Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હાસ્ય તમને જીવનરૂપી રાજમાર્ગનાં ખરબચડાં સ્થાનો પર આરામ આપે છે

હાસ્ય તમને જીવનરૂપી રાજમાર્ગનાં ખરબચડાં સ્થાનો પર આરામ આપે છે

Published : 05 May, 2025 07:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાસ્યમાં રોગનિવારણની  કેટલી શક્તિ રહેલી છે એ જો લોકો જાણતા હોત તો ડૉક્ટરોનો ધંધો પણ કદાચ અડધો થઈ ગયો હોત.

પ્રતીકાત્મક તસવીર

સોશ્યોલૉજી

પ્રતીકાત્મક તસવીર


હાસ્ય નિ:શંક પ્રકૃતિનાં મહાન ઔષધોમાંનું એક છે. એ આપણને મળેલી જીવનરક્ષક, આરોગ્યદાયક, આનંદદાયક અને સફળતાદાયક દૈવી બક્ષિસ છે. હાસ્ય તમને જીવનરૂપી રાજમાર્ગનાં ખરબચડાં સ્થાનો પર આરામ આપે છે. જેઓ હાસ્ય દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવે છે તેઓ ગંભીર રીતે જીવનારાઓ કરતાં અધિક આયુષ્ય ભોગવે છે. અત્યારે શહેરી જીવન એટલું બધું વ્યસ્ત અને ગંભીર બની ગયું છે કે માણસો હસવાનું જ ભૂલી રહ્યા છે. તેઓ બળાત્કારે મસાણિયું સ્મિત કરે છે, પરંતુ અંત:કરણપૂર્વક સમગ્ર શરીરને હચમચાવી નાખે એવું હાસ્ય કરવું તેમના માટે અશક્ય હોય છે. કેટલાક માણસો એટલી ગંભીરતાથી પૈસા પાછળ પડેલા હોય છે, તેઓનું જીવન એટલું પ્રવૃત્તિમય હોય છે, તેઓ ધનપ્રાપ્તિ માટેની યોજનાઓ બનાવવામાં એટલા વ્યસ્ત હોય છે કે તેમની પાસે હસવા માટે પણ સમય બચતો નથી. હસવાની ટેવમાં રોગનિવારણની શક્તિ રહેલી છે એ તેઓ જાણે જાણતા જ નથી. અબ્રાહમ લિંકન ટેબલના એક ખૂણા પર છેલ્લાંમાં છેલ્લાં રમૂજી પુસ્તકો રાખતાં અને જ્યારે થાકી જતા, કંટાળી જતા કે હતાશ થઈ જતા ત્યારે ઉત્સાહિત થવા માટે એમાંથી એકાદ પુસ્તક કાઢીને એમાંથી એકાદ રમૂજી ટૂચકો કે પ્રકરણ વાંચતા. રમૂજ બુદ્ધિસભર હોય કે સર્વથા મૂર્ખતાથી ભરેલી હોય, પરંતુ જો એ હાસ્ય નિપજાવનારી હોય અને આનંદ આપનારી હોય તો એ દૈવી બક્ષિસ છે. અમારા ફૅમિલી ડૉક્ટર અમૂલ શાહને જ્યારે પણ અમે મળતા ત્યારે તેઓ દરદીઓ સાથે અત્યંત પ્રસન્નતા અને આનંદથી વાત કરતા મેં જોયા છે. દરદીઓની સાથે આનંદ અને રમૂજી શૈલીમાં વાતો કરીને દરદીનું અડધું દર્દ તો હાસ્ય દ્વારા મટાડી દેતા. તેમનો આનંદી સ્વભાવ જ દરદીના દુ:ખનું જોર ઓછું કરી નાખતો. તેઓ દરદીની  નિરાશાને આશામાં, અશ્રદ્ધાને શ્રદ્ધામાં અને ઉદાસીનતાને ઉલ્લાસમાં પરિવર્તિત કરી શકતા. ગાઢ નિદ્રા લેવાથી જેટલી શાંતિ આપણા શરીરને મળે છે એટલી જ શાંતિ સારી રીતે ખડખડાટ હસવાથી, બાળકો સાથે રમવાથી, નિર્દોષ રમૂજી વાર્તાઓ વાંચવાથી, મિત્રો સાથે આનંદમાં સમય ગાળવાથી શરીરને મળે છે. ગમ્મત એ તમારાં સંતાનો માટે તેમ જ તમારી જાત માટે સસ્તામાં સસ્તું અને ઉત્તમોત્તમ ઔષધ છે. તમારાં બાળકોને એ ઔષધનું જ્ઞાન આપો, ડૉક્ટરોની ફી બચશે એટલું જ નહીં; તેમના જીવનસાફલ્યની તકો પણ વધશે. જો બધાં બાળકોની બાલ્યાવસ્થા સુખમાં, હસતાં-હસતાં આનંદમાં જાય તો આપણને જેટલાં કારાગૃહો, સુધારકેન્દ્રોની જરૂર પડે છે એના અડધા ભાગની પણ જરૂર નહીં પડે. હાસ્યમાં રોગનિવારણની  કેટલી શક્તિ રહેલી છે એ જો લોકો જાણતા હોત તો ડૉક્ટરોનો ધંધો પણ કદાચ અડધો થઈ ગયો હોત. એટલે હસતા રહો આનંદમાં રહો, વ્યસ્ત રહો અને મસ્ત રહો. માત્ર તમારા સુખની જ વાતો કરતા રહો. જગત એટલું શોકાતુર રહે છે કે એને તમારા દુ:ખની વાતોમાં રસ નથી.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2025 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK