બપોરે ૩.૩૦ વાગ્યે ખોદકામ દરમ્યાન એક સિલિન્ડર લીક થયું હતું
ફાયરમેને લીક થયેલા સિલિન્ડરને નજીકના તળાવમાં ડુબાડીને મોટી દુર્ઘટના ટાળી હતી
વસઈમાં મંગળવારે સિલિન્ડરમાંથી ક્લોરિન ગૅસ લીક થવાથી એક વ્યક્તિનું મોત થયું હતું અને ફાયર-બ્રિગેડના પાંચ કર્મચારીઓ સહિત ૧૯ લોકોની તબિયત બગડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પાલઘરના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમે આપેલી માહિતી મુજબ શહેરના દિવાનમાણ વિસ્તારમાં સનસિટી પાસે એક ઓવરહેડ પાણીની ટાંકી બનાવવાનું કામ ચાલતું હતું. ત્યાં ૧૫ વર્ષ જૂનાં એક્સપાયર થઈ ગયેલાં સિલિન્ડર પડ્યાં હતાં. બપોરે ૩.૩૦ વાગ્યે ખોદકામ દરમ્યાન એક સિલિન્ડર લીક થયું હતું. જોતજોતાંમાં આ ઝેરી વાયુ આખા યુનિટમાં ફેલાઈ ગયો હતો. એને લીધે ત્યાં હાજર દેવ પારડીવાલ નામની એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. બચાવકાર્ય દરમ્યાન ફાયર-બ્રિગેડના સનસિટીના ઇન્ચાર્જ સેન્ટર ઑફિસર સહિત ફાયર-બ્રિગેડના પાંચ અધિકારીઓ અને અન્ય ૧૪ જણની હાલત કથળતાં તેમને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અન્ય ફાયરમેનોએ લીક થતા સિલિન્ડર પર સતત પાણીનો છંટકાવ કરીને અને એને નજીકના તળાવમાં ડુબાડીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. એને કારણે આસપાસના લોકોને બચાવી શકાયા અને મોટી દુર્ઘટના ટળી હતી.


