Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઇમોશનલ ડીટૉક્સની તક બની શકે છે આજનો દિવસ

ઇમોશનલ ડીટૉક્સની તક બની શકે છે આજનો દિવસ

Published : 02 March, 2026 02:41 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

ઉત્સવોમાં સમાયેલી વૈજ્ઞાનિકતા બે પ્રકારની છે. એક, બહારની પ્રકૃતિનું પોષણ અને બીજી, આપણા મનની મસ્તીનું સંવર્ધન. આજે સમજીએ કે સાઇકોલૉજીનો ‘કથાર્સિસ’ નામનો કન્સેપ્ટ હોળીના તહેવાર સાથે કઈ રીતે વણાયેલો છે અને કઈ રીતે તમારી હૅપી હોલી હેલ્ધી પણ બની શકે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય સંસ્કૃતિનાં પર્વો માત્ર તિથિઓ કે કૅલેન્ડરના આંકડા નથી પરંતુ એ માનવ-મનોવિજ્ઞાનની ઊંડી સમજણ પર રચાયેલા માનસિક આરોગ્યના મહોત્સવો છે. વસંતના આગમન સાથે જ્યારે પ્રકૃતિ પોતાનું જૂનું રૂપ ત્યજીને નવા પલ્લવો ધારણ કરે છે ત્યારે મનુષ્ય માટે પણ પોતાનો જૂનો માનસિક કચરો સાફ કરવાનો અવસર એટલે હોળી. આજે આપણે હોળી સાથે વણાયેલા મનોવિજ્ઞાનના એક અત્યંત પ્રભાવશાળી કન્સેપ્ટ ‘કથાર્સિસ’ વિશે સમજીશું.

કથાર્સિસ એટલે શું?



‘કથાર્સિસ’ શબ્દ ગ્રીક શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે શુદ્ધીકરણ. મનોવિજ્ઞાનમાં આનો અર્થ છે મનમાં દબાયેલી તીવ્ર લાગણીઓ જેમ કે ગુસ્સો, ભય, ઈર્ષ્યા કે શોક વગેરેને કોઈ પ્રક્રિયા દ્વારા મુક્ત કરવી જેથી મન હળવું અને શુદ્ધ બને. પ્રાચીન ગ્રીસમાં મહાન ફિલસૂફ એરિસ્ટોટલે નાટ્યકલાના સંદર્ભમાં આ શબ્દ વાપર્યો હતો. તેમણે જોયું કે જ્યારે લોકો કરુણ નાટકો જુએ છે ત્યારે તેઓ પાત્રોની વેદના સાથે રડે છે. આ રડવાથી તેમના પોતાના મનમાં છુપાયેલું દુઃખ વહી જાય છે.


મનોવિજ્ઞાનના પિતા ગણાતા સિગ્મંડ ફ્રૉઇડે આને ચિકિત્સા-પદ્ધતિ તરીકે અપનાવી. ૧૮૮૦ના દાયકામાં ફ્રૉઇડના સાથી જોસેફ બ્રુઅર પાસે ઍના ઓ નામની એક પેશન્ટ આવી. તેને હિસ્ટીરિયાનાં લક્ષણો હતાં. તેના હાથ-પગ કામ નહોતા કરતા અને તે પાણી પી શકતી નહોતી. ફ્રૉઇડે જોયું કે જ્યારે ઍનાએ પોતાની જૂની દબાયેલી યાદો અને આઘાતજનક કિસ્સાઓ વિશે મુક્તપણે બોલવાનું શરૂ કર્યું ત્યારે તેનાં શારીરિક લક્ષણો ગાયબ થઈ ગયાં. ઍનાએ પોતે જ આ પદ્ધતિને ‘Talking Cure’ અથવા ‘Chimney Sweeping’ (ચિમની સાફ કરવી) કહી હતી. સિગ્મન્ડ ફ્રૉઇડે કહ્યું છે કે Unexpressed emotions will never die. They are buried alive and will come forth later in uglier ways. એટલે કે અવ્યક્ત લાગણીઓ ક્યારેય મરતી નથી, તેમને જીવંત દફનાવવામાં આવે છે અને પાછળથી વધુ કદરૂપી રીતે બહાર આવે છે.

નકારાત્મકતાનું પ્રતીકાત્મક વિસર્જન


હોળીની આગ માત્ર લાકડાંનું બળવું નથી પણ એ એક સિમ્બૉલિક રિલીઝ છે. મનોવિજ્ઞાનમાં સિમ્બૉલિઝમનું ખૂબ મહત્ત્વ છે. આપણે જે ચીજ જોઈ શકીએ છીએ એની અસર મન પર ઝડપી થાય છે. હિરણ્યકશિપુ એટલે અહંકાર, હોલિકા એટલે નકારાત્મક શક્તિ અને પ્રહ્‌લાદ એટલે શુદ્ધ ચેતના. જ્યારે હોલિકા અગ્નિમાં બળે છે ત્યારે એ પ્રતીક છે કે મનુષ્યે પોતાની અંદર રહેલા અહંકાર અને ક્રોધને બાળી નાખવાનો છે. આ સંદર્ભે કાઉન્સેલર અને સાઇકોથેરપિસ્ટ દીપલ મહેતા કહે છે, ‘ઘણી વાર અમે દરદીઓને કહેતા હોઈએ છીએ કે તમને જે વાતો દુઃખ આપે છે એ કાગળ પર લખો અને પછી એ કાગળ ફાડી નાખો અથવા બાળી દો. આમ કરવાથી મગજને સંકેત મળે છે કે આ સમસ્યાનો અંત આવ્યો છે. ઘણી થેરપીમાં પિલો-ફાઇટ કે બૅશિંગ-રૂમનો ઉપયોગ થાય છે જ્યાં વ્યક્તિ ચીસો પાડીને કે તોડફોડ કરીને ગુસ્સો બહાર કાઢે છે. ધુળેટીમાં રહેલી મસ્તી આ જ કુદરતી માધ્યમ પૂરું પાડે છે. હોલિકાદહન એ જ રીતે આપણને એક સાઇકોલૉજિકલ ક્લોઝર આપે છે. વર્ષભરના મનદુઃખને એ અગ્નિમાં હોમીને આપણે નવેસરથી શરૂઆત કરવાની હિંમત મેળવીએ છીએ.’

મહોરાં ઉતારવાનો ઉત્સવ

ધુળેટીના દિવસે જ્યારે આપણે અબીલ-ગુલાલ ઉડાડીએ છીએ ત્યારે એક અદ્ભુત મનોવૈજ્ઞાનિક ઘટના બને છે જેને અડૅપ્ટિવ રિગ્રેશન કહેવાય છે. પુખ્ત વયના માણસ પર સમાજે અનેક બંધનો લાદ્યાં હોય છે. તેણે ગંભીર દેખાવું પડે. પદ-પ્રતિષ્ઠા જાળવવી પડે. આ ‘સજ્જનતા’નું મહોરું પહેરી રાખીને માણસ થાકી જાય છે. ધુળેટીના દિવસે જ્યારે ચહેરા પર રંગ લાગે છે ત્યારે વ્યક્તિની ઓળખ ભૂંસાઈ જાય છે. દીપલબહેન કહે છે, ‘તમારા પર વય વધતાં લાદવામાં આવેલાં તમામ બંધનોને હળવાશ આપીને મુક્ત થવાની તક આ ક્ષણમાંથી મળે છે. આ એ સમય હોય છે જ્યારે બધા જ ભેદ રંગો નીચે દબાઈ જાય છે. પોતાનું આઇડેન્ટિફિકેશન ભૂંસાઈને અનોખી યુનિટીવાળી લાગણી જાગે છે. બૂમો પાડવી, નાચવું, ગાવું વગેરે બધું જ કથાર્સિસનો ભાગ છે જે માનસિક ભારને હળવો કરે છે.

બુરા ન માનો હોલી હૈ

મનોવિજ્ઞાન કહે છે કે કોઈની સામે વેર રાખવું એ ઝેર પોતે પીવું અને બીજાના મરવાની રાહ જોવા જેવું છે. હોળીમાં જ્યારે આપણે કોઈને ભેટીએ છીએ કે ગાલ પર ગુલાલ લગાવીએ છીએ ત્યારે એ એક આઇસબ્રેકરનું કામ કરે છે. એ સંબંધોમાં જામેલા બરફને ઓગાળે છે. દીપલ મહેતા કહે છે, ‘સાઇકોથેરપીમાં અમે રિપેરિંગ ઑફ રિલેશનશિપ કહીએ છીએ. જે વાતો કડવાશભરી હતી એને એક મજાક સાથે ઉડાવી દેવી એ માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. એમાં પણ આજના ડિજિટલ યુગમાં આપણે સ્ક્રીન પર વધુ અને લાગણીઓમાં ઓછા જીવીએ છીએ. એકલતા અને ઍન્ગ્ઝાયટી વધતી જાય છે ત્યારે હોળી જેવો સામુદાયિક તહેવાર હીલિંગ બામનું કામ કરે છે.’

આ હોળી પર ભૂતકાળના આઘાતોને અગ્નિમાં હોમીને ‘ન્યુ યુ’ બનવાનું પસંદ કરો. રંગોથી માત્ર ચહેરો નહીં પણ અંતરાત્માને રંગો. મન શુદ્ધ હશે તો જ હોળી સાચી ઊજવાશે.

હોળીને મન નિખારવાનો ઉત્સવ બનાવવા માગતા હો તો આ પાંચ પગલાં અનુસરો

૧    આજે થોડીક વાર માટે શાંતિથી બેસો. જે યાદો તમને રડાવે છે કે જે લોકો પર તમને ગુસ્સો છે તેમની યાદી બનાવો અને એ કાગળને આજે રાત્રે હોલિકાદહનમાં સમર્પિત કરી દો.

૨    હોલિકા પ્રગટે ત્યારે મનોમન કહો કે આ અગ્નિ સાથે મારો ગુસ્સો, મારી ચિંતા, મારું સ્ટ્રેસ પણ બળી રહ્યું છે. 

૩    ‘લોકો શું કહેશે’ એ ચિંતા છોડીને મન મૂકીને રંગો સાથે રમો. નૃત્ય કરો. શારીરિક હલનચલન એ કથાર્સિસનો સૌથી ઝડપી રસ્તો છે.

૪    કમ સે કમ એક વ્યક્તિ જેને તમે વર્ષોથી નફરત કરો છો તેને ફોન કરો અથવા મળીને ‘હૅપી હોલી’ કહો. એ તમારા મનનો બોજ હળવો કરશે.

૫    તમારી પાસે જે સુખો છે, જે તકો છે, તમારા મિત્રો કે પરિવાર વગેરે માટે ઈશ્વરનો આભાર માનો.

તમને ખબર છે?

કાર્લ જુંગ નામના મનોવૈજ્ઞાનિકે કલેક્ટિવ કૉન્શિયસનેસ નામનો શબ્દ આપ્યો હતો. જ્યારે હજારો લોકો એકસાથે ઉત્સવ ઊજવે છે ત્યારે એક હકારાત્મક ઊર્જા પેદા થાય છે જે ડિપ્રેશન સામે લડવામાં મદદ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2026 02:41 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK