એમ છે, પણ પેટ્રોલ છાંટીને આગ ચાંપી દેવાની ઘટના ગંભીર છે એટલે આ પાછળ તેમનો શું હેતુ હતો એની અમે તપાસ ચલાવી રહ્યા છીએ.
આ ચોંકાવનારી ઘટનામાં ૨૧ વર્ષના અબ્દુલ રહમાન મકસૂદ આલમ ખાને તેની ફરિયાદમાં કહ્યું હતું કે ‘૨૫ નવેમ્બરે મારો જન્મદિવસ હતો. મને ૨૪મીએ રાતના ૮ વાગ્યે મારા ફ્રેન્ડ અયાઝ મલિકે ફોન કરીને કહ્યું કે રાતના ૧૨ વાગ્યે આપણે બર્થ-ડે સેલિબ્રેશન કરીશું તો રાતે ૧૨ વાગ્યે તારી સોસાયટીની પાછલી સાઇડના કમ્પાઉન્ડમાં આવી જજે. એથી રાતના ૧૨ વાગ્યે હું કમ્પાઉન્ડમાં ગયો હતો. મારા મિત્રો મારો બર્થ-ડે સેલિબ્રેટ કરવા એકઠા થયા હતા. તેમણે લાવેલી કેક મારી પાસે કટ કરાવી હતી. તેમણે એ વખતે મારા પર ઈંડાં અને પથરા માર્યાં હતાં. મેં તેમને કહ્યું પણ ખરું કરે આવું ન કરો, મને વાગી રહ્યું છે. એ પછી એક ફ્રેન્ડે તેની સ્કૂટીમાંથી એક બૉટલમાં પેટ્રોલ કાઢ્યું હતું અને મારા પર રેડી દીધું હતું. મને પેટ્રોલની વાસ આવતાં મેં બૂમાબૂમ કરવા માંડી હતી કે આ શું કરી રહ્યા છો? એ વખતે ત્રણ જણે મને પકડી રાખવાનો પ્રયાસ કર્યો હતો. હું તેમનાથી બચવા દોડવા માંડ્યો હતો. એ વખતે એક જણે તેની પાસેના લાઇટરથી મને આગ ચાંપી દીધી હતી. હું દોડી રહ્યો હતો અને બૂમો પાડી રહ્યો હતો. મેં દોડતાં-દોડતાં જ મારું સળગી ગયેલું શર્ટ કાઢી નાખ્યું હતું. એ પછી મેં બિલ્ડિંગ-નંબર ૨૭ના વૉચમૅન પાસેથી પાણીની બૉટલ લઈને મારા પર રેડી દીધી હતી. એમ છતાં મને બહુ જ દાહ લાગી રહ્યો હતો. એથી આગળ જઈ નળ ચાલુ કરીને એની નીચે બેસી ગયો હતો. મને બચાવવા કોઈ આવ્યું નહીં. મારા શરીર પર લાગેલી આગ બુઝાઈ ગયેલી જોઈ એક મિત્ર મારી પાસે આવ્યો હતો. તેણે મને મદદ કરી અને એ પછી અમે સિટી હૉસ્પિટલમાં ગયા હતા. મારા શરીર પર પેટ્રોલ નાખીને લગાડાયેલી આગને કારણે મારા માથાના વાળ બળી ગયા છે તેમ જ મારા ચહેરા, કાન, હાથ, છાતી અને જમણા હાથમાં ઈજાઓ થઈ છે.’


