કૉન્ગ્રેસમાંથી BJPમાં આવેલા વરિષ્ઠ નેતા અશોક ચવાણના નજીકના નેતાને નાંદેડ શહેરની જવાબદારી સોંપવામાં આવી
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાર મહિનામાં યોજવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટે રાજ્યના ઇલેક્શન કમિશનને આપ્યા બાદ ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી (BJP)એ કમર કસી છે. BJPએ ગઈ કાલે રાજ્યના મુંબઈ અને થાણે જિલ્લા સહિત ૫૮ જિલ્લાધ્યક્ષ પદની નિયુક્તિની જાહેરાત કરી હતી. પાર્ટીએ મોટા ભાગે નવા ચહેરાઓને સ્થાન આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. રાજ્યના ૩૬ જિલ્લામાં પક્ષના સંગઠન મુજબ BJPના રાજ્યભરમાં કુલ ૮૦ જિલ્લાધ્યક્ષ છે. એમાંથી અત્યારે ૫૮ નિયુક્તિ જાહેર કરવામાં આવી છે, જ્યારે બાકીનાં બાવીસ નામ એક-બે દિવસમાં જાહેર થવાની શક્યતા છે.
મુંબઈ નૉર્થ જિલ્લામાં દીપક તાવડે, મુંબઈ નૉર્થ ઈસ્ટમાં દીપક દળવી અને મુંબઈ નૉર્થ સેન્ટ્રલમાં વીરેન્દ્ર મ્હાત્રેની નિયુક્તિ કરવામાં આવી છે, જ્યારે બાકીના ત્રણ જિલ્લાધ્યક્ષનાં નામ જાહેર નથી કરવામાં આવ્યાં. થાણે શહેરમાં સંદીપ લેલે, ભિવંડીમાં રવિકાંત સાવંત, નવી મુંબઈમાં ડૉ. રાજેશ પાટીલ, કલ્યાણમાં નંદુ પરબ, ઉલ્હાસનગરમાં રાજેશ વધારિયા અને મીરા-ભાઈંદરમાં દિલીપ જૈનની નિયુક્તિ કરવામાં આવી છે. મુંબઈ મેટ્રોપૉલિટન ક્ષેત્રમાં મુંબઈના ત્રણ તથા વસઈ, નાલાસોપારા અને પાલઘર જિલ્લાની નિયુક્તિ જાહેર થવાની બાકી છે.
ADVERTISEMENT
અશોક ચવાણના નિકટવર્તી નેતાની નાંદેડમાં નિયુક્તિ
નાંદેડ શહેરની જવાબદારી કૉન્ગ્રેસમાંથી BJPમાં આવેલા રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વરિષ્ઠ નેતા અશોક ચવાણની નજીકના ગણાતા ભૂતપૂર્વ વિધાનસભ્ય અમર રાજુરકરને સોંપવામાં આવી છે. અમર રાજુરકર કૉન્ગ્રેસમાં હતા ત્યારે તેમણે નાંદેડના શહેર-અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી હતી.

